ગુજરાત વિધાનસભા ગૃહમાં ચાલી રહેલા બજેટ સત્રમાં પશુપાલન/કૃષી મંત્રીએ બકરા એકમ સહાય સંદર્ભે પુછાયેલા પ્રશ્નની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એકમ દીઠ રૂપિયા 45 હજારની સહાય ચૂકવાય છે. આ સાથે આણંદમાં ચોખા પાકની નિદર્શન યોજના અંગેના પ્રશ્નનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ જિલ્લામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંગેના પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ બે વર્ષમાં 1,590 ખેડૂતોને સંસ્થાકીય તાલીમ આપવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
પશુપાલકોની આવક વધારવા બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ-મંત્રી
વિધાનસભા ગૃહમાં બકરા એકમ સહાય સંદર્ભે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, નાના પશુઓનું પાલન કરતાં પશુપાલકો માટે રાજ્ય સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તેમને સહાય આપી રહી છે. દેશની અર્થવ્યવસ્થામાં પણ પશુપાલન વ્યવસાયનું ખૂબ મોટું યોગદાન છે, ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગીય ખેડૂત પશુપાલકોની આવક વધારવા માટે બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ છે. બકરા એકમ સહાય માટે રાજ્ય સરકાર દ્વારા (10 બકરી+1 બકરા) એકમ દીઠ રૂપિયા 45 હજારની સહાય ચૂકવવામાં આવે છે.
દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં કુલ 315 લાભાર્થીને સહાય ચૂકવાઈ
તારીખ 31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં દાહોદ જિલ્લામાં બિન અનામત કેટેગરીના કુલ 39 લાભાર્થીઓને રૂપિયા 17.55 લાખ સહાય ચૂકવવામાં આવી છે. તે જ રીતે પંચમહાલ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અનુસૂચિત જનજાતિની 160 મહિલા લાભાર્થીઓને બકરા એકમ સહાય યોજના હેઠળ રૂપિયા 72 લાખ સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં અનુસૂચિત જનજાતિની 116 મહિલા લાભાર્થીઓને આ યોજના હેઠળ બે વર્ષમાં રૂપિયા 56.70 લાખની સહાય ચૂકવાઇ છે.
ચોખા પાકની નિદર્શન યોજના હેઠળ કુલ 1347 નિદર્શન ગોઠવાયા
વિધાનસભા ગૃહમાં આણંદમાં ચોખા પાકની નિદર્શન યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, તારીખ 12મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં સિસ્ટમ ઓફ રાઇસ ઈન્ટેન્સીફીકેશન પદ્ધતિથી ચોખા પાકની નિદર્શન યોજના હેઠળ કુલ 1347 નિદર્શન ગોઠવવામાં આવ્યા હતા. જે અંતર્ગત કુલ રૂપિયા 44.91 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
ખેડૂતોને ખેતી અંગે સંપૂર્ણ તાલીમ પુરી પડાય
વિધાનસભામાં અમદાવાદ જિલ્લામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સધ્ધર બને એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા કૃષિલક્ષી કૌશલ્ય તાલીમ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને સંસ્થાકીય, પ્રિસીઝનલ તથા અન્ય માર્ગદર્શન માટે તાલીમ પૂરી પાડવામાં આવે છે. રાજ્યમાં કાર્યરત ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતી માટે થતા સંશોધનો તથા વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજીના માધ્યમ દ્વારા માર્ગદર્શન મળી રહેએ માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આ તાલીમમાં પુરૂ પાડવામાં આવે છે.
અમદાવાદમાં બે વર્ષમાં 1,590 ખેડૂતોને તાલીમ અપાઈ
અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1,590 ખેડૂતોને સંસ્થાકીય તાલીમ આપવામાં આવી છે. જેમાં 780 મહિલાઓ અને 810 પુરૂષોનો સમાવેશ થાય છે. આ પાછળ રૂપિયા 19,73,166નો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરાયો છે.
મહિલાઓને પણ તાલીમ આપી આર્થિક રીતે સધ્ધર કરવાના પ્રયાસ
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ તાલીમનો મુખ્ય હેતુ પ્રવર્તમાન ટેકનોલોજીના યુગમાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને પાક ઉત્પાદન વધે એ આશયથી થતા સંશોધનો અને ટેકનોલોજીનું મહત્તમ માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં સંસ્થાકીય તાલીમ તથા પ્રિસીઝનલ તાલીમ કાર્યક્રમ, રાજ્ય બહાર પ્રવાસ કાર્યક્રમ સહિતના પ્રયાસો સરકાર દ્વારા કરાય છે. આ તાલીમના પરિણામે ખેડૂતો સારી રીતે ખેતી કરીને પાક ઉત્પાદન વધારી શકે છે. ખેતી આજે એક ઉદ્યોગ તરીકે બન્યો છે. ત્યારે નવી ટેકનોલોજી, બજાર વ્યવસ્થા, બજાર ભાવ સહિતની માહિતી તાલીમમાં આપવામાં આવે છે. આધુનિક યુગમાં મહિલાઓ પણ વિકાસમાં સહભાગી બની રહી છે. ત્યારે મહિલાઓને પણ આ પ્રકારની તાલીમ આપીને આર્થિક રીતે સધ્ધર કરવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાય છે.
સામાન્ય વિસ્તારમાંથી આવતા લાભાર્થીને 6 લાખની સહાય
રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે નાણાંકીય વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં શાકભાજી અને ફળોના શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટેની યોજનામાં યુનિટ ઊભા કરવા સહાય પેટે રૂપિયા17,98,780 ચુકવવામાં આવ્યા છે. આ સહાયથી શોર્ટિંગ અને ગ્રેડિંગના 3 યુનિટ ઊભા કરવામાં આવ્યા છે. વધુમાં ઉમેર્યું હતું કે, શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટેની યોજનામાં વ્યક્તિગત લાભાર્થી જો સામાન્ય વિસ્તારમાંથી આવતો હોય તો તેને મહત્તમ 6 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે અને જો તે આદિજાતિ વિસ્તારમાંથી આવતો હોય તો તેને રૂપિયા 8.25 લાખની મહત્તમ સહાયની ચૂકવણી કરવામાં આવે છે. આ ઉપરાંત એપીએમસી, સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજીસ્ટર્ડ ખેડૂત ઉત્પાદક સંગઠનો સામાન્ય વિસ્તારમાં આવેલી હોય તો મહત્તમ રૂ. ૯.૭૫ લાખ તથા આદિજાતિ વિસ્તારમાંથી આવતા હોય તો રૂપિયા 11.25 લાખની મહત્તમ સહાયની ચુકવણી કરવામાં આવે છે.
જામનગર તથા દેવભૂમિ દ્વારકામાં 358 શિક્ષકોની નિમણૂંક
વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, જે શાળામાં ઓછા બાળકો છે, ત્યાં પણ શિક્ષકોની ફાળવણી કરવામાં આવે છે. જે શાળામાં એક વર્ગખંડમાં માત્ર ત્રણથી ચાર વિદ્યાર્થીઓ છે, તેવા વર્ગખંડની શાળાઓમાં પણ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી રહી છે. જેથી દરેક બાળકને યોગ્ય શિક્ષણ મળી રહે. તેમજ જે શાળામાં શિક્ષકોની ઘટ છે તેવી તમામ શાળાઓમાં ભરતી કેલેન્ડર પ્રમાણે શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ત્યાં સુધી બાળકોનું શિક્ષણ ન અટકે તે માટે પ્રવાસી શિક્ષકોની નિમણુંક પણ કરવામાં આવી છે. જે પ્રમાણે જામનગર જિલ્લામાં 102 પ્રવાસી શિક્ષક તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 256 પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓને શાળાથી પોતાના ઘરનું અંતર વધુ છે તેવા વિદ્યાર્થીઓ માટે વાહન વ્યવસ્થા પણ કરાઈ છે.
આદિજાતિના લોકોને આવાસ સહાય યોજના
વિધાનસભામાં તાપી જિલ્લાના આવાસ યોજનાના પ્રશ્નના પ્રત્યુતર રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જનજાતિના લોકોના ઘરનું સપનું સાકાર કરીને પાકા આવાસો આપવા એ જ અમારો મક્કમ નિર્ધાર છે. તાપી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં આદિજાતિ વ્યક્તિઓને આવાસ સહાય પેટે રૂપિયા 212.80 લાખની સહાય ચૂકવાઇ છે. આદિજાતિના લોકોને આવાસ સહાય યોજના હેઠળ આવાસ આપવા માટે આવાસ દીઠ રૂપિયા 1.20 લાખની સહાય આપવામાં આવે છે. આ માટે આવક મર્યાદા રૂપિયા 6 લાખ નિયત કરાઈ છે. આવાસ મેળવવા માટે જમીન, ખુલ્લો પ્લોટ હોય, માલિકીનો હક્ક હોય, આકારણી પત્રક આમાંથી કોઈપણ એક પુરાવો રજૂ કરવાનો હોય છે. સંયુક્ત વારસદાર હોય તો રૂ.20ના સ્ટેમ્પ પર એફિડેવીટ કરવાનું રહેશે. તેમજ જર્જરિત મકાન હોય તો મકાનનો ફોટો રજૂ કરવાનો રહેશે. આ ઉપરાંત આદિજાતિના લોકોને PM આવાસ યોજના તથા અન્ય યોજના હેઠળ પણ આવાસ સહાય પુરી પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
અનુ. જનજાતિની વિદ્યાર્થીઓને સાયકલનું વિતરણ
આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દૂરના અંતરે આવેલી હોવાથી અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓમાં સામાન્યતઃ ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યા પછી શિક્ષણ ચાલુ રાખે તે હેતુથી વિદ્યા સાધના યોજના 1995માં શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીનીના રહેઠાણથી શાળા દૂર હોય તો પણ તેનો અભ્યાસ અટકે નહી.
બે વર્ષમાં કુલ 19 જિલ્લાઓમાં 74,499 સાયકલોનું વિતરણ
આજે વિધાનસભામાં રાજકોટ જિલ્લામાં ધોરણ-9માં અભ્યાસ કરતી અનુ. જનજાતિની વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજનાના પ્રશ્નના પ્રત્યુતરમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કુલ 19 જિલ્લાઓમાં 74,499 સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે. જેનો કુલ ખર્ચ રૂ.3,229,58 કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 170 અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓને સાયકાલોનું વિતરણ કરવામાં આવ્યું છે. જેનો કુલ ખર્ચ રૂ.7,37,954 કરવામાં આવ્યો છે.
શોર્ટિંગ અને ગ્રેડિંગના યુનિટ ઊભા કરવા 17 લાખ ચુકવાયા
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે નાણાંકીય વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં શાકભાજી અને ફળોના શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટેની યોજનામાં યુનિટ ઊભા કરવા સહાય પેટે રૂ.17,98,780 ચુકવવામાં આવ્યા છે. આ સહાયથી શોર્ટિંગ અને ગ્રેડિંગના 3 યુનિટ ઊભા કરવામાં આવ્યા છે. તેમજ શોર્ટિંગ અને ગ્રેડિંગ યુનિટ માટેની યોજનામાં વ્યક્તિગત લાભાર્થી જો સામાન્ય વિસ્તારમાંથી આવતો હોય તો તેને મહત્તમ 6 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે અને જો તે આદિજાતિ વિસ્તારમાંથી આવતો હોય તો તેને રૂપિયા 8.25 લાખની મહત્તમ સહાયની ચૂકવણી કરવામાં આવે છે. આ ઉપરાંત એપીએમસી, સહકારી ખેડૂત સંસ્થા, જાહેર સાહસો, નગરપાલિકા કે રજીસ્ટર્ડ ખેડૂત ઉત્પાદક સંગઠનો સામાન્ય વિસ્તારમાં આવેલી હોય તો મહત્તમ રૂ.9.75 લાખ તથા આદિજાતિ વિસ્તારમાંથી આવતા હોય તો રૂ.11.25 લાખની મહત્તમ સહાયની ચુકવણી કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.