ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:છેક PMO સુધી ફરિયાદ, ખુદ ACBએ પણ 5 પત્ર લખ્યા છતાં રાજ્યના આરોગ્ય વિભાગમાં ભરતીમાં ગેરરીતિની ફરિયાદ પર કોઈ કાર્યવાહી નહીં

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મનોજ કે. કારીઆ
  • આયુષ વિભાગમાં અનુભવ વગરના પ્રોફેસર, રીડર, લેકચરરની ભરતીની PMO સુધી ફરિયાદ
  • આરોગ્ય વિભાગના આક્ષેપિત અધિકારીની બદલી થઈ છતાં વિભાગ છોડતા જ નથી, તંત્ર લાચાર

ગુજરાતમાં સરકારી ભરતી એટલે કૌભાંડ અને ગેરરીતિનો પર્યાય... આ ઉક્તિને સાર્થક કરતો એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. જરા વિચારો કે એડહોક ભરતી કરી ઉમેદવારોને કાયમી કરી દેવાય. આ મામલે તપાસ કરી રિપોર્ટ કરવા એન્ટી-કરપ્શન બ્યૂરો (ACB) પાંચ-પાંચ વાર લખે અને છતાં જે-તે વિભાગ જવાબ જ ન આપે. અરે, ત્યાં સુધી કે મામલો છેક PMO સુધી જાય અને ત્યાંથી ગુજરાત સરકારને કહેવાય છતાં કોઈ કાર્યવાહી ન થાય તો એને શું કહેવું? આવી જ અકલ્પ્ય ગેરરીતિ રાજ્યના આરોગ્ય વિભાગમાં ચાલતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

આરોગ્ય વિભાગના ખઈબધેલા અધિકારી જવાબ નથી આપતા
થોડાક સમય પહેલાં સરકારી આર્યુવેદ કોલેજમાં એડહોક ધોરણે પ્રોફેસર, રીડર, લેકચરર તરીકે લાયકાત અને અનુભવ વગરના ઉમેદવારોની ભરતી કરી દેવાઈ. બાદમાં આવા હંગામી કર્મચારીઓને કાયમી પણ કરી દેવાયા. આ મામલે ACBમાં ફરિયાદ થતાં તેણે તપાસ અહેવાલ પાઠવવા આરોગ્ય વિભાગને પાંચ વખત પત્ર લખ્યા છતાં તેનો કોઈ જવાબ ન મળતાં અરજદારે ગુજરાતના CM અને છેક PMOમાં ફરિયાદ કરી હતી. આ મામલે PMO તરફથી તપાસ કરવા ગુજરાત સરકારને તાકીદ કરાઈ, પરંતુ એક સપ્તાહ વીતવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.

PMOમાં કરેલી ફરિયાદની નકલનો સ્ક્રીન શોટ.
PMOમાં કરેલી ફરિયાદની નકલનો સ્ક્રીન શોટ.

PMOમાં કરેલી સંપૂર્ણ ફરિયાદ વાંચવા અહીં ક્લિક કરો

શું છે આ આખો મામલો?
ગુજરાતના આયુષ વિભાગના તાબા હેઠળની સરકારી આયુર્વેદ કોલેજોમાં એડહોક ધોરણે પ્રોફેસર ( વર્ગ-1 ), રીડર તથા લેકચરર ( વર્ગ-2 )ની GPSC મારફત ભરતીપ્રક્રિયા થઈ. ઉમેદવારોની પરીક્ષા અને ઇન્ટરવ્યુ બાદ GPSCની ભલામણના આધારે આરોગ્ય, પરિવાર કલ્યાણ સંયુક્ત સચિવ આઇ.એમ. કુરેશી ( આયુષ ) તથા નાયબ સચિવ આઇ. ડી. ચૌધરીએ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફેકશનમાં ખોટા અનુભવના પ્રમાણપત્રોના આધારે તથા CCIMના નિયમોની અવગણના કરીને 10થી 12 ઉમેદવારોનો અનુભવ ન હોવા છતાં માન્ય ગણીને તેમની એડહોક ધોરણે નિમણૂક કર્યાના આક્ષેપો છે. આટલું જ નહીં, તેમને કાયમી પણ કરી દેવાયા. આ અંગે એડવોકેટ પ્રતીક ભટ્ટે છેક PMOના પબ્લિક ગ્રીવેન્સ વિભાગ સમક્ષ ગત 18 ફ્રેબુઆરીએ ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં શું કાર્યવાહી કરવામાં આવી?
આ ફરિયાદની તપાસ SIT મારફત કરાવવાની માગણી કરાઈ છે. આ ફરિયાદને PMO તરફથી ગુજરાત સરકાર મારફત આરોગ્ય વિભાગમાં મોકલવામાં આવી છે. PMOના પબ્લિક ગ્રીવેન્સિસની વેબસાઇટ મુજબ આ ફરિયાદ તેમને 23 ફ્રેબુઆરીએ મળી હતી. આ ફરિયાદ 17 માર્ચે આયુર્વેદના ડેપ્યુટી સેક્રેટરી વિકલ્પ ભારદ્વાજને મોકલાઈ હતી. તેમની ઓફિસનું સરનામું, ઇ-મેઇલ તેમજ મોબાઇલ નંબર પણ હતો. માત્ર આઠ દિવસ બાદ 25 માર્ચના રોજ આ વેબસાઇટમાં ઓફિસરના નામમાં ડેપ્યુટી સેક્રેટરી ભક્તિબેન શામળનું નામ, મોબાઈલ નંબર સહિતની વિગતો આવી ગઈ. જ્યારે કાર્યવાહી પડતર હોવાનું દર્શાવાયું હતું.

ACBએ પાંચ વખત જવાબ માગ્યો, પણ મળ્યો નહીં
અરજદાર PMOમાં ગયા તે પહેલાં ACBને ફરિયાદ કરી તો ACBએ 2019થી 2021 દરમિયાન 5 વખત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને પત્રો લખી જવાબ માગ્યા હતા. આ પત્રોની નકલ દિવ્ય ભાસ્કર એપ પાસે ઉપલબ્ધ છે, જેમાંથી ત્રણ પત્રો તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવને, અને બે પત્ર અગ્ર સચિવને લખ્યા હતા. આમાંથી એકેયનો જવાબ હજુ સુધી મળ્યો ન હોવાનું દિવ્ય ભાસ્કરની ઈન્વેસ્ટિગેશનમાં જણાયું હતું.

RTI કરી તો આરોગ્ય અધિકારીએ કહ્યું, ACBના પત્ર મળ્યા નથી
આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે ACBએ આરોગ્ય વિભાગને લખેલા પાંચ પત્રો પર થયેલી કાર્યવાહી જાણવા માટે ફરિયાદી પ્રતીક ભટ્ટે આરોગ્ય વિભાગમાં જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ RTI અરજી કરી હતી. એના જવાબમાં આરોગ્ય વિભાગના જાહેર માહિતી અધિકારીએ ACBના નિયામકની કચેરીના પત્રો આ શાખાને પ્રાપ્ત થયા નહિ હોવાથી માહિતી આપી શકાય એમ નથી એમ જણાવ્યું છે.

RTIનો જવાબ વાંચવા માટે અહીં ક્લિક કરો

બદલીના હુકમને 4 મહિના છતાં આક્ષેપિત અધિકારી જ્યાંના ત્યાં
રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગત 25 ઓક્ટોબર 2021ના રોજ નાયબ સચિવ સંવર્ગના 21 અધિકારીની બદલીનો હુક્મ કર્યો હતો. આમાં ઉપરોક્ત આક્ષેપિત અધિકારી આઇ એમ કુરેશીની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાંથી સરદાર સરોવર નર્મદા નિગમમાં બદલી કરાઈ હતી. આ હુક્મને ચાર મહિનાથી વધુ સમય વ્યતિત થઇ ગયો હોવા છતાં હજુ સુધી આ અધિકારીના આરોગ્ય વિભાગમાં જ છે અને બદલી થયાની જગ્યાએ ગયા જ ન હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

સરકાર કાર્યવાહી નહીં કરે તો હાઈકોર્ટનો આશરો લઈશઃ ફરિયાદી
ફરિયાદી એડવોકેટ પ્રતીક ભટ્ટે જણાવ્યું હતું કે આ અંગે ACBથી માંડીને મંત્રીઓને રજૂઆત કરવામાં આવી હતી. PMOમાં પણ ફરિયાદ કરી છે અને ટૂંક સમયમાં આ અંગે કોઇ કાર્યવાહી નહીં થાય તો ન્યાય મેળવવા માટે હાઇકોર્ટમાં જશે, પરંતુ આ પ્રકારની ગેરરીતિ સામેની લડતમાં લગીરે પાછીપાની કરવામાં આવશે નહીં.

ઇન્કવાયરી અંગે ઓપનલી કહી શકું નહીંઃ મનોજ અગ્રવાલ
આ અંગે દિવ્ય ભાસ્કરે પૂછતાં તાજેતરમાં જ રાજ્યના આરોગ્ય અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક પામેલા મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે આ ઇન્કવાયરીની બાબત હોવાથી હું ઓપનલી કહી શકું નહીં અને ACBને જવાબ આપવો જ પડશે, છૂટકો જ નથી. અધિકારીની બદલી સામે બીજા અધિકારી હાજર થયા નથી. આ બાબતે સામાન્ય વહીવટ વિભાગને (GAD) કહ્યું છે. સામે અધિકારી હાજર થશે એટલે તેમની તાત્કાલિક બદલી થઇ જશે.

રજૂઆત આવી હશે, પણ યાદ નથી: ડે. સેક્રેટરી
આ ફરિયાદ અંગે દિવ્ય ભાસ્કરે પ્રશ્ન કરતાં રાજ્યના આરોગ્ય વિભાગનાં ડેપ્યુટી સેક્રેટરી ભક્તિબેન શામળે ઉડાઉ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મારી પાસે ઇન્કવાયરીનું ટેબલ હોવાથી રજૂઆત આવી હશે, પણ મને યાદ નથી. ફરિયાદ હશે તો મારી પાસે જ આવી હશે, આધાર-પુરાવા હોય તો આગળ કાર્યવાહી થતી હોય છે.

કમિટીનો રિપોર્ટ CMએ મંજૂર રાખ્યો હતો: કુરેશી
આ ફરિયાદ અંગે આરોગ્ય વિભાગના સંયુક્ત સચિવ કુરેશીએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે અમને પણ દસ્તાવેજો અંગે શંકા હોવાથી આરોગ્ય વિભાગે તત્કાલીન મુખ્યમંત્રીની અનુમતિ લઈને આર્યુવેદ યુનિવર્સિટીના કુલપતિ, આર્યુવેદ નિયામક, સિનિયર પ્રોફેસર સહિત 4 સભ્યની કમિટીની રચના કરી હતી. આ કમિટીએ દસ્તાવેજોની ખરાઈ કરીને આપેલો રિપોર્ટ મુખ્યમંત્રીએ મંજૂર રાખ્યો હતો. જ્યારે ACBએ લખેલા 5 પત્રો અંગે અધિક મુખ્ય સચિવનું ધ્યાન દોરજો. મારી બદલી થયાના ત્રીજા દિવસે જ મેં રિલીવ કરવા કહ્યું હતું, પણ વિભાગે મને છૂટો કર્યો નથી. મને આજે છૂટો કરે તો હું કાલે બદલીના સ્થળે હાજર થઈ જઈશ.