તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદાસ્પદ મુદ્દાનો ઉકેલ:મોડો ભરાતો GST રોકડમાં હશે તો જ વ્યાજ લાગુ પડશે; વ્યાજ અંગેની જોગવાઈમાં સુધારા કરતો પરિપત્ર થયો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

જીએસટી લાગુ થયા બાદ ટેક્સ ભરવામાં વિલંબનો મુદ્દો સૌથી વિવાદાસ્પદ રહ્યો હતો. ટેક્સ મોડો ભરવા ઉપર લાગતા વ્યાજની જોગવાઇ અને તેની ગણતરીને લઇને અનેક રજૂઆત બાદ આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે કેશ લેજરમાંથી ભરવામાં આવતી રકમ ઉપર જ વ્યાજ લાગુ પડશે.આમ વ્યાજ અંગે સુધારો થતાં કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સને રાહત થઈ છે.

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયાદાની કલમ 50 હેઠળ કુલ ભરવા પાત્ર આઉટપુટ ટેક્સ ઉપર વ્યાજ લાગતુ હતું. આ અંગે અનેક વિવાદો ઊભા થયા હતા. આ વિવાદોનું નિરાકરણ કરી બજેટ 2021માં આ અંગે રાહતકારક સુધારો કરાયો હતો. આ સુધારા મુજબ વ્યાજ માત્ર કેશ લેજરમાંથી ભરાતી રકમ ઉપર લાગુ પડશે. આ સુધારો બજેટમાં પસાર કરાયો હતો. હવે ફાઈનાન્સ એક્ટ હેઠળ પરિપત્ર બહાર પાડવામાં આવતા સુધારાનો અમલ થઈ શકશે.

સુધારો જુલાઈ 2017થી અમલી બને છે
આ સુધારાને 1 જુલાઇ 2017ની પાછલી તારીખથી અમલી બનાવવામાં આવ્યો છે. હવે આ સુધારા બાદ જીએસટી કાયદાની કલમ 73 અને 74 હેઠળ કોઇ કાર્યવાહી શરૂ કરવામાં આવેલા હોય અને ત્યાર બાદ જો કરદાતા દ્વારા રિટર્ન ભરવામાં આવે તો વ્યાજ આઉટપુટ ઉપર લાગશે. એ સિવાય તમામ કેસોમાં કરદાતાએ માત્ર કેશ લેજર દ્વારા જે રકમ ભરવામાં આવે તેના ઉપર જ વ્યાજ ભરવાની જવાબદારી આવશે. વ્યાજ અંગે આ સુધારો થતાં કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સને રાહત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...