ગુજરાતમાં 2018થી લઈને 2020 સુધીમાં સગીરોએ આચરેલા ગુનાઓની સંખ્યા 5877 નોંધાઈ છે. 2019ની તુલનામાં 2020માં 213 કેસનો ઘટાડો નોંધાયો છે. સુરતમાં પણ 218 કેસ ઘટ્યા છે પરંતુ અમદાવાદમાં 185 કેસનો વધારો નોંધાયો છે. 2018માં સગીરો દ્વારા આચરેલા ગુનાની ટકાવારી 9.9 ટકા હતી જે 2019માં ઘટીને 9.8 ટકા જ્યારે 2020માં તે વધુ ઘટીને 8.7 ટકા પહોંચી ગઈ.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) મુજબ, 2018 અને 2019માં ગુજરાત સગીરોના ગુના મામલે છઠ્ઠા ક્રમે હતું જે 2020માં ગુનાખોરી ઘટતાં સાતમા ક્રમે પહોંચી ગયું છે. છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં સગીરો સામે સૌથી વધુ 1493 ગુના ચોરીના છે. તેમની સામે હત્યાના 203, દુષ્કર્મના 82, બેફામ ડ્રાઇવિંગના 175 કેસ નોંધાયા છે. આ ઉપરાંત હત્યાના પ્રયાસના 213, અપહરણના 118, તોફાનોના 277, ગુનાહિત ધાકધમકીના 451 અને પ્રોહિબિશન એક્ટ હેઠળ 361 કેસ નોંધાયા છે.
ખંડણી-બ્લેકમેલિંગ, છેતરપિંડીમાં સગીરો સામે કેસ
ચોરી ઉપરાંત ઘરફોટ ચોરી મામલે સગીરોમાં સામે 3 વર્ષમાં 361 કેસ નોંધાયા છે. ખંડણી-બ્લેકમેઇલિંગના ગુનામાં પણ સગીરોની સંડોવણી નોંધાઈ છે અને તેમની સામે 2018માં 4, 2019માં 2 અને 2020માં 4 ગુના નોંધાયા છે. લૂંટફાટ તથા સશસ્ત્ર ધાડના ગુના હેઠળ 167 કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેતરપિંડીને લગતા ગુનામાં 2018માં 23, 2019માં 13 અને 2020માં 13 કેસ નોંધાયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આર્મ્સ એક્ટ હેઠળ 6 અને આઇટી એક્ટ હેઠળ 7 ગુના સગીરો સામે નોંધાયા છે.
રાજ્યના સગીરો સામે હત્યાના પ્રયાસના 3 વર્ષમાં 93 કેસ નોંધાયા
ગુનાનો પ્રકાર | 2018 | 2019 | 2020 |
હત્યા | 66 | 71 | 66 |
બેદરકારીથી હત્યા | 36 | 33 | 24 |
હત્યાનો પ્રયાસ | 73 | 74 | 66 |
ઈજા પહોંચાડવી | 292 | 339 | 339 |
મહિલાઓ પર હુમલા | 33 | 25 | 21 |
અપહરણ | 50 | 52 | 16 |
દુષ્કર્મ | 26 | 22 | 34 |
તોફાનો | 113 | 77 | 87 |
ચોરી | 484 | 609 | 400 |
ઘરફોડ ચોરી | 126 | 134 | 101 |
બેફામ ડ્રાઇવિંગ | 74 | 57 | 44 |
ગુનાહિત ધાકધમકી | 150 | 159 | 142 |
પ્રોહિબિશન એક્ટ | 162 | 110 | 89 |
હાયર સેકન્ડરી કે તેથી વધુ અભ્યાસ કરનારા સગીરોમાં ગુનાખોરીનું પ્રમાણ સૌથી ઓછું
એનસીઆરબી મુજબ, 2018થી 2020માં વિવિધ ગુનામાં પકડાયેલા 7061 સગીરો પૈકી 323 અભણ છે. પ્રાઇમરી સુધી અભ્યાસ કરનારા 3103, પ્રાઇમરીથી મેટ્રીક સુધીના 2936, મેટ્રીકથી હાયર સેકન્ડરી સુધીના 691 છે. હાયર સેકન્ડરી કે તેથી વધુ અભ્યાસ કરનારા સગીરોની સંખ્યા 80 નોંધાઈ છે. વધુ અભ્યાસની સાથે ગુનાખોરીનું પ્રમાણ ઘટતું જોવા મળ્યું છે.
2020માં રાજ્યમાં ગુનાનું પ્રમાણ ઘટ્યું પણ અમદાવાદમાં વધારો
રાજ્ય/શહેર | 2018 | 2019 | 2020 |
ગુજરાત | 2040 | 2025 | 1812 |
અમદાવાદ | 352 | 298 | 483 |
સુરત | 409 | 516 | 298 |
માતા-પિતા સાથે રહેતા સગીરોમાં ગુનાખોરીનું પ્રમાણ સૌથી વધારે
પારિવારિક માહિતી | 2018 | 2019 | 2020 |
માતા-પિતા સાથે રહે છે | 2450 | 2326 | 2099 |
વાલી સાથે રહે છે | 49 | 34 | 25 |
ઘરવિહોણા | 7 | 24 | 47 |
કુલ | 2506 | 2384 | 2171 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.