સટ્ટાનું નેટવર્ક:અમદાવાદમાં ક્રિકેટનો સટ્ટો રમાડતો ટપોરી રાજુ રાણી ઝડપાયા બાદ જીતુ થરાદ, અમિત ઊંઝા, જેવા બુકીઓની તપાસ શરૂ

અમદાવાદ17 દિવસ પહેલા
સોલામાં રમાતા ક્રિકેટ સટ્ટામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરાઈ હતી
  • શુક્રવારે સ્ટેટ મોનિટરિંગ સેલે અમદાવાદના સોલામાં રમાતા ક્રિકેટ સટ્ટા સ્થળે રેડ કરી હતી
  • બુકીઓ કોડવર્ડથી સટ્ટાના નેટવર્ક સાથે કનેક્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે
  • અગાઉ અમદાવાદ પોલીસે બુકીને મદદ કરતા PSIની ધરપકડ કરી હતી

સમગ્ર વિશ્વમાં બેટિંગ પર અબજો રૂપિયાની હાર જીત થાય છે. સટ્ટો કોઈ પણ હોય જેમાં અનેક સટોડિયા પોતાના રૂપિયા દાવ લગાવવા માટે બુકીઓને આપતાં હોય છે. લોકલથી માંડીને ઈન્ટરનેશનલ મેચ, ચૂંટણી જેવી બાબતોમાં સટ્ટો રમવા માટે તેઓ એક પણ તુક ગુમાવતા નથી. બુકીઓની સાથે પોલીસ પણ મળેલી હોય છે. અમદાવાદમાં અગાઉ એક PSI પકડાઈ ચૂક્યો છે. ત્યારે હવે સોલા પોલીસ પણ શંકાના દાયરામાં આવી છે. શુક્રવારે સ્ટેટ મોનિટરિંગ સેલે સોલામાં ચાલી રહેલા ક્રિકેટ સટ્ટાની બાતમી મળતાં રેડ કરી હતી. જેમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રાજુ રાણી નામના બુકીને ઝડપી પાડ્યો હતો.

થરાદ, ઊંઝાના બુકીઓ ભારતભરમાં સૌથી મોટા બુકી ગણાય છે
આ રેકેટમાં જીતુ થરાદ, અમિત ઊંઝા, જેવા બુકીઓની તપાસ શરૂ થઈ ગઈ છે. આ બુકીઓ કોડવર્ડથી સટ્ટાના નેટવર્ક સાથે કનેક્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સામાન્ય ફોનથી શરૂ થયેલા સટ્ટાનું રેકેટ હવે એપ્લિકેશન, હવાલા અને પોલીસના મેળાપી પણા સુધી આવી ગયું છે. ક્રિકેટના સટ્ટાની કોઈ વાત આવે ત્યારે અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ક્રિકેટ સ્ટેડિયમમાં બેસીને ફોન પર વાત કરતી તસવીર સામે આવે છે. એક સમયે એવું કહેવામાં આવતું હતું કે, અંડર વર્લ્ડ ડોનના ઈશારે ક્રિકેટ મેચ પર સટ્ટો કાપવામાં આવતો હતો. પરંતુ હવે અનેક જગ્યાએ સટ્ટો કપાય છે. જેમાં ગુજરાતના થરાદ, ઊંઝાના બુકીઓ ભારતભરમાં સૌથી મોટા બુકી ગણાય છે.

બુકીઓના ટપોરી રાજુરાનીને સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડ્યો હતો
બુકીઓના ટપોરી રાજુરાનીને સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડ્યો હતો

અમદાવાદ પોલીસે બુકીને મદદ કરતા PSIની ધરપકડ કરી હતી
જીતુ થરાદ, ચિન્ટુ ભાભર અને અમિત ઊંઝા સૌથી મોટા બુકીઓમાંનાં એક છે. જેઓ રાજ્યમાં મોટા ભાગનો સટ્ટો કાપે છે. જેમાં રૂપિયા હવાલાથી તથા ઓનલાઈન ટ્રાન્સફર થતા હોવાનું તપાસ એજન્સીઓ જણાવે છે. જે રૂપિયાનો ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિમાં થાય છે તેની પણ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બુકીઓના હાથ નીચે શુક્રવારે પકડાયેલા રાજુ રાણી જેવા ટપોરીઓ પણ કામ કરતાં હોય છે. અગાઉ અમદાવાદ પોલીસે બુકીને મદદ કરતા PSIની ધરપકડ કરી હતી. PSI રૂપિયા માટે બુકીને સ્ટેડિયમમાં મુકી આવ્યો હતો. ત્યાર બાદ કિશનસિંહ નામનો PSI પકડાયો હતો.

પોલીસ પણ રાજુ રાણી જેવા ટપોરીના સંપર્કમાં હોય તેવું મનાય છે
રાજુ રાણી 2011થી ક્રિકેટ સટ્ટા સાથે જોડાયેલો છે. જેથી તેના સંપર્કમાં પણ પોલીસ હોય તેમ માનવામાં આવી રહ્યુ છે. સોલામાં થયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ બાદ સ્થાનિક પોલીસ સ્કેનિગમાં આવી ગઈ છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ તે દિશામાં તપાસ શરૂ થઈ ગઈ છે. હવે ક્રિકેટ સટ્ટો હાઈટેક થઈ ગયો છે. હાલ ઈન્ટરનેટ પર અનેક વેબ સાઇટ કે એપ્લિકેશન છે.જેના પર લાઈવ ક્રિકેટ મેચ કરતા વહેલા સ્કોર જાણી શકાય છે.

સ્ટેડિયમમાં બુકીને ઘૂસાડનાર આ PSIની ધરપકડ કરાઈ હતી.
સ્ટેડિયમમાં બુકીને ઘૂસાડનાર આ PSIની ધરપકડ કરાઈ હતી.

એપ્લિકેશન બુકીનાં માણસો ઓપરેટ કરતા હોય છે
આ એપ્લિકેશન પણ બુકીનાં માણસો ઓપરેટ કરતા હોય છે. જેમાં બુકીનો એક માણસ સ્ટેડિયમમાં બેઠો હોય તે મેચ જોતો હોય અને ભાવ બોલતો હોય તે એપ્લિકેશનમાં ઓન એર થતું હોય છે. જ્યારે ટીવી પર ટેલિકાસ્ટ થતી મેચમાં 1 બોલ ડીલે હોય છે. હવે ઓન લાઈન ટ્રાન્જેક્શન અને હવાલા, ક્રિપ્ટો કરન્સીમાં પણ બુકીઓ વસુલી કરી રહ્યાં છે. હાલના ટેકનોલોજીના સમયમાં બુકી હવાલાથી રૂપિયા અજાણ્યા વ્યક્તિના એકાઉન્ટમાં ઓન લાઈન ટ્રાન્સફર લેતા હોય છે. જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર બુકીઓ હવે વસુલાત મોટી હોય તો વિદેશમાં ક્રિપ્ટો કરન્સીમાં પણ ડિલ કરી લે છે.