AMCનું અલ્ટિમેટમ:મેટ્રોના કામને કારણે 12 રૂટના રસ્તા પર પડેલા ખાડા 10મી સુધીમાં પૂરવા સૂચના

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન - ફાઇલ તસવીર
  • મેટ્રો કામગીરી દરમિયાન રોડને નુકસાન થાય તો તેનું રિપેરિંગ કરવા કરાર થયેલા છે
  • મ્યુનિ.એ મેટ્રો રેલ કોર્પોરેશનના ચીફ જનરલ મેનેજરને પત્ર લખી રસ્તા રિપેર કરવા કહ્યું

ગુજરાત મેટ્રો રેલની શહેરમાં કામગીરી ચાલી રહી છે, જેના કારણે અમદાવાદના ઘણા રસ્તા અને ફૂટપાથની હાલત બદતર થઈ છે. રાજ્ય સરકારે તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરના રસ્તાઓને તાત્કાલિક રીપેર કરવા અને રસ્તાના ખાડા પૂરવા સમય નિશ્ચિત કર્યો છે ત્યારે મ્યુનિ.એ પણ મેટ્રો રેલ કોર્પોરેશનને સોમવારે પત્ર લખી આગામી 10 ઓક્ટોબર સુધીમાં મેટ્રોની કામગીરીના કારણે ખરાબ થયેલા શહેરના રસ્તાઓને રીપેર કરી દેવા અલ્ટિમેટમ આપ્યું છે. ડેપ્યુટી. મ્યુનિ. કમિશનર આર.કે.મહેતાએ પશ્વિમ અમદાવાદના 12 જેટલા રૂટની યાદી તૈયાર કરી મેટ્રોના ચીફ જનરલ મેનેજરને મોકલી આપી છે.

મ્યુનિ. પશ્વિમ ઝોનમાં મેટ્રો રેલનું કામ પ્રગતિશીલ છે ત્યારે આ વિસ્તારના રૂટ પર રોડની હાલત ખૂબ ખરાબ સ્થિતિમાં છે. નાગરિકોને ત્યાંથી પસાર થવંુ મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ વરસાદના કારણે પણ રોડ પર ઘણી જગ્યાએ ખાડા પડ્યા હતા. મેટ્રો રેલની કામગીરીના કારણે શહેરના રોડને નુકસાન થાય તો તેનું રીપેરિંગ કામ કરી આપવા બાબતે મેટ્રો રેલ અને મ્યુનિ. વચ્ચે કરાર થયેલા છે.

ગત 12મી ઓગસ્ટના રોજ મેટ્રો રેલ અને મ્યુનિ. અધિકારીઓ વચ્ચે મીટિંગ થઈ હતી. તેમાં પ્રગતિશીલ મેટ્રો રેલની સમાંતર રોડ અને ફૂટપાથનું રીપેરિંગ કામ કરવાની મેટ્રો દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી. જોકે હજુ સુધી કામગીરી શરૂ જ થઈ નથી. આ હિસાબે સોમવારે સિનિયર ડેપ્યુટી મ્યુનિ. કમિશનર આર.કે.મહેતાએ મેટ્રો રેલના ચીફ જનરલ મેનેજરને પત્ર લખ્યો છે અને રોડના રીપેરિંગ કામને ત્વરિત પૂર્ણ કરવા અને ડેઇલી પ્રોગ્રેસ રિપોર્ટ કમિશનર ઓફિસમાં રજૂ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, ખરાબ રોડ મુદ્દે વિધાનસભામાં પણ હોબાળો થયો હતો.

મેટ્રોની કામગીરીને કારણે ડેમેજ થયેલા રૂટ

  • જનપથ હોટલથી સાબરમતી પાવર હાઉસ રોડ
  • ચિમનભાઈ પટેલ બ્રિજથી જીએસઆરટીસીથી પાલક જંક્શન રોડ
  • પાલક જંક્શનથી વ્યાસવાડીથી અખબારનગર સર્કલ સુધી
  • અખબારનગર સર્કલથી નારણપુરા ક્રોસિંગ સુધી
  • નારણપુરા ક્રોસિંગથી ઉસ્માનપુરા અંડરપાસ સુધી
  • હેલ્મેટ સર્કલથી વિજય ચાર રસ્તા સુધી
  • કોમર્સ છ રસ્તાથી સ્ટેડિયમ રોડ
  • સ્ટેડિયમથી હેવમોરથી જૂની હાઈકોર્ટનો રોડ
  • અમન પાર્ટી પ્લોટથી શારદામંદિર સ્કૂલ રોડ
  • શેલ પેટ્રોલ પંપથી એપીએમસી માર્કેટથી વિશાલા ટાઉનશિપ રોડ
અન્ય સમાચારો પણ છે...