તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રશ્ન વિશેષ:સરનામાં વિનાનો માણસ હોય ખરો?

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: ભદ્રાયુ વછરાજાની
  • કૉપી લિંક
  • વિચરતી પ્રજાની હૈયું વલોવી નાખતી વ્યથા-કથાઓ આપણા હોવાનો પરિતાપ કરાવે છે

હેવાની જગ્યામાં ખાડા જોઈને મિત્તલને નવાઈ લાગી. એણે પૂછ્યું: ‘કાકા, આ ખાડા શાના છે?’ મેલા ઘેલા કાકાએ એની બોલીમાં જવાબ આપ્યો: ‘ ઊંઘવા બલ્લે ... હા, બુન, ઊંઘવા બલ્લે જ. ટાઢ ચેવી પડ. તમારા ઘેર હોય એવી ઓઢવા-પાથરવાની સગવડ આ સાપરામોં ચોંથી કરવાની?... ખાડામાં સાપુ પાથરી, ઇની ઉપર સોકરાંઓન હુંવરાઈ દઈએ અન ખાડા માથે પાસું સાપુ ઢોંચી દઈએ...’

ગેડિયા ગામની સીમમાં વરસતા વરસાદમાં લથપથ એવા ડફેરના ડંગામાં પહેલી વાર જવાનું થયું ત્યારે એક બાળક સતત રડતું હતું ને અમારી વાતોમાં ખલેલ પહોંચાડતું હતું, તે મિત્તલે પૂછ્યું: ‘આ બાળક આટલું રડે છે તો એને ધવડાવ ને, ભૂખ્યું થયું હશે.’... થોડા આક્રોશ સાથે જવાબ મળ્યો: ‘ ધવડાવું? પણ ધાવણ આવે તો એની ભૂખ ભાંગે ને? હળંગ હાત દાડા વરહાદ ચાલુ રિયો. આમાં જંગલી બિલાડાય બાર નથ નિહરતા તે ઈને મારીને ખઈએ. ચાર દાડાથી મેં કંઈ ખાધું નથ, અન ખાધા વના ધાવણ નૉ આવ, બેન!’...જ્યારે પણ મિત્તલ આંખ બંધ કરી ગેડિયા ગામની સીમ યાદ કરે છે ત્યારે આક્રોશ સાથે વાત કરતી પેલી બહેન તાદૃશ થઈ જાય છે ને મિત્તલ ઝબકી જાય છે.

વિચરતી પ્રજાની વ્યથા-કથાઓ દ્વારા આપણું હૈયું વલોવી નાખતી આવી અનેક સત્ય ઘટનાઓ વર્ણવતાં ‘સરનામાં વિનાનાં માનવીઓ’ પુસ્તકમાં મિત્તલ પટેલ પોતાની ઓળખ આ રીતે આપે છે: હું લેખક નથી. મારી જાતને કમર્શીલ કહેવાનું પણ મને યોગ્ય લાગતું નથી. પણ એટલું ખરું કે જે અયોગ્ય લાગ્યું તેને યોગ્ય કરવા મથવાનું મેં સ્વીકાર્યું. તકવંચિત, વિચરતી વિમુક્ત જાતિઓની વચ્ચે તેમની સ્થિતિને સમજવા માટે હું ફરતી રહું છું અને એમાં જે અનુભવું છું એ અંગે વાત કરવા માટે પૂજ્ય મોરારિબાપુએ અસ્મિતા પર્વમાં મને આમંત્રણ આપ્યું. કાર્યક્રમ પછી ઇજન મળ્યું આ વીતકોને કલમનો ટેકો કરવાનું! નાની હતી ત્યારે રમતવીર બનવાની તાલાવેલી હતી. પછી સાયન્સ ભણીને એન્જિનિયર થવાનું ને એ બધુંયે મૂકીને છેલ્લે સનદી અધિકારી બનવાનો નિર્ધાર કર્યો.

અમદાવાદ પણ એ માટે જ આવી. પણ પછી તો જિંદગી જુદા જ રાહ પર ચાલી. પત્રકારત્વનું ભણતાં-ભણતાં જ દેશના શેરડી-કામદારો સાથે દોઢ મહિનો જીવી. આ દોઢ મહિનાએ મને ધરમૂળથી હલાવી ને બદલી દીધી. મારો પુનર્જન્મ થયો. દરેક મા-બાપે પોતાનાં બાળકોને ગરીબ-શોષિતના જીવનમાં ડોકિયું કરાવવું જોઈએ... ગરીબો પાસે જઈને તેમની વચમાં તેમની જેમ રહેવાનું બાળકને થોડો સમય માટે કરાવવું જોઈએ. આ થાય તો કોઈને ગરીબોની મુશ્કેલી શું છે તે કોઈ દિવસ કહેવું નહીં પડે. દેશ, રાજ્ય કે વિશ્વ સુંદર ત્યારે જ દેખાશે જ્યારે ચોતરફ રહેનાર જીવમાત્રને શાતા મળી શકે તેવું વાતાવરણ નિર્મિત થશે અને આવું વાતાવરણ નિર્માણ કરવાની જવાબદારી આપણા સૌની છે. આપણને કેટલું સુખ મળ્યું છે તેનું મૂલ્ય પણ જ્યારે આવા પરિવારોની વચમાં જઈએ ત્યારે ખ્યાલ આવે. મારા મતે આ પ્રકારનું દેશાટન થાય તો નાની નાની વાતમાં ઈશ્વરને કે મા-બાપને ફરિયાદ કરવાનું બંધ જ થઈ જાય.

ગાંધીજી મારા આદર્શ. એમના માટે વિશેષ પ્રેમ. ગાંધીની હયાતીમાં હું કેમ જન્મી નહીં તેનો અફસોસ હંમેશાં થયા કરે... પરંતુ વિચરતી અને વિમુક્ત જાતિઓએ મને અપનાવીને ગાંધી મળ્યા જેટલો સંતોષ આપ્યો. એમણે મને તેમાંની એક ગણી. મિત્તલ પટેલ કહે છે કે મારી પાસે કહેવા જેવી કોઈ વાત મારી નથી, જે છે તે વંચિતોની વ્યથા-કથા છે! અને મજબૂરીની વ્યથા! વાડિયા ગામના તોતીમા સફાળા બોલ્યા: ‘અમારી પેઢીઓ આવા ધંધા ન’તી કરતી. અમે તે રોણા પરતાપની પ્રજા કેવરઇએ. આવું બધું અમન શોભે નઈ. પણ વખાના માર્યા આ બધું કીધું!’ ગામના બાળકો પાંચ ધોરણ ભણીને બાજુનાં ગામની નિશાળમાં આગળ ભણવા જાય ત્યારે ગામના કેટલાંક માણસો બાળકોને વેધક પ્રશ્ન પૂછે: ‘ તારી માનો (કે બહેનનો) ભાવ શું?’ બાળકના મનમાં સમસમી જતું ને પ્રશ્નોથી હારીને નિશાળે જવાનું માંડી વાળતું... શું આ ભવ્ય સંસ્કૃતિની ધરોહરવાળું ભારત? કેમ કહેવું ‘ગરવી ગુજરાત’? - bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...