તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહાજૂઠાણા પાછળનું સત્ય:ગુજરાત સરકાર જૂઠું બોલે છે, આ રહ્યો પુરાવો! સિવિલનો 'મોતનો ખેલ' ઉઘાડો પડ્યો, કોરોનાના મૃતકોના આંકડામાં ક્રૂર મજાક

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • DivyaBhaskarએ સિવિલ કોવિડ હોસ્પિટલમાંથી 10 એપ્રિલથી 9મે સુધીનાં મૃત્યુની આખી યાદી મેળવી
  • કોરોનાથી દાખલ દર્દીનાં મૃત્યુના કારણના ખાનામાં સસ્પેક્ટેડની નોંધ કરી ગુજરાત સરકારે આંકડા છુપાવ્યા
  • હાઈકોર્ટમાં જ નહીં, કોરોનાની બીજી લહેરની પીક દરમિયાન રોજેરોજ રાજ્યની જનતા સમક્ષ પણ શું જૂઠું બોલી સરકાર?

કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં મૃતદેહોના ઢગલા થયા હતા. આ ભયાવહતાને ગુજરાતના લોકો વર્ષો સુધી ભૂલી નહીં શકે. જોકે ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવ્યા એ પણ હકીકત છે. ફક્ત અમદાવાદ 1200 બેડની સિવિલ કોવિડ હોસ્પિટલમાં જ રોજ જેટલાં મૃત્યુ થતાં હતાં એ આંકડો ઘણીવાર આખા ગુજરાતના સત્તાવાર મૃત્યુઆંક કરતાં પણ વધી જતો હતો.

ગુજરાત સરકારના આ ઢાંકપિછોડાનો પર્દાફાશ કરવા DivyaBhaskarએ સિવિલ કોવિડ હોસ્પિટલમાં જઈને 10 એપ્રિલથી 9મે સુધી ત્યાં થયેલાં મૃત્યુના રોજેરોજના આંકડા મેળવ્યા. આ આંકડા ક્યાંય કોઈ જગ્યાએ જાહેર થયેલા નથી, પણ DivyaBhaskarએ મેળવ્યા છે. આ યાદી મુજબ સિવિલ કોવિડ હોસ્પિટલમાં 3416 મોત થયાં હતાં, જ્યારે આ ગાળામાં રાજ્યમાં 3578 અને અમદાવાદમાં 698 મોત થયાં હતાં.

(સિવિલમાં મૃત્યુ પામેલા કોરોના પેશન્ટમાંથી 100 મૃતકોનાં સ્વજન સાથે DivyaBhaskarએ વાત કરી. આવતીકાલે વાંચો તેમની દર્દભરી વાત...)

યાદીની વિગતોને ચકાસી અને પછી જ એની પર ભરોસો કર્યો
સિવિલ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાંથી DivyaBhaskar દ્વારા મેળવાયેલી આખા મહિનાની વિગતો સૌથી પહેલા અમે ચકાસી હતી. દરેક તારીખની મૃતકોની એક આખી શીટ હતી અને એ રીતે 10 એપ્રિલથી 9 મેની તારીખવાર શીટ ઉપરાંત એનું રેકોર્ડિંગ પણ અમે મેળવ્યું હતું. આ દરેક તારીખની યાદી ચેક કરતાં એમાં જે-તે દિવસે મૃતક દર્દીનાં નામ, તેમનો ફોન નંબર, એડમિશન ડેટ, મૃત્યુની તારીખ અને છેલ્લા ખાનામાં કારણ લખવામાં આવ્યું હતું. દરેક શીટના અંતે આપેલા ક્રમના આધારે DivyaBhaskar દ્વારા જે-તે તારીખના મૃતકોની સંખ્યા તથા યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી સવારે 8 વાગ્યાથી બીજા દિવસે સવારે 8 વાગ્યા સુધી અપડેટ થતા મૃત્યુઆંક આધારિત હતી.

30માંથી 12 દિવસ આખા રાજ્યના મૃત્યુઆંક કરતા સિવિલમાં વધુ ડેથ
સિવિલ કોવિડ હોસ્પિટલની 30 દિવસની મૃતકોની યાદી ચકાસવામાં આવી તો માલૂમ પડ્યું કે 10 એપ્રિલથી 9 મે દરમિયાન 11 દિવસ તો એવા હતા કે જ્યારે કોરોનાને લીધે આખા રાજ્યમાં થયેલાં મૃત્યુ કરતાં સિવિલ કોવિડ હોસ્પિ.નો મૃત્યુ આંક વધુ હતો. ગુજરાત સરકાર દ્વારા કેવી રીતે આંકડા છુપાવવાનું પાપ કરવામાં આવે છે એ અહીં જ એક્સપોઝ થઈ જાય છે. એપ્રિલ મહિનાની 10થી 21 તારીખ સુધીના આ 12 દિવસ એવા હતા કે જ્યારે અમદાવાદ સિવિલ કોવિડ હોસ્પિટલની યાદીમાંના મૃતકોની સંખ્યા રાજ્ય સરકારે જાહેર કરેલા જે-તે તારીખના સત્તાવાર મૃત્યુઆંક કરતાં પણ વધી જતી હતી. આ બાબત ફરી પુરવાર કરે છે કે રાજ્ય સરકારે મૃત્યુઆંક જાહેર કરવામાં કેવી ગોબાચારી કરી છે.

શું હાઈકોર્ટમાં પણ સરકારે ખોટા આંકડા સાથે નીચો મૃત્યુઆંક દર્શાવ્યો?
ગુજરાતમાં કોરોનાની ભયાવહ સ્થિતિને કારણે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો જાહેરહિતની અરજી રજિસ્ટર કરી સુનાવણી હાથ ધરી હતી. આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારિયાની બેન્ચે ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટે રાજ્યમાં ટપોટપ થઈ રહેલાં મૃત્યુના આંક છુપાવવામાં આવી રહ્યા વિશે પણ ગુજરાત સરકારને અણિયારા સવાલો કર્યા હતા. એ વખતે ગુજરાત સરકારે મૃત્યુઆંક અંગેનું સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં સત્તાવાર મૃત્યુઆંકને જ ટાંકવામાં આવ્યા હતા. હવે DivyaBhaskar દ્વારા એકલી સિવિલ 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં જ કોરોનાથી દાખલ થયેલા પેશન્ટનાં મૃત્યુની યાદી પ્રસિદ્ધ કરીને સરકારની આ રમતનો ભાંડો ફોડવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે શું હાઈકોર્ટમાં પણ સરકારે ખોટા આંકડા રજૂ કર્યા?

દર્દી દાખલ કોરોનાથી થાય, મૃત્યુ થવા પર કારણ નહીં આપવાનું
DivyaBhaskarએ 10 એપ્રિલથી 9 મે સુધી સિવિલ 1200 બેડની હોસ્પિટલમાં મૃત્યુ પામેલા 100 દર્દીનાં પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ તમામ વાતચીતનું રેકોર્ડિંગ પણ DivyaBhaskar પાસે છે. આમાંના મોટા ભાગના દર્દીના સગાએ જણાવ્યું હતું કે તેમના સ્વજનને કોરોનાના હેવી ઈન્ફેક્શનને પગલે જ સિવિલ 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં તેમની સારવાર પણ કોરોનાની ચાલી હતી, પરંતુ મૃત્યુ થયા બાદ જ્યારે તેમને ડેડબોડી લઈ જવાનું હોસ્પિટલમાંથી કહેવામાં આવ્યું ત્યારે તેમને મૃત્યુનું કોઈ કારણ જણાવવામાં જ આવ્યું નહોતું. બસ, હોસ્પિટલ તરફથી મૃત્યુની એક ચિઠ્ઠી આપી દેવાઈ હતી, જેમાં ક્યાં તો મૃત્યુનું કારણ કોઈ બીમારીથી થયાનું લખી દેવાયું હતું અથવા કોઈ કારણ જણાવાયું જ નહોતું.

કોરોના પેશન્ટને સસ્પેક્ટેડમાં ખપાવી મૃત્યુઆંક નીચો રાખવાની ગેમ
સિવિલ 1200 બેડ કોવિડ હોસ્પિટલની જે યાદી DivyaBhaskarએ મેળવી છે એમાં તારીખવાર શીટ છે. આ શીટના છેલ્લા ખાનામાં મૃત્યુના કારણનો ઉલ્લેખ કરવાનો હોય છે, પરંતુ આ શીટમાં લગભગ 90 ટકાથી વધુ મૃતકોના કિસ્સામાં કોઈ કારણનો ઉલ્લેખ કરાયો જ નથી. એટલું જ નહીં, દર્દીના સગાને જ્યારે મૃતદેહ સોંપવામાં આવે છે ત્યારે તેની સાથે અપાતી મૃત્યુનોંધની ચિઠ્ઠીમાં પણ કારણનો ખુલાસો કરાતો નથી. બહુ-બહુ તો અમુક કિસ્સામાં કારણ તરીકે કો-મોર્બિડિટીની નોંધ ટપકાવી દેવાઈ છે. આમ પેશન્ટ દાખલ થાય કોરોના ઈન્ફેક્શનથી, સારવાર પણ કોરોનાની જ થાય, પરંતુ મૃત્યુ થાય ત્યારે એકાએક તેને નેગેટિવ ડિક્લેર કરી દેવાય અથવા તો સસ્પેક્ટેડ અને કો-મોર્બિડિટી એટલે કે ડાયાબિટીસ, હાઈપરટેન્શન વગેરે બીમારીનું કારણ આપી દેવાની આખી સરકારની ગેમ છે.

(સિવિલમાં મૃત્યુ પામેલા કોરોના પેશન્ટમાંથી 100 મૃતકોનાં સ્વજન સાથે DivyaBhaskarએ વાત કરી. આવતીકાલે વાંચો તેમની દર્દભરી વાત...)

અન્ય સમાચારો પણ છે...