તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશના અન્ય રાજ્યોમાં કોરોના ફરી બેકાબૂ બનવા લાગ્યો છે અને ખાસ કરીને કેટલાક દેશોમાં પણ વેરિએન્ટ કેસ વધી રહ્યા છે, સાથે સાથે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોરોનાની ગાઇડલાઈન્સનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવાનાં કારણોને ધ્યાનમાં રાખીને ગુજરાતના આરોગ્ય વિભાગને અલર્ટ પર મૂકી દીધું હોવાનું જાણવા મળ્યું છે. શહેરોમાં કોરોનાના રેપિડ ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવેલાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે.
રેપિડ ટેસ્ટ માટેના ડોમ ફરીવાર શરુ કરી દેવામાં આવ્યાં
અમદાવાદ સહિતનાં શહેરોમાં ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે. તાજેતરમાં જ અમદાવાદમાં કોરોનાના કેસો ઘટતાં શહેરમાં રેપિડ ટેસ્ટ માટે ઊભાં કરવામાં આવેલા ડોમમાંથી 85 જેટલાં ડોમ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. શહેરમાં રોજ 50 જેટલા કેસો નોંધાવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું, પરંતુ રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીના મતદાન બાદ કોરોનાના કેસોમાં વધારો થયો હોવાથી રેપિડ ટેસ્ટ માટેનાં ડોમ ફરીવાર શરૂ કરી દેવામાં આવ્યાં છે.
રાજ્ય સરકારે આરોગ્ય વિભાગને અલર્ટ પર મૂક્યો
દેશમાં કોરોના સંક્રમણમાં રાહત મળી રહી છે અને પ્રતિબંધાત્મક આદેશો ઘટાડવામાં આવી રહ્યા છે, તેથી હવે દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કોરોનાવાયરસનો જે નવો વેરિએન્ટ દેખાયો છે એના ભારતમાં કેસ નોંધાયા છે અને એ સાથે અગાઉ બ્રિટનના વેરિએન્ટના કેસ પણ ભારતમાં નોંધાયા હતા. પણ એને ઘટાડવામાં સફળતા મળી હતી, એ વચ્ચે આ નવા વેરિએન્ટની સામે ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રમાં ચિંતા વધી છે અને ગુજરાત સરકારે પણ ફરી એક વખત આરોગ્ય વિભાગને અલર્ટ પર મૂકી દીધો છે. જોકે ગુજરાતમાં હજુ આ નવા વેરિએન્ટનો એકપણ કેસ નોંધાયો નથી, પણ રાજ્ય સરકાર કોઈ ઢીલાશ આપવા માગતી નથી.
રાજ્યમાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર પૂર્ણ અલર્ટ આપી દેવામાં આવ્યું
રાજયના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું હતું કે રાજ્યમાં દરેક એન્ટ્રી પોઈન્ટ પર પૂર્ણ અલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ખાસ કરીને વિદેશથી આવતા મુસાફરોનું ફરી પૂરું સ્ક્રીનિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ, હાલ વિદેશી વિમાની સેવાઓ અત્યંત મર્યાદિત છે, પણ દેશના અન્ય ભાગોમાંથી આવતા વિદેશીઓ જેઓ બાદમાં ગુજરાતમાં આવે છે તેઓ પણ વેરિએન્ટ લઈને ન આવે એની ચિંતા કરવામાં આવી રહી છે. અગાઉ બ્રિટનના વેરિએન્ટના રાજ્યમાં નવ કેસ નોંધાયા હતા અને તેમને એરપોર્ટથી જ અલગ કરીને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. અને તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ રજા અપાઈ નથી.
અમદાવાદમાં 55 જેટલી હોસ્પિટલોને ડિનોટિફાઇ કરી દેવામાં આવી
આ સિવાય કોરોના મહામારી સામે નાગરિકોને વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે વિવિધ વિસ્તારમાં 110 જેટલી ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ સંપાદિત કરવામાં આવ્યાં હતાં, જેમાં બેડ ખાલી હોય તોપણ મ્યુનિસિપાલિટી દ્વારા નિર્ધારિત કરેલી રકમ ચૂકવવામાં આવતી હતી. હાલમાં કોરોનાના કેસો ઘટી જતાં સંપાદિત કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલો પૈકીની હોસ્પિટલોએ તેમને ડિનોટિફાઇ કરવા માટે અનુરોધ કરાયો હતો તેમજ બિનજરૂરી નાણાં ચૂકવવા ના પડે એ માટે ઉચ્ચ અધિકારીઓની મંજૂરી લઈને 55 જેટલી હોસ્પિટલોને ડિનોટિફાઈ કરી દેવામાં આવી છે.
ચૂંટણી પછી રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થયો
ગુજરાતમાં કોરોનાવાયરસના પોઝિટિવ કેસો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી વધી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં આજે કોવિડ 19ના 283 કેસ નોંધાયા છે તથા 264 દર્દી કોરોના સામેનો જંગ જીતી ચૂક્યા છે. અત્યારસુધી 2,61,009 દર્દીએ કોરોનાને માત આપી ચૂક્યા છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.72 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં બનાસકાંઠા, ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 08 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતવાર ચર્ચા કરીએ તો કુલ 1690 એક્ટિવ કેસ નોંધાયેલા છે, જ્યારે 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 1661 લોકો સ્ટેબલ છે. અત્યારસુધી રાજ્યમાં 4405 લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.