અમદાવાદમાં પતંગબાજોની ફોજ ઊતરી:રિવરફ્ન્ટ પર આકાશમાં ઊડ્યા જોકર, ચામાચીડિયાં, પંખી આકારના પતંગ પવનમાં ચગ્યા

22 દિવસ પહેલા

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલને મુખ્યમંત્રી હસ્તે આજરોજથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. 2023નો આ કાઈટ ફેસ્ટિવલ G-20 સમિટની થીમ પર આધારિત છે અને આજથી 14 જાન્યુઆરી સુધી ચાલશે. આ પતંગ મહોત્સવમાં દેશ-વિદેશના પતંગબાજો ભારે ઉત્સાહ સાથે જોડાયા છે. અંદાજિત 56 દેશના પતંગબાજોએ કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ વર્ષે એક નવો રેકોર્ડ સર્જવા કવાયત હાથ ધરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફેસ્ટિવલમાં પતંગ ચગાવ્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફેસ્ટિવલમાં પતંગ ચગાવ્યો

વિવિધ પ્રકારના પતંગોનો આકાશી નજારો જોવા મળ્યો
કોરોના કાળના બે વર્ષ બાદ આજથી આંતરરાષ્ટ્રીય કક્ષાનો કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે. સાબરમતી રિવરફ્રન્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કાઈટ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આજે 8 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ચાલનારા આ કાઈટ ફેસ્ટિવલમાં 56 દેશોના 150 થી વધુ પતંગબાજો ભાગ લેવાના છે. આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં વિદેશી પતંગબાજો રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. વિવિધ પ્રકારના પતંગોનો આકાશી નજારો જોવા મળ્યો હતો.

બેલારુસનાં પતંગબાજ એન્જલિકા
બેલારુસનાં પતંગબાજ એન્જલિકા

​​​​​​અમે પક્ષીઓની થીમ ઉપર પતંગ બનાવ્યો: એન્જલિકા
બેલારુસ દેશથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલાં એન્જલિકાએ જણાવ્યું હતું કે, આ મારો બીજો પતંગ મહોત્સવ છે. અમે પક્ષીઓની થીમ ઉપર પતંગ બનાવ્યો છે. હું બેલારુસ દેશને આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં રિપ્રેઝન્ટ કરું છું.

56 દેશોના 150થી વધુ પતંગબાજો પરફોર્મ કરશે
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનારા કાઈટ ફેસ્ટિવલ એક વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. 56 દેશોના 150 પતંગબાજો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોમાંથી 65 પતંગબાજો પણ ભાગ લેશે. આ પતંગબાજો ગુજરાતનાં વડોદરા, વડનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, દ્વારકા, સુરત, સોમનાથ, રાજકોટ, ધોલેરા, સફેદ રણ અને અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે પરફોર્મ કરશે. પતંગોનો ઈતિહાસ પણ આયોજિત સ્થળો પર પ્રદર્શિત થશે. ગુજરાતમાં G-20ની ઘણી બેઠકો યોજાવા જઈ રહી છે, ત્યારે કાઈટ ફેસ્ટિવલને G-20 થીમ સાથે જોડવામાં આવ્યો છે. 8થી 14 જાન્યુઆરી સુધી ચાલનારા કાઇટ ફેસ્ટિવલમાં યુકે, સાઉથ કોરિયા, ન્યુઝીલેન્ડ, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા સહિતના 56 દેશોના પતંગો પણ પ્રદર્શિત કરવામાં આવશે અને પતંગના સદીઓ જૂના ઈતિહાસને પણ જીવંત બતાવવામાં આવશે.

થીમ આધારિત વિવિધ સ્ટોલ્સ બનાવાયા
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2023માં વિશેષ રીતે થીમ આધારિત વિવિધ સ્ટોલ્સ પણ બનાવવામાં આવ્યા છે. પતંગનો ભાતીગળ ઈતિહાસ દર્શાવતું થીમ પેવેલિયન અને પતંગ માટેના વર્કશોપ પણ બનાવવામાં આવ્યાં છે. રાજ્યના હસ્તકલાના કારીગરોને ઘરઆંગણે જ પોતાના હાથે બનાવેલી ચીજવસ્તુઓનું વેચાણ કરી શકે તે હેતુથી હસ્તકલા બજારમાં 50 સ્ટોલ અને ખાણીપીણીના 25 સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે. આ સાથે દરરોજ સાંજે 7થી 9 કલાક સુધી સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાજ્યમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પ્રવાસન વિભાગના આ પ્રકારના આયોજનથી સ્થાનિક સ્તરે રોજગારીની તકોનું સર્જન થયું છે, પરિણામે અર્થતંત્ર પણ મજબૂત બન્યું છે. પ્રવાસન સાથે જોડાયેલાં લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રાપ્ત થઈ રહી છે. જેના લીધે લોકોના જીવનધોરણના સ્તરમાં પણ વધારો થયો છે.

53 દેશોના 126 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે
અલ્જિરિયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બહેરિન, બેલારુસ, બેલ્જિયમ, બલ્ગેરિયા, કંબોડિયા, કેમેરૂન, કેનેડા, ચીલી, કોલંબિયા, કોસ્ટા રિકા, ડેન્માર્ક, એસ્ટોનિયા, ફ્રાન્સ, બોનેર, સિન્ટ યુસ્ટેટિયસ એન્ડ સબા (ફ્રાન્સ), જ્યોર્જિયા, જર્મની, ગ્રીસ, ઈન્ડોનેશિયા, ઈરાક, ઈઝરાયલ, જોર્ડન, લેબેનોન, લિથુઆનિયા, મલેશિયા, માલ્ટા, મોરિશિયસ, મેક્સિકો, મોરક્કો, નેપાળ, નેધરલેન્ડ્સ, ન્યૂઝીલેન્ડ, પેલેસ્ટાઇન, ફિલિપિન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રશિયા, સિંગાપોર, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, સ્વિત્ઝર્લેન્ડ, યુ.કે, ટ્યુનિશિયા, વિયતનામ, ઝિમ્બાબ્વે, ક્રોએશિયા, ઓમાન, સાઉદી અરેબિયા, ઈટાલી, ઈજિપ્ત વગેરે દેશોના સ્પર્ધકોએ પતંગ સ્પર્ધામાં ભાગ લીધો છે.

14 રાજ્યોના 65 પતંગબાજો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે
બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પુડ્ડુચેરી, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિતનાં રાજ્યોના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.

ગુજરાતના 22 શહેરોના 660 પતંગબાજો ભાગ લેશે
અમદાવાદ, સુરત, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, આણંદ, ભાવનગર, ભુજ, દાહોદ, જામનગર, કલોલ, મેંદરડા, માંડવી, મુન્દ્રા, નવસારી, પાટણ, રાણપુર, સાવરકુંડલા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, થાનગઢ અને ભરૂચના સ્પર્ધકો પતંગ સ્પર્ધામાં ભાગ લેશે.

અન્ય સમાચારો પણ છે...