• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • International Conference To Be Held In Vadnagar From Today, 4 Accused Of 1993 Mumbai Blasts Arrested From Ahmedabad, Trained In Pakistan

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:વડનગરમાં આજથી ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન,1993 મુંબઈ બ્લાસ્ટના 4 આરોપી અમદાવાદથી ઝડપાયા,પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે બુધવાર છે, તારીખ 18 મે, વૈશાખ વદ-ત્રીજ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) વડનગરમાં આજથી 3 દિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન, CM ઉદઘાટન કરશે

2) ગુજરાત યૂથ કોંગ્રેસ દ્વારા 'ગુજરાત માગે રોજગાર' કેમ્પેન હેઠળ મહેસાણામાં શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) બોગસ પાસપોર્ટના આધારે દાઉદની અર્જુન ગેંગના 4 સાગરીત અમદાવાદમાંથી ઝડપાયા, પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ

ગુજરાત ATS દ્વારા 1993 મુંબઈ બ્લાસ્ટ કેસ મામલે દાઉદ ગેંગના ચાર સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. અબુ બકર, યુસુફ ભટકા, શોએબ બાબા, સૈયદ કુરેશીને અમદાવાદમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. દાઉદની અર્જુન ગેંગના આ ચારેય શખ્સને બોગસ પાસપોર્ટના આધારે ઝડપી લેવામાં આવ્યા છે. તેઓ પાકિસ્તાનમાં ટ્રેનિંગ પણ લઈ ચૂક્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

2) પાલનપુર-અમદાવાદ હાઇવે પર ઊભેલી ટ્રક પાછળ બસ ધડાકાભેર અથડાઈ, 3 લોકોનાં કરુણ મોત, 23 ઇજાગ્રસ્ત

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-અમદાવાદ હાઈવે પર તારીખ 14 મે, 2022ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યાના સમયે એક બસ ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. આ ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નોંધનીય છે કે આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 23 જેવા લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાતમાં હજુ મેના અંત સુધી ગરમી દઝાડશે, 10 જૂન બાદ ચોમાસાનું આગમન થવાની શક્યતા

ગુજરાતમાં હાલમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિ મામ પોકારી ઊઠ્યા છે. રાજ્યમાં ગરમીનો પારો 45 ડીગ્રીએ પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગના મતે આગામી પાંચ દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. બીજી તરફ, કાળઝાળ ગરમીમાંથી હવે એક મહિના કરતાં પણ ઓછા સમયમાં રાહત મળી શકે છે. ગુજરાતમાં આ વખતે સામાન્યથી વહેલું એટલે કે 10 જૂનની આસપાસ જ ચોમાસાનું આગમન થઇ જાય એવી શક્યતાઓ છે.

વાંચો સમાચાર વિગતવાર

4) ડ્રગ્સ મામલે CPએ કહ્યું, અમદાવાદમાં નાની ક્વોન્ટીટીમાં થાય છે ડ્રગ્સ ડીલ, આ પેંતરો અજમાવી પેડલર પોલીસને આપે છે થાપ, નેટવર્કમાં ઘૂસવું મુશ્કેલ

અમદાવાદ શહેરમાં છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે. બોપલના વંદિત પટેલ ડ્રગ્સકાંડ બાદ પોલીસ સતત ડ્રગ્સ-પેડલરો અને નબીરાઓ પર નજર રાખી રહી છે. શહેરમાં નશાખોરીની માયાજાળનાં મૂળિયાં ઊંડાં ઊતરી ગયાં છે. માલેતુજાર યુવાનો અને યુવતીઓ આ વિષચક્રમાં ફસાઈ રહ્યાં છે. માત્ર એટલું જ નહીં, યુવતીઓ નશો કરવા પૈસાના સ્ત્રોત સમાપ્ત થઈ જાય તો તેમનું શારીરિક શોષણ પણ કરવામાં આવે છે.

વાંચો સમાચાર વિગતવાર

5) દહેજની ભારત રસાયણ કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ બાદ આગ, 25થી વધુ કામદારો ઘાયલ થયા; 10ની હાલત ગંભીર

દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ બોઇલર ફાટતા ઘટના બની છે. ભીષણ આગ લાગતાં 10થી વધુ ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી છે. જ્યારે 6થી વધુ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને ભરૂચ લાવવાની કવાયત હાથ ધરાઇ છે. આ દુર્ઘટનામાં 25થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 10ની હાલત ગંભીર છે.

વાંચો સમાચાર વિગતવાર

6) 2 વર્ષ ઘરમાં પુરાયા, હવે સહેલાણીઓમાં 7 ગણો વધારો, રાજકોટમાં ચાલુ સીઝનમાં જ રેકોર્ડબ્રેક 90 કરોડનું ટર્નઓવર, આ ડેસ્ટિનેશન હોટ ફેવરિટ

કોરોના દરમિયાન સૌથી કફોડી હાલતનો ભોગ ટ્રાવેલ્સ ઉદ્યોગ બન્યો હતો, પરંતુ બે વર્ષ બાદ કોરોના હળવો થતાં આ વર્ષે ઉનાળું વેકેશનમાં આ ઉદ્યોગે આર્થિક લેવલે હરણફાળ ભરી હોય એમ જણાય આવે છે. કોરોનાની ત્રીજી લહેર પછીના તહેવારોમાં નાની ટૂર પર જનારા લોકોથી પર્યટન સ્થળો ફુલ રહ્યાં હતાં. ઉનાળું વેકેશન અને લાંબા પ્રવાસો આ ઇન્ડસ્ટ્રીઝને બળ પૂરું પાડશે અને ટૂર ઓપરેટર્સના મતે છેલ્લાં બે વર્ષની તુલનાએ હાલ મુસાફરોમાં 7 ગણો ધસારો જોવા મળ્યો છે, જેને પગલે રેકોર્ડબ્રેક 90 કરોડ રૂપિયા રાજકોટિયન્સ માત્ર ઉનાળું વેકેશનમાં ટ્રાવેલિંગ પાછળ ખર્ચી રહ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

7) જ્ઞાનવાપી પર સુપ્રીમ કોર્ટે કહ્યું- જો શિવલિંગ મળ્યું છે તો તેને સુરક્ષિત રાખો; નમાઝને ન રોકવામાં આવે... અમારી દ્રષ્ટીએ આ જ સંતુલન છે

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદનો સરવે કરાવવા માટે વારાણસી કોર્ટના આદેશ વિરૂદ્ધ મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે કેટલાંક મહત્વના નિર્દેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિસરમાં જે જગ્યાએ શિવલિંગ મળ્યું છે, તે જગ્યાને સુરક્ષિત રાખવામાં આવે. પરંતુ કોર્ટે એમ પણ કહ્યું કે લોકોને નમાઝ અદા કરવાથી ન રોકવામાં આવે. મુસ્લિમ પક્ષ દ્વારા લોબિંગ કરી રહેલા હુફૈઝા અહમદીને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અરજી પૂજા-અર્ચના માટેની છે, ન કે માલિકી હક્કની ત્યારે આ અંગે અહમદીએ કહ્યું હતું કે એવામાં ત્યાંની સ્થિતિ જ બદલી જશે.

વાંચો સમાચાર વિગતવાર

8) મોંઘવારીએ 24 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 1998 પછી પ્રથમ વખત જથ્થાબંધ મોંઘવારી દર 15%ને પાર થયો; પેટ્રોલ અને ડીઝલે ચીજવસ્તુઓના ભાવમાં આગ લગાવી

વધતી મોંઘવારીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. ખાવા-પીવાની ચીજવસ્તુઓ, ઇંધણ અને વીજળીના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ મોંઘવારી દર સતત 13મા મહિને ડબલ ડિજિટમાં રહ્યો છે. એપ્રિલમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત (WPI) મોંઘવારી દર 15.08% પર પહોંચ્યો છે. ડિસેમ્બર 1998 પછી પહેલીવાર જથ્થાબંધ મોંઘવારી દર 15%ને પાર થઈ ગયો છે. ડિસેમ્બર 1998માં એ 15.32 ટકા હતો.

વાંચો સમાચાર વિગતવાર

9) નબળા લિસ્ટીંગ બાદ LICના શેરમાં સામાન્ય સુધારો, રૂપિયા 867 પર લિસ્ટીંગ બાદ રૂપિયા 875 પર બંધ રહ્યો;આગામી સમયમાં તેજીની શક્યતા

લાઇફ ઈન્સ્યોન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના શેરમાં નબળા લિસ્ટીંગ બાદ મામુલી સુધારો નોંધાયો છે. શેરબજારમાં કામકાજ બંધ થયું તે સમયે રૂપિયા 875.45 પર બંધ થયો હતો. જોકે બજારના નિષ્ણાતોને આશા છે કે આગામી દિવસોમાં આ કંપનીના શેરોમાં તેજીમય વલણ જોવા મળી શકે છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) રાજકોટમાં 2 મહિનામાં સ્કૂલ, ખેતર, કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રી અને કારખાનામાંથી કુલ રૂ.73.73 લાખની વીજચોરી ઝડપાઇ 2) ગુજરાતમાં 3.84 લાખ બાળકો કુપોષિત, છેલ્લા 1 વર્ષમાં 2 લાખ બાળકો કુપોષિત થયા: AAPનો આક્ષેપ 3) સુરતના પાંડેસરામાં યુવકનું માથું ધડથી અલગ કરી હત્યા કરનાર આરોપીની 21 વર્ષે ધરપકડ 4) સૌથી મોટા વચનામૃતને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળશે, સ્વામિનાયારણ મંદિરના પાટોત્સવમાં દર્શનાર્થે મૂકાયું 5) આસામમાં પૂરનો કહેર,24 જિલ્લાઓમાં 2 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત, અત્યાર સુધી 7લોકોના મોત; કેરળમાં ભારે વરસાદનું એલર્ટ 6) ઈસ્લામિક દેશોના સંગઠન સામે ભારતની લાલ આંખ, OICને કહ્યું- કાશ્મીર અમારું છે. એની સીમા વિશે પાકિસ્તાની પ્રોપેગેંડા ન ફેલાવો, અમારી આંતરિક વાતોમાં દખલ ના દો

આજનો ઈતિહાસ
વર્ષ 1974માં આજના દિવસે રાજસ્થાનના પોખરણમાં પોતાના પ્રથમ ભૂમિગત બોમ્બ પરીક્ષણ કરી ભારતે પરમાણુ શક્તિથી સજ્જ દેશોની યાદીમાં સ્થાન મેળવ્યું

​​​​​​​અને આજનો સુવિચાર
કામનો યશ કોને મળશે એ જોય વિના કામ કરવું એ કામ પતાવવાની અને યશસ્વી થવાની સારામાં સારી રીત છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...