સોખડા સ્વામી નારાયણ મંદિર વિવાદ આ મામલે બંને પક્ષે સમાધાનની બેઠકો અંગેની માહિતી ગુપ્ત રાખી મીડિયા સમક્ષ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે બંને પક્ષ તરફથી સહમતી સધાઈ છે. ગુજરાત હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે બોમ્બે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી ઉપરાંત તેમના વકીલ વચ્ચે આજે બીજી બેઠક યોજાઇ હતી.
સમાધાનની માહિતી મીડિયાને નહીં અપાય
સોખડા સ્વામિનારાયણ મંદિર વિવાદ મામલે અગાઉ બંને સાધુઓ અને તેમના વકીલ વચ્ચે પ્રથમ બેઠક 9 મેના રોજ યોજાઈ હતી. ત્યારબાદ ગુરૂવારે બીજી બેઠક મિડિએટરની હાજરીમાં યોજાઇ હતી. બંને વચ્ચે સમાધાન લાવવા માટે હાઈકોર્ટે મિડિએટર તરીકે એમ.એસ શાહની નિયુક્તિ કરી છે. તેમની હાજરીમાં આ પ્રથમ બેઠક મળી, જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, સમાધાન અંગેની કોઈપણ માહિતી માધ્યમો સમક્ષ રજૂ નહીં કરવામાં આવે, એટલે કે ગુપ્ત રાખવામાં આવશે. આજની બેઠકમાં પ્રબોધ સ્વામી તરફથી પોતાની માગણીઓ અને રજૂઆતો મૂકવામાં આવી હતી.
25મી મેએ વધુ એક બેઠક યોજાશે
આ મામલે આગામી 25મીના રોજ વધુ એક બેઠક યોજાશે. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી તરફથી સમાધાનના મુદ્દાઓ રજૂ કરવામાં આવશે. નવમીના રોજ યોજાયેલી પ્રથમ બેઠકમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સમાધાન સંદર્ભેની પ્રથમ બેઠક હકારાત્મક વાતાવરણમાં મળી હતી. બંને પક્ષો વચ્ચે સમાધાનની બેઠક થયા બાદ આ અંગેનો રિપોર્ટ આગામી સુનાવણી એટલે કે 13 જૂનના રોજ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.