ભાસ્કર વિશેષ:હાઈફાઈ લાઈફ સ્ટાઈલથી મૃત્યુ થયાનું કહી ક્લેમ નકારનારી વીમા કંપનીને રૂ.21 લાખ ચૂકવવા આદેશ

અમદાવાદ16 દિવસ પહેલાલેખક: તેજલ અરવિંદ શુકલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફરિયાદીને કાનૂની ખર્ચના 5 હજાર, માનસિક ત્રાસના 10 હજાર ચૂકવવાનો દંડ

વીમા કંપનીઓ નીતનવા બહાના કાઢીને વીમાધારકોના પૂરેપૂરંુ વળતર ચૂકવતી નથી. રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશને એક કેસમાં વીમા કંપનીએ કરેલા અનુમાન સામે લાલ આંખ કરી હતી. વાર્ષિક રૂ.37,014 પ્રીમિયમની રકમ ભરીને 21 લાખની પોલિસી લેનાર વ્યક્તિના મોત બાદ વીમા કંપનીએ એવું બહાનું કાઢ્યું હતું કે તેમની લાઇફ સ્ટાઇલ હાઇફાઇ હતી. તેમણે વીમો મેળવતા વખતે ખોટી આવક દર્શાવી હતી તેથી વીમાનું વળતર મળી શકે નહીં.

કમિશનના જ્યુડિશિયલ મેમ્બર મનહર મહેતા અને મેમ્બર પ્રીત શાહની ખંડપીઠે મનઘડંત અનુમાન કરતી વીમા કંપનીને 21 લાખનું વળતર 7 ટકા વ્યાજ સાથે મૃતકના ભાઈને ચૂકવવા આદેશ કર્યો છે.પુરષોત્તમ ચુનારાએ સ્ટેટ કન્ઝયુમર રિડ્રેસલમાં ફરિયાદ કરીને એવી દલીલ કરી હતી કે, તેમના ભાઇ મનોજ ચુનારા લેબર કોન્ટ્રાકટથી કલર કામનો ધંધો કરતા હતા. તેમણે 2013માં વાર્ષિક 37,014નું પ્રિમિયમ ભરીને 21 લાખની પોલિસી લીધી હતી અને 6 મહિનામાં જ હાર્ટ એટેકથી મોત થતાં વળતર માટે અરજી કરી હતી.

પરતું વીમા કંપનીએ વીમો નકારતા એવો જવાબ આપ્યો હતો કે, મનોજભાઇએ આવકની માહિતી ખોટી આપી છે. તેમની લાઇફ સ્ટાઇલ આધુનિક હતી. તેમણે જે આવક દર્શાવી હતી તેના કરતા તેઓ વધુ સારી રીતે જીવતા હતા. તેમણે ઉંમર ખોટી દર્શાવી હોવાનું કહ્યું હતું. ફરિયાદીના વકીલે મનોજભાઇના બીપીએલ કાર્ડની વિગતો મુકી હતી.

ઈન્કમટેક્સ રિટર્નની નકલ પણ રજૂ કરી હતી. મનોજભાઇએ પોલિસી લીધી ત્યાર બાદ તેમને ખૂબ મોટો કોન્ટ્રાકટ મળ્યો હતો તેમાં તેમને ઘણી આવક થઇ હોવાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો આવ્યો હશે. પરતું તેમણે વીમા કંપની સામે રજૂ કરેલા દસ્તાવેજો સાચા છે. કોર્ટે ખોટા અનુમાનને આધારે વીમો નકારવા બદલ અને ફરિયાદીને કાનૂની ખર્ચના 5 હજાર અને માનસિક ત્રાસના 10 હજાર ચૂકવવા આદેશ કર્યો છે.

આવક વધે તો તે ખોટું બોલે છે તેમ કહી શકાય નહીં
મનોજભાઇએ પોલિસી લીધી ત્યારે તેમની આવક ઓછી હતી તેથી વીમા કંપનીમાં આવકનું પ્રમાણપત્ર મૂક્યું હતું. પરતું પોલિસી લીધા બાદ 6 મહિનામાં ધંધો સારો ચાલતા આવક વધી હતી. જયારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમની આવક વધુ હોવાથી વીમા કંપનીએ ખોટું સર્ટિફિકેટ આપ્યંુ હોવાનું બહાનું કાઢીને વીમો ચૂકવવા ઇન્કાર કર્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ કમિશનના સભ્યોએ અવલોન કર્યું હતું કે, વ્યકિતના જીવનમાં અચાનક આવક વધે તો તે ખોટું બોલે છે તેમ કહી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...