અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ હાલાકી ન પડે એના માટે થઈને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પ્રિમોન્સૂન એક્ટિવિટીને લઇ આજે ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી અને ભાજપના સત્તાધીશો વચ્ચે યોજાયેલી બેઠકમાં શહેરમાં સાફ-સફાઈ, આરોગ્ય અને પીરાણા ડમ્પ સાઇટ પર કામગીરી અંગે રિવ્યુ કરવામાં આવ્યો હતો. ચોમાસા દરમિયાન શહેરમાં ક્યાંય પણ ગંદકી ન થાય અને દવાઓનો છંટકાવની કામગીરી જળવાઈ રહે તેના માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. રિવ્યુ બેઠકમાં મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ, દંડક અરુણસિંહ રાજપુત, કોર્પોરેશન પ્રભારી ધર્મેન્દ્ર શાહ, હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન ભરત પટેલ અને ડેપ્યુટી ચેરમેન પ્રકાશ ગુર્જર સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સોલિડ વેસ્ટ તેમજ હેલ્થ ખાતાના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
શહેરમાં સફાઇ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, શહેરમાં ચોમાસા દરમિયાન આરોગ્ય અને સફાઈ મુદ્દે આજે હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં સફાઇ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેમજ દરેક વોર્ડમાં સફાઈ યોગ્ય રીતે કરવામાં આવે છે કે કેમ તેની અધિકારીઓ ધ્યાન રાખે તે અંગે સૂચના આપવામાં આવી હતી. પીરાણા ડમ્પ સાઇટ પર ચોમાસા દરમિયાન વાહનો જઈ શકતા નથી જેથી અગાઉથી જ ત્યાં રસ્તો બનાવવા માટે આજે અધિકારીઓને સૂચના આપી હતી. જેથી ચોમાસા દરમિયાન ત્યાં ડમ્પર કરવા આવતા કચરાની ટ્રકો અને લાઈનો ન લાગે.
વેસ્ટ ટુ પ્રોસેસનો પ્લાન્ટ ઉભો કરાશે
પીરાણા ડમ્પ સાઇટ પર શહેરમાંથી જે કચરો લાવીને નાખવામાં આવે છે અને તેમાંથી જે પ્લાસ્ટિક અલગ કરવામાં આવ્યું છે તે વેસ્ટ ટુ પ્રોસેસના પ્લાન્ટને આગળ વધારવા માટે આજે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાતર બનાવવા માટે પોતાનો વેસ્ટ ટુ પ્રોસેસનો પ્લાન્ટ ઉભો કરવામાં આવશે. પીરાણા ડમ્પ સાઇટ પર જે દીવાલો બનાવવામાં આવી છે તે દીવાલોની નજીક ચોમાસા દરમિયાન કચરો ન રહે અને રોડ પરના આવે તેની ખાસ તકેદારી રાખવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
તમામ જગ્યાએ ફોગીંગ અને દવાઓનો છંટકાવ થશે
શહેરીજનોના આરોગ્યને લગતી આજે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં વધારો થતો હોય છે જેથી આ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ચોમાસા દરમિયાન તમામ જગ્યાએ ફોગીંગ અને દવાઓનો છંટકાવ કરવામાં આવે. શહેરમાં જેટલા પણ તળાવો આવેલા છે તે તળાવની યોગ્ય સફાઇ કરવામાં આવે અને તેમાંથી લીલ દૂર કરવા માટે પણ અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું.
શીલજ ખાતે નવું સ્મશાન ગૃહ બનાવવામાં આવશે
શહેરમાં નવા હેલ્થ સેન્ટર ઉભા કરવા અને નવી હોસ્પિટલોના કામગીરી અંગે પણ રીવ્યુ લેવામાં આવ્યો હતો. નવા CHC અને PHC સેન્ટર ઉભા કરવામાં આવશે. નવી એલજી અને શારદાબેન હોસ્પિટલ બનાવવામાં આવનાર છે જેથી જૂની બિલ્ડીંગને ઝડપથી ડીમોલેશન કરી અમે એક મહિનામાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. શીલજ ખાતે નવું સ્મશાન ગૃહ બનાવવામાં આવશે. ચેનપુર અને ઘુમા સ્મશાનને ડેવલોપ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.