ગ્રાહકને ન્યાય:વીમા કંપનીએ ચોરાયેલી ટ્રકની ચાવીના બહાને વળતર ચૂકવવા ઈન્કાર કર્યો, કન્ઝ્યુમર કોર્ટે 75% રકમ વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો

4 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • 2013માં વીમાધારક પોતાની ટ્રકમાં ચાવી ભૂલી ગયો હતો અને પછી ટ્રકની ચોરી થઈ ગઈ હતી

ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર કોર્ટ સમક્ષ આવેલા એક રસપ્રદ કિસ્સામાં ચોરી થયેલા વાહનના વળતરની રકમ ચૂકવવા ઇન્સ્યોરન્સ કંપનીને હુકમ કર્યો છે. વર્ષ 2013માં અરજદારની ટ્રકની ચોરી થઈ હતી, જેમાં અરજદાર પોતે ટ્રકની ચાવીમાં તેમાં ભૂલી ગયો હતો, બાદમાં તેની ચોરી થઈ હતી. જેને લઇ અરજદારે કન્ઝ્યુમર કોર્ટમાં ઇન્સ્યોરન્સ કંપનીએ વળતર ન ચૂકવતા અરજી કરી હતી, જે અરજીને માન્ય રાખી ગાડીની કુલ રકમના 75% રકમ વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.

સુરતના વીમાધારકે કંપની સામે દાવો માંડ્યો હતો
મૂળ સુરતના જગદીશ મેવાડી સ્ટેટ કન્ઝ્યુમર કોર્ટમાં વર્ષ 2014માં ઇન્સ્યોરન્સ કંપની સામે દાવો માંડ્યો હતો. જે મામલે 7 વર્ષ બે મહિનાની લડત બાદ અરજદારને ન્યાય મળ્યો છે. અરજદારે પોતાના ટ્રક માટે વર્ષ 2012માં ચોલો મંડલ ઇન્સ્યોરન્સ કંપનીનો વીમો લીધો હતો. ટ્રક અરજદારના કબ્જામાં હતી. જોકે થોડા દિવસ બાદ આ ટ્રક ચોરી થઇ ગઇ હતી. જેથી અરજદારે ઇન્સ્યોરન્સ કંપની પાસે વળતરનો દાવો કર્યો હતો. જોકે વીમા કંપનીએ દલીલ સાથે વીમો મંજૂર કરવાની ના પાડી હતી કે, 'ગાડી ચોરી થવાનું કારણ અરજદારની બેદરકારી છે. કેમ કે, એક ચાવી તેઓ ટ્રકમાં ભૂલી ગયા હતા, જેથી ચોરી થઈ છે. જેથી વીમા કંપની વળતરની રકમ ન ચૂકવી શકે'.

જિલ્લા કન્ઝ્યુમર કોર્ટે દાવો ફગાવતાં સ્ટેટમાં પડકાર્યો
અગાઉ આ મામલે અરજદારે સુરત જિલ્લા કોર્ટમાં દાવો માંડ્યો હતો. જો કે, ત્યારે સુરત જિલ્લા કન્ઝ્યુમર કોર્ટ અરજદારની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ અરજદારે જિલ્લા કોર્ટના આદેશ સામે સ્ટેટ કન્ઝ્યુમર કોર્ટમાં અરજી કરી હતી. અરજદારના વકીલ વર્ષલ પંચોલીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સ્ટેટ કમિશને અરજદારને ટ્રકની કુલ રકમના 75% પ્રમાણે રૂ. 16,95,273 રકમ ચૂકવવા આદેશ કર્યો છે. સાથે જ અરજી દાખલ કર્યાના દિવસથી 7% વ્યાજ ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.

સ્ટેટ કન્ઝ્યુમર કોર્ટે અરજદારની તરફેણમાં આદેશ કર્યો
આ બાબતે કોર્ટે અવલોકન કર્યું કે, 'ટ્રકની ચાવી ભલે ટ્રકની અંદર બોક્સમાં રહી ગઈ હોય, પરંતુ ટ્રકના દરવાજા લોક હતા, જેથી સંપૂર્ણપણે ટ્રક ચાલકની બેદરકારી ન ગણી શકાય. પરિણામે વીમા કંપની વળતર ન નામંજૂર ન કરી શકે. જેથી સ્ટેટ કન્ઝ્યુમર કોર્ટે અરજદારની તરફેણમાં આદેશ કરતા તેનો દાવો આંશિક રીતે ગ્રાહ્ય રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...