મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે અમદાવાદમાં IPLની ક્વોલિફાયર-2 મેચ, લેહ-શ્રીનગરના જોજીલા પાસિંગ પાસે ખીણમાં વાન ખાબકી, સુરતના ટૂર-સંચાલક સહિત 9નાં મોત

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે શુક્રવાર છે, તારીખ 27 મે, વૈશાખ વદ- બારસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે અમદાવાદમાં IPLની ક્વોલિફાયર-2 મેચ રમાશે, રાજસ્થાન રોયલ્સ અને RCB વચ્ચે ટક્કર

2) આજે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ભારત ડ્રોન મહોત્સવ 2022'નું ઉદઘાટન કરશે

3) ભારતીય પોસ્ટમાં નોકરી માટે અરજી કરવાનો આજે છેલ્લો દિવસ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) લેહ-શ્રીનગરના જોજીલા પાસિંગ પાસે 1200 ફૂટ ઊંડી ખીણમાં વાન ખાબકતાં સુરતના ટૂર-સંચાલક સહિત 9નાં મોત

લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજીલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઊંડી ખીણમાં પડી જવાને કારણે કુલ 9 લોકોનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં સુરતના એક 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિતનાં બે બાળકો પણ છે. તેમના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

વાંચો સમાચાર વિગતવાર

2) AMTS-BRTS 27 અને 29મીએ સ્ટેડિયમ સુધી સ્પેશિયલ બસો દોડાવશે, ક્યાંથી કઈ બસ મળશે જાણવા અહીં જુઓ આખો રૂટ

ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની આ સીઝનની ક્વોલિફાયર-2 અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. શુક્રવારે અને રવિવારે રમાનારી આ મેચને લઈને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. IPLની ફાઈનલ માટે અંદાજે 1 લાખ જેટલી ટિકિટો વેચાઈ ગઈ છે, જ્યારે ક્વોલિફાયર મેચમાં પણ મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહી શકે છે. એવામાં ATMS અને BRTS દ્વારા દર્શકોની સુવિધા માટે સ્ટેડિયમ સુધી અને ત્યાંથી પાછા ઘરે જવા માટે સ્પેશિયલ બસો મૂકવામાં આવી છે.

વાંચો સમાચાર વિગતવાર

3) બનાસકાંઠાનાં 125 ગામના 25 હજારથી વધુ ખેડૂતોએ પાણી મામલે શરૂ કર્યું જળ આંદોલન,પાલનપુરમાં હજારો ખેડૂતોની રેલી

વડગામ તાલુકાનું કરમાવદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં નર્મદાનું પાણી ભરવાની માંગને લઈને આજે કિસાન સંઘનાં નેજા હેઠળ હજારોની સંખ્યામાં ખેડૂતોએ પાલનપુરમાં રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી કરમાવદ તળાવમાં પાણી ભરવાની માંગ કરી રહ્યા હતા. જોકે, આ માંગણી ન સંતોષાતા આખરે ખેડૂતોએ જળ આંદોલનનો રસ્તો અપનાવ્યો હતો. આજે 125 ગામના 25 હજારથી વધુ ખેડૂતોએ ટ્રેક્ટર સાથે પાલનપુર શહેરમાં મહારેલી યોજી હતી. ખેડૂતોએ પાલનપુરની આદર્શ હાઈસ્કૂલથી કલેક્ટર કચેરી સુધી બે કિલોમીટરની રેલી યોજી કલેકટરને આવેદન પત્ર આપી તળાવ ભરવાની માગ કરી હતી.

વાંચો સમાચાર વિગતવાર

4) જુઓ આટકોટની હાઇફાઇ હોસ્પિટલ, જેને PM મોદી 28મીએ ખુલ્લી મૂકવાના છે, રૂ.150માં જનરલ વોર્ડનું ભાડું ને 3 ટાઇમ ભોજન!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેએ રાજકોટ જિલ્લાના જસદણના આટકોટ ખાતે રૂ. 40 કરોડના ખર્ચે બનેલી 200 બેડની કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરશે. પટેલ સેવા સમાજ દ્વારા સંચાલિત આ હોસ્પિટલમાં રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સહિતના જિલ્લાના ગરીબ દર્દીઓને નજીવા દરે સારવાર મળશે. અહીં જનરલ વોર્ડમાં રોજના રૂ. 150ના ભાડામાં દર્દીને ત્રણ ટાઇમ પેટ ભરીને ભોજન પણ મળશે. હોસ્પિટલમાં OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ICCU, ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ, એન્ડોસ્કોપી, ફિઝિયોથેરપી, NICU, PICU, કેથલેબ સહિતના આધુનિક વિભાગો કાર્યરત થશે. મા-અમૃતમ અને આયુષ્યમાન કાર્ડધારકોને વિનામૂલ્યે સારવાર અપાશે.

વાંચો સમાચાર વિગતવાર

5) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવો તો વાહન ક્યાં મૂકશો? આ રહ્યું 31 પાર્કિંગ પ્લોટનું લિસ્ટ, ઓનલાઈન બુકિંગ ફરજિયાત

અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે 27 તેમજ 29 મેના રોજ આઈપીએલની મેચ યોજાવાની છે. મેચના પગલે ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે સ્ટેડિયમની આસપાસમાં જ 31 જેટલા પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થાને લઇ આજે સંયુક્ત પોલીસ કમિશનર(ટ્રાફિક) મયંકસિંહ ચાવડા દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે દર્શકો માટે કરાયેલી પાર્કિંગની વ્યવસ્થાની જાણકારી આપી હતી.

વાંચો સમાચાર વિગતવાર

6) જ્ઞાનવાપી પર વધુ સુનાવણી 30 તારીખે,મુસ્લિમ પક્ષે કહ્યું- શિવલિંગનું અસતિત્વ કથિત છે, સાબિત ન થાય ત્યાં સુધી પૂજાની પરવાનગી ન આપવામાં આવે

વારાણસીના મા શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી પ્રકરણની સુનાવણી ગુરુવારે જિલ્લા જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં ચાલી રહી છે. મુસ્લિમ પક્ષના વકીલ અભય નાથ યાદવે કહ્યું કે શિવલિંગનું અસતિત્વ કથિત છે અને હજી સુધી સાબિત થયું નથી. અફવાના કારણે અશાંતિ થાય છે, આ કારણે અસ્તિત્વ સાબિત થવા સુધી પુજાને અનુમતિ ન આપવી જોઈએ.

વાંચો સમાચાર વિગતવાર

7) તેલંગાણામાં તમામ મસ્જિદોનું ખોદકામ કરો, જો ત્યાં શિવલિંગ મળે તો હિન્દુઓને સોંપી દો: ઓવૈસીને BJP નેતાનો પડકાર

તેલંગાણાના BJP ચીફ બંડી સંજયે બુધવારે AIMIM અસદુદ્દીન ઓવૈસીને પડકાર ફેંક્યો છે. બંડીએ કહ્યું હતું કે રાજ્યની તમામ મસ્જિદોનું ખોદકામ કરાવો. જો ત્યાંથી શિવલિંગ મળે છે તો મુસલમાનોએ આ મસ્જિદોને હિન્દુઓને સોંપવી પડશે. અને જો ત્યાંથી શબ મળે છે તો મુસલમાનો તેની પર દાવો કરી શકે છે.

વાંચો સમાચાર વિગતવાર

8) ભારતીય સેનાના જવાનોને વીડિયો મેસેજથી ફસાવતી હતી, કહેતી- હું તમારી સાથે છું: પાકિસ્તાની હનીટ્રેપ ગર્લનો પહેલો VIDEO

પાકિસ્તાનની ISI એજન્ટને સેનાની સીક્રેટ માહિતી આપવાના આરોપમાં એક સેનાના જવાનની ધરપકડ કરવામાં આવી છે. ઈન્ટેલિજન્સની પૂછપરછ પછી તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. સેનાના જવાનની પૂછપરછ દરમિયાન ધણાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ઈન્ટેલિજન્સની તપાસ અને પૂછપરછમાં હનીટ્રેપમાં ફસાવનાર પાકિસ્તાની એજન્ટના અમુક વીડિયો સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, તે બોલિવુડ ગીતો પર રીલ્સ બનાવીને સેનાના જવાનોને ફસાવતી હતી.

વાંચો સમાચાર વિગતવાર

9) ઇસ્લામાબાદ બની ગયું યુદ્ધનું મેદાન, લાખો સમર્થકો સાથે મોડી રાત્રે ઇમરાન ડી-ચોક પહોંચ્યા હતા, સેના તહેનાત; મરિયમે કહ્યું- તેઓ હિંસા ભડકાવી રહ્યા છે

પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની આઝાદી કૂચને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, ગૃહ મંત્રાલયે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેના તહેનાત કરવાના નિર્દેશ આપ્યા છે.અહીં મોડી રાત્રે ઇમરાન ખાન પોતાના લાખો સમર્થકો સાથે ઇસ્લામાબાદ નજીક ડી-ચોક પહોંચ્યા હતા. ઈમરાન આજથી ધરણા પર બેસશે અને સરકાર પાસે ચૂંટણી કરાવવાની માંગણી કરશે. ઇમરાને ગયા મહિને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું, શાસક પક્ષના નેતા મરિયમ નવાઝે ઈમરાનની આઝાદી કૂચ પર નિશાન સાધ્યું છે. મરિયમે કહ્યું કે પૂર્વ PMના કહેવા પર પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના કાર્યકર્તાઓ હિંસા ભડકાવી રહ્યા છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે. પરંતુ તેનું પાલન થઈ રહ્યું નથી.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) સોશિયલ મીડિયામાં હોસ્પિટલને બદનામ કરનારા અમદાવાદની યુ.એન.મહેતાના RMO કૌશિક બારોટની ધરપકડ

2) રાજકોટ મનપા દ્વારા IPLની ફાઇનલ મેચનું કિશાનપરા ચોકમાં LIVE પ્રસારણ દેખાડવા આયોજન, વિશાળ LED સ્ક્રીન મુકાશે

3) સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના ડિગ્રી સર્ટિફિકેટની ફીમાં થયેલા વધારો પરત ખેંચવાની માગ, આંદોલનની ચીમકી

4) 'ગુજરાતમાં કારકિર્દી માર્ગદર્શન માટે રાજ્ય સરકાર વેબ પોર્ટલ શરૂ કરશે', વડોદરામાં વર્ચ્યુઅલી કાર્યક્રમમાં શિક્ષણમંત્રીની જાહેરાત

5) ધો-12 સાયન્સમાં બે વિષયમાં નાપાસ થતાં નાંદોદની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાધો, વડોદરાની ખાનગી હોસ્પિટલમાં મોત

6) રાજકોટના 27માં પોલીસ કમિશનર તરીકે રાજુ ભાર્ગવે ચાર્જ સાંભળ્યો, કહ્યું: ખરડાયેલી છબીને સુધારવા તમામ પગલાંઓ લેવાશે

7) સુપ્રીમ કોર્ટે વેશ્યાવૃત્તિને વ્યવસાય તરીકે સ્વીકારી, કહ્યું- પોલીસ સેક્સવર્કર્સને પરેશાન ના કરે, મીડિયાને પણ આપ્યો આદેશ

8) પશ્ચિમ બંગાળની રાજ્ય યુનિવર્સિટીમાં રાજ્યપાલની જગ્યા CM હશે ચાન્સેલર, સરકારનો નિર્ણય

9) અફઘાનિસ્તાનમાં સિરિયલ બ્લાસ્ટ:કાબુલમાં મઝાર-એ-શરીફ નજીક સતત વિસ્ફોટ થયા; 16નાં મોત, 22 ઘાયલ

10) 21 વર્ષીય હિરોઈન બિદિશા ડેએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી, પોલીસ દરવાજો તોડીને ઘરમાં પ્રવેશી હતી

આજનો ઈતિહાસ
ભારતના ઈતિહાસમાં 27 મે 1964નાં રોજ દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું નિધન થયું હતું. તો આજના જ દિવસે 27 મે, 1948નાં રોજ મહાત્મા ગાંધીની હત્યાનો કેસ પણ શરૂ થયો હતો.

અને આજનો સુવિચાર
ઘર કેવી રીતે બાંધવું એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ એમાં સુખેથી કેમ રહેવું એ ભાગ્યે જ કોઈ જાણે છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...