સિમ્સ મરેન્ગો એશિયા નેટવર્ક હોસ્પિટલ દ્વારા ઈન્સ્ટિટ્યૂટ ઓફ એચપીબી સર્જરી અને લિવર ટ્રાન્સપ્લાન્ટની ગર્વભેર શરૂઆત કરવામાં આવી રહી છે. આ ઈન્સ્ટિટ્યૂટની ટીમનું નેતૃત્વ જાણીતા સર્જન ડો. અભિદિપ ચૌધરી દ્વારા કરવામાં આવશે. તેમને નાનાં બાળકો અને પુખ્ત વયના લોકોની 1500 લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવાનો અનુભવ છે. તેમનો અનુભવ બે દાયકા કરતાં પણ વધારે છે અને તેમણે આ વિષય ઉપર કેટલાક પેપર્સ પણ લખ્યાં છે. હિપેટોલોજિસ્ટ અને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડો. ભાવેશ ઠક્કર ડો. ચૌધરી તેમજ તેમની ટીમના સભ્યો ડો. નીતિન કુમાર, ડો. ગૌરવ સૂદ અને ડો. વિકાસ પટેલને મદદ કરશે. જ્યારે લિવરની સારવાર કોઈ પણ પ્રકારની દવાઓથી કે અન્ય વિકલ્પોથી કરવાનું અશક્ય બની જાય છે ત્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે છે. લિવરમાં ઈજા થવાથી, કેન્સર થવાથી, ક્રોનિક હિપેટાઈટિસ સીનાં ઈન્ફેક્શનથી, લાંબો સમય સુધી દારૂનું સેવન કરવાથી, નોન આલ્કોહોલિક ફેટી લિવર રોગોને કારણે અથવા તો પ્રાયમરી બિલ્લેરી સિરોયસિસના કારણે લિવર ફેઈલ થઈ શકે છે. લિવર તાત્કાલિક અથવા લાંબાગાળે ફેઈલ થઈ શકે છે. જે કિસ્સામાં લિવર તરત જ થોડા સપ્તાહોમાં ફેઈલ થઈ જાય તેને એક્યુટ લિવર ફેઈલ્યોર કહે છે.
સિમ્સ હોસ્પિટલ તેના માટે એક સિંગલ લાઈન પેકેજ આપે છે. પેકેજ ઉપરાંતનો જે ખર્ચ થાય છે તે સિમ્સ ફાઉન્ડેશન ભોગવે છે દર્દીએ ભોગવવાનો રહેતો નથી. ધારો કે સિમ્સનું પેકેજ લઈને દર્દી દાખલ થયો એ પછી તેને વધુ સમય હોસ્પિટલમાં રોકાવાનું થયું અથવા તો તેને કોઈ અન્ય સારવારની જરૂર પડી તો દર્દીએ વધારાનો ખર્ચ આપવાનો રહેતો નથી પેકેજની જે કિંમત હોય તે જ આપવાની રહે છે. દર્દીએ પેકેજની જે કિંમત છે એ જ ચુકવવાની રહે છે.
શરીરનું સંતુલન જાળવી રાખવામાં લિવરની ભૂમિકા અગત્ય
સિમ્સ હોસ્પિટલ દર્દીને એનજીઓ કે સરકાર મારફતે સારવારની રકમ મેળવવામાં પણ મદદ કરે છે. જોકે, તે દરેક કિસ્સામાં અલગ હોય છે પહેલેથી નક્કી કરી શકાય નહીં.જાણીતા લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો.અભિદિપ ચૌધરીએ જણાવ્યું હતું કે, લિવર એ માનવ શરીરનું રસોડું છે તેને સ્વસ્થ રાખવું એ ફરજ છે. તે માનવ શરીરનું એકમાત્ર મોટું અંગ છે અને એવું અંગ છે કે જે આપમેળે બને છે. તે શરીરનું સંતુલન જાળવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. એક અદ્ભુત વાત એ છે કે લિવરનો નાનો ટુકડો માણસનાં શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ બહુ રાહ નથી જોવી પડતી.
નવી ટીમ સાથે અમે નવા શિખરો હાંસલ કરીશું: ડો.કેયુર પરીખ
સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરીખે જણાવ્યું હતું કે ઈન્સ્ટિટ્યૂટ ઓફ એચપીબી સર્જરી અને લિવર ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરતાં અમે ગર્વની લાગણી અનુભવીએ છીએ. તેના કારણે અમારી યશકલગીમાં એક વધુ પિચ્છનો ઉમેરો થયો છે. અમે અમારા દર્દીઓને વધુ સારી સેવા આપી શકીશું. મને વિશ્વાસ છે કે આ દિશામાં અમે સફળતાના નવા સીમાચિહ્ન હાંસલ કરીશું.મરેન્ગો એશિયા હેલ્થકેરના એમડી અને સીઈઓ ડો.રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે સિમ્સ હોસ્પિટલે નવું સિદ્ધિનું સોપાન સર કરીને તેના અંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામમાં એક નવું અંગ ઉમેર્યું છે. નવી ટીમ સાથે અમે સફળ સર્જરી કરવામાં નવા શિખરો હાંસલ કરીશું. અમને આશા છે કે અમારી ટીમના નિષ્ણાતોને કારણે હવે અમદાવાદના દર્દીઓએ સારવાર માટે બહાર નહીં જવું પડે.
ભારતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટના કિસ્સાઓ વધ્યાં
સિમ્સ હોસ્પિટલના હિપેટોલોજિસ્ટ અને ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડો. ભાવેશ ઠક્કરે જણાવ્યું હતું કે લિવર એ માનવ શરીરનું સંગ્રહ સ્થાન અને ઊર્જા પેદા કરતું સ્થાન છે. તેથી આપણે તેને તંદુરસ્ત રાખવું જોઈએ અને તેની નિયમિત તપાસ કરાવવી જોઈએ. આ સિવાય હું લોકોને અંગદાન કરવાની પણ અપિલ કરું છું જેથી કરીને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી મારફતે ઘણા લોકોની જિંદગી બચાવી શકાય. ભારતમાં લિવર ટ્રાન્સપ્લાન્ટના કિસ્સાઓ વધી રહ્યા છે. દર વર્ષે દેશમાં 2 લાખ લોકો લિવરની બીમારીનાં કારણે મૃત્યુ પામે છે જેમાંથી 50,000-60,000 લોકોને લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે. વિશ્વમાં રોજની 25,000 લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.