ગેસ્ટ એડિટરની કલમે:આ વિશાળ સમાજ પણ શું  કાળમીંઢ પથ્થરોનું કારાગાર નથી? - વર્ષા અડાલજા

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગેસ્ટ એડિટર - વર્ષા અડાલજા, સાહિત્યસર્જક - Divya Bhaskar
ગેસ્ટ એડિટર - વર્ષા અડાલજા, સાહિત્યસર્જક

એ સમયે દેશમાં ઇમરજન્સીનો દોર ખતમ થયો હતો અને અખબારો સામાયિકો ,પુસ્તકોમાં ‘અંદર’ જઇ આવેલા લેખકો,પત્રકારો, એક્ટિવિસ્ટો જેલના અનુભવો વિષે ખૂલીને લખતા હતા. તિહાડ જેલમાં ભાગલપુરની જેલમાં કેદીઓની આંખમાં તીક્ષ્ણ સોયા ખોસી તેમાં ‘ગંગાજળ’-એસિડ રેડી ઘાતકી રીતે અંધ બનાવી જેલ સુપરિન્ટેન્ડેન્ટ પૂછતો - ‘ ગંગાજળ ડાલ દીયા? લાઇટ આઉટ કીયા?’ ‘બંદીવાન’ - જેલજીવનની યાતનાના બૃહદકોશ જેવી સત્યઘટનાત્મક નવલકથા લખવાનો આ હતો ટ્રીગરપોઇન્ટ. જેલ. સિતમનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને કોઇ જ દેશ એમાંથી બાકાત નથી.જેલની કાળમીંઢ દીવાલો, અભેદ્ય કિલ્લાના દરવાજા અને તોતિંગ તાળા પાછળનાં અમાનુષી અત્યાચારોની ઘટનાઓ ઝટ પ્રકાશમાં આવતી નથી.

નવલકથા માટે સત્યઘટના ભેગી કેવી રીતે કરું? અખબારો, મેગેઝીન્સ, પુસ્તકો શોધવા ફૂટપાથ પરના ઢગલાથી માંડી બુકશોપ્સમાં ઘણા ચક્કરો કાપ્યા. સાચાં પાત્રોની શોધમાં વકીલમિત્રને લઇ રેડલાઇટ એરિયામાં ગઇ. બહાર નીકળતા એક સ્ત્રીને ફૂટપાથ પર આળોટતી જોઇ. બે કદાવર પઠાણો લાતોથી ઝૂડી રહ્યા હતા. પાન ચાવતા, સિગારેટ સાથે ગાળોના ધૂમાડા કાઢતા પુરુષો આ દૃશ્ય માણી રહ્યા હતા. વકીલે કહ્યું આ તો રોજનું છે. વ્યાજે પૈસા લે પછી વ્યાજ ચૂકવવાનું ઠેકાણું નહી. અમારી ટેક્સી ત્યાંથી નીકળી ત્યારે એ કમભાગી સ્ત્રીની ચીસોનો શિરોટો મારી ટેક્સી પાછળ ખેંચાતો રહ્યો. મારું હૈયું વલોવાઇ ગયું. એ વલવલતી ચીસો મને પજવતી રહી. ત્યારે જ મેં નક્કી કર્યુ કે જેલોમાં સ્ત્રીઓની સ્થિતિ વિષે વાર્તામાં ગૂંથણી કરવી.

ગૃહપ્રધાન પ્રમિલાબહેનની ચિઠ્ઠીથી આર્થર રોડ જેલમાં એન્ટ્રી મળી. સ્ત્રીઓની બેરેકમાં ગયા. બે સ્ત્રી કેદીને મહાજને બોલાવી. મહારાષ્ટ્રનાં અંતરિયાળ ગામની. ભયભીત ઊભેલી દુબળીપાતળી સ્ત્રીઓ કોઇનું ખૂન કરે! નિર્મળાએ કહ્યું, ધણી દારૂડીયો. બહુ મારે. મારી કમાઇનાં પૈસા ઝૂંટવે. છોકરાં દૂધ સાટે રડે. મી મણલા આતા બસ. ચટણી વાટવાનો પથ્થર માર્યો એ મરી જશે ‘માલા કાઇ માહિત!’ શબ્દો આંસુમાં ડૂબી ગયા. બીજીને ત્રણ દીકરી થઇ. દીકરો ન જણવા સારુ રોજ ધગધગતા ડામ ખાધા.એક દહાડો દાતરડું લઇ...

કોનો અપરાધ અને કોને સજા? આખી જિંદગી એ અગનપથારી પર ચાલી, ફોડલાં પડ્યાની પીડા અને એક દિવસ જ્વાળામુખી ભભૂકી ઉઠ્યો. એક અખબારમાંથી મને નિલમણિ મળી. 18 વર્ષથી જેલમાં. શા માટે તે એને કે જેલવાળાઓને પણ ખબર નથી. ગર્ભવતી પકડી આણેલી. પ્રસૂતિ ટાણે ડોક્ટર વળી કેવો? પુરુષ વોર્ડનોએ ધરાર ઊભા રહી નગ્ન નિલમણિની પ્રસૂતિનો લાઇવ રિયાલિટી શો માણ્યો. બાળક 6 વર્ષનું થાય ત્યાં સુધી જ જેલમાં મા પાસે. નિલમણિના દીકરાને જેલની બહારની દુનિયા વિષે કશી ખબર નથી. આઝાદીનાં સિત્તેર વર્ષ થયાં. સ્ત્રી સશક્તીકરણનાં ઢોલનગારાં વગાડ્યા પણ નથી આપણે તેમની રક્ષા કરી શક્યા કે ન સ્વમાનભેર મનુષ્ય તરીકે જીવી શકે એવો સામાજિક માહોલ રચી શક્યા.

થોડી આંતરખોજ કરીશું? આપણે પણ આ સિસ્ટમનો એક ભાગ છીએ ને! સ્ત્રી અપરાધી/ કેદીને ઉતારી પાડતાં પહેલા દર્પણમાં જોઇશું! આ વિશાળ સમાજ પણ શું કાળમીંઢ પથ્થરોનું કારાગાર નથી? આપણે પણ અનેક વહેમો, માન્યતાઓ, રીતરિવાજો, અંધશ્રદ્ધા, જ્ઞાતિના વાડાઓ અને ધર્મની ભૂલભૂલામણી વેરઝેરની લોખંડી બેડીઓમાં બંદીવાન છીએ. એક એક ઇંટ મૂકી આપણે જ રચ્યું છે આ કારગાર. જેના ચોકીદાર પણ આપણે બંદીવાન આપણે. મારી નવલકથાનો નાયક છેલ્લે કહે છે, ‘એક જગ્યાએ સૂરજ આથમે છે ત્યારે બીજી બાજુ સૂર્યોદય થાય છે.’ નવભારતનો સૂર્યોદય ક્યારે થશે?

અન્ય સમાચારો પણ છે...