ગુજરાતના ટીનએજર્સ-યુવાનો ભયંકર સ્થિતિ તરફ:છોકરીને ડ્રગ્સ ના મળે તો કાંડાની નસો કાપતી, ટીનએજર્સમાં 30થી 40% ડ્રગ્સનું પ્રમાણ વધ્યું

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • ધીમે ધીમે મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગમાં પણ આ દૂષણ વધવા લાગ્યું છે
  • એકાદવાર ડ્રગ્સ ચાખવાનું શરૂ કરે તો બે-ત્રણવારમાં તો એડિક્શન થઈ જાય છે

અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે. આમ છતાં પોલીસ દ્વારા માત્ર નામની જ કાર્યવાહી કરવામાં આવતી હતી, પરંતુ ગત ઓક્ટોબરમાં મુંબઈમાં ક્રૂઝ પર થયેલી ડ્રગ્સ પાર્ટીમાં રેડ બાદ બોલિવૂડ બાદશાહ શાહરુખના દીકરા આર્યનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગુજરાતમાં પણ ડ્રગ્સ મામલે પોલીસ અલર્ટ થઈ ગઈ છે. તાજેતરમાં ડ્રગ્સકાંડ મામલે બોપલના વંદિત પટેલની ધરપકડ કરવામાં આવી છે અને હવે ડ્રગ્સ લઈ રહેલા માલેતુજાર પરિવારના નબીરાઓની પોલીસે યાદી પણ તૈયાર કરી લીધી છે.

ડ્રગ્સ આર્થિકની સાથે સાથે માનસિક રીતે પણ માણસને ખલાસ કરી દે છે, જેથી માતા-પિતા શહેરના ડ્રગ્સ એડિક્ટ સંતાનને ડ્રગ્સમાંથી ઉગારવા માટે જાણીતા મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી પાસે લઈ જાય છે. આ અંગે DivyaBhaskarએ પ્રશાંત ભીમાણી સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેમણે ડ્રગ્સની જાળમાં ફસાયેલા પરિવારની વ્યથા સાથે કેટલાક કિસ્સાઓ પણ શેર કર્યા હતા.

દિવ્યભાસ્કરઃ શહેરમાં વધી રહેલા ડ્રગ્સના પ્રમાણ અંગે શું કહેશો

પ્રશાંત ભીમાણીઃ વાત સાચી છે, પ્રમાણ વધી રહ્યું છે. ટીનએજર્સ અને કોલેજીયનોમાં આ પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. પહેલા ડિપ્રેશન જેવી કોઈ ફરિયાદ સાથે આવે છે, પણ હિસ્ટ્રી પૂછીએ ત્યારે આવી કોઈ આદત સામે આવે છે.

દિવ્યભાસ્કરઃ બાળકો પર માતા-પિતા વધુ વોચ રાખે છે અથવા તો ફ્રી કરી દે છે તો તે કયા કારણથી ડ્રગ્સ તરફ વળે છે

પ્રશાંત ભીમાણીઃ જે બાળકો પર માતા-પિતા સતત ટોર્ચર, ઓવર પ્રોટેક્શન કે કચકચ કરતાં હોય એવાં બાળકો કંટાળીને ભાગે છે અથવા જે વધુપડતા લિબરલ બની જાય છે. બિલકુલ ધ્યાન આપતાં નથી. પેરન્ટિંગની આ સ્ટાઈલ યોગ્ય નથી. બાળકો સાથે સંવાદ હોવો જોઇએ. સંવાદ ન થાય અથવા તૂટે તો બાળક હૂંફ મેળવી શકતાં નથી. ઘણીવાર માતા-પિતા બાળક પર હિંસા કરે અથવા તો તેમના ઝગડા જુએ છે. આવા સંજોગો બાળક હિંસાને જ જુએ છે. આવાં બાળકો સંગત કે શોખથી એકાદવાર ડ્રગ્સ ચાખવાનું શરૂ કરે છે અને બે-ત્રણવારમાં તો એડિક્ટ થઈ જાય છે. કેમિકલયુક્ત ડ્રગ્સ ખૂબ સરળતાથી મળે છે અને જૂના ડ્રગ્સ કરતાં ઓછા પૈસામાં મળે છે.

જો માતા-પિતા પાસેથી પૈસા ના મળે તો બાળક ચોરી પણ કરતું થઈ જાય છે. માતા-પિતા બોન્ડિંગ જાળવી રાખે તો આ મુશ્કેલી ઘટી શકે છે. બાળકો પણ દેખાદેખીમાં કે તેમના સહઅધ્યાયીઓના પ્રેશરને કારણે અથવા તો માત્ર ચાખવા પૂરતું ડ્રગ્સ લે છે અને ચુંગાલમાં ફસાય જાય છે. ક્યારેક એવું પણ જોયું છે કે કેટલીક યુવતીઓ બ્લેકમેઈલિંગનો શિકાર બને છે અને આમાં ફસાતી હોય છે. બીજા નશાની ટેવ હોય તો તે આમાં વળી જાય છે. ખાસ અવેલિબિલિટી પણ મોટો પ્રશ્ન છે.

દિવ્યભાસ્કરઃ હાલ કેવા કેસ આવી રહ્યા છે અને ક્યા વર્ગના હોય છે?

પ્રશાંત ભીમાણીઃ હાલ ધનાઢ્યોમાં આ પ્રમાણ ખૂબ ફેલાયેલું છે પણ ધીમે ધીમે મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમવર્ગમાં પણ આ દૂષણ વધવા લાગ્યું છે. ડ્રગ્સ મોંઘું હોવાથી પૈસાદાર લોકોને સરળતાથી પૈસા મળે છે, ક્યારેક માતા-પિતા ધ્યાન આપતાં નથી, એટલે તેમનાં સંતાનો આ નશા તરફ વળે છે.

એક સાવ સામાન્ય પરિવારના 22 વર્ષના છોકરા પાસે અચાનક જમીન વેચ્યાના પૈસા આવ્યા હતા, આ એટલા બધા કેશ પૈસા હતા કે તેને એવું થયું કે આ પૈસા ખૂબ છે, તેથી હું વાપરી શકું છું. તેના પિતા નહોતા. તે માતાને ગમે તેમ કહીને જતો રહેતો અને મિત્રો સાથે પાર્ટી કરતો. તેને ડ્રગ્સની એટલી બધી ટેવ પડી ગઈ હતી કે પછી તે કોઈની સાથે સંબંધ નહોતો રાખતો અને ગુસ્સો કરતો. તેનાં મમ્મી માત્ર ગુસ્સાની ટ્રીટમેન્ટ માટે અહીં લાવ્યાં હતાં.

બીજો કિસ્સો એવો છે કે એક છોકરીને ડ્રગ્સની એવી ટેવ પડી હતી કે જો તેને ડ્રગ્સ ન મળે તો તેનાં માતા-પિતા જ ડ્રગ્સ લાવી આપતા હતા. ડ્રગ્સ ના મળે તો તે નસ કાપી નાખીને આત્મહત્યાનો પ્રયાસ કરતી હતી. યુવાનો ભયંકર સ્થિતિ તરફ જઈ રહ્યા છે એ ચિંતાજનક છે.

દિવ્યભાસ્કરઃ એમ.ડી.ડ્રગ્સ સેક્સ્યૂઅલને કારણે લે છે, એવા કોઈ કેસ આવે છે?

પ્રશાંત ભીમાણીઃ આ એક મિથ છે, કારણ કે તેઓ એ સમયે વાસ્તવિકતાથી જ દૂર હોય છે. માનસિકતા બદલાયેલી હોય છે, જેમાં સામાજિક નિષેધો તૂટી જાય છે એટલે એમ લાગે છે કે તેઓ સારી રીતે સેક્સ એન્જોય કરી શકે છે, પણ એ એક ગેરમાન્યતા છે.

દિવ્યભાસ્કરઃ અત્યારે ડ્રગ્સ સંબંધિત ટીનેજરના કેસ કેટલા પ્રમાણમાં આવે છે?
પ્રશાંત ભીમાણીઃ હાલ 40થી 60 ટકા કેસ વધ્યા છે, આ મારી પાસે આવતા કેસની વાત છે. બાકીના અલગ અલગ ચિકિત્સકો પાસે અલગ અલગ કેસો આવતા હોય છે.

દિવ્યભાસ્કરઃ રેવ પાર્ટીમાં ગ્રુપ બનાવીને ડ્રગ્સ લેતા હોય છે એવો કોઈ કેસ આવ્યો છે?

પ્રશાંત ભીમાણીઃ મેં પહેલા વાત કરી છે, એ છોકરો આવી જ પાર્ટીઓ આપતો હતો અને એમાં અજાણી વ્યક્તિઓ પણ આવે છે. આ પાર્ટીમાં ડ્રિંક્સની સાથે ડ્રગ્સ સહિત બધું જ અવેલેબલ હોય છે. ટ્રીટમેન્ટ બાદ ઘણીવાર નામ પણ ખોટા આપતા હોય એટલે તેમની ઓળખાણ થઈ શકતી નથી.

દિવ્યભાસ્કરઃ ટીનેજર છોકરીઓને કેવી રીતે બ્લેકમેઈલ કરવામાં આવે છે અને હોટસ્પોટ છે કોઈ?

પ્રશાંત ભીમાણીઃ હોટસ્પોટનો ખ્યાલ નથી, પણ તેમને ઘરે જ ડિલિવરી મળી જતી હોય છે. આ યુવતીઓ શારીરિક શોષણનો પણ ભોગ બને છે. તેમને ડ્રગ્સની આદત પડી ગઈ હોય છે, પણ પૈસા હોતા નથી એટલે તે બાર્ટરિંગ સિસ્ટમથી ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...