ગ્રીન એનર્જી:અમદાવાદમાં ટેનામેન્ટ કે બંગલા પર સોલાર સિસ્ટમ લગાડનારને પ્રોપર્ટી ટેક્સમાં 10 ટકા રાહત મળશે

અમદાવાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
સોલાર રૂફટોપ સિસ્ટમ - Divya Bhaskar
સોલાર રૂફટોપ સિસ્ટમ
 • ચાલુ વર્ષે મકાનમાં સોલાર સિસ્ટમ લગાવાશે તે લોકોને જ સ્કીમનો લાભ મળશે
 • સોલાર રૂફટોપ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધીમાં થયેલું હોવું જરૂરી

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ‘ક્લિન એનર્જી, ગ્રીન એનર્જી ’ પોલિસી અંતર્ગત સોલાર ઉર્જાનો વધારેમાં વધારે ઉપયોગ થાય તેવા પ્રયાસ કરાય છે. આ હેતુથી અમદાવાદમાં સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વીજ ખાતા તથા પ્રોપર્ટી ટેક્ષ ખાતાના સંયુક્ત રીતે ચાલુ વર્ષે એટલે કે 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધી નવી સોલાર સિસ્ટમ લગાવનાર ટેક્સધારકને એક વર્ષ માટે અને એક જ વખત સોલાર ઇન્સેન્ટિવનો લાભ આપવામાં આવશે. જેમાં પ્રોપર્ટી ટેકસમાં 10 ટકા રાહત અપાશે.

શૈક્ષણિક સંસ્થાઓને 3 ટકા રાહત અપાશે
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સ્વતંત્ર બંગલો ધરાવતાં રહેણાંક મકાનોમાં પ્રોપર્ટી ટેકસમાં 10 ટકા રાહત આપવામાં આવશે. શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે, સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટી વગેરેને 3 ટકા રાહત આપવામાં આવશે. બંનેમાં સોલાર રૂફટોપ ઇન્સેન્ટિવ સ્કીમની શરતો પૂર્ણ થાય તો જ આ રાહત આપવામાં આવશે. આ ઉપરાંત ફલેટ જેવા ગ્રુપ હાઉસીંગ માટે વોર્ડ કક્ષાએ ઇનામ ઇન્સેન્ટિવ આપવામા આવશે.

1 કિલો વોટ અથવા તેનાથી વધુ ક્ષમતાવાળી સોલાર સિસ્ટમ પર લાભ
સોલાર રૂફટોપ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન 1 એપ્રિલ 2022થી 31 માર્ચ 2023 સુધીમાં થયેલું હોવું જરૂરી છે. જે માટે રહેણાંક સોલાર રૂફટોપ સિસ્ટમમાં જોઇન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટની તારીખને માન્ય રાખવાની રહેશે. તેમજ શૈક્ષણિક સંસ્થાઓ માટે GEDA કમિશનિંગ સર્ટિફિકેટમાં દર્શાવેલી સિસ્ટમ કમિશનની તારીખ માન્ય રહેશે. જેથી જોઇન્ટ ઇન્સ્પેક્શન રિપોર્ટની તારીખ અને GEDA કમિશનિંગ સર્ટિફિકેટમાં દર્શાવેલી સિસ્ટમ મિશનની તારીખ આ જ સમયગાળા દરમિયાનની હોવી જરૂરી રહેશે. સોલાર સિસ્ટમ ઇન્સેન્ટિવ 1KW (1 કિલો વોટ) અથવા તેનાથી વધુ ક્ષમતાવાળી સોલાર સિસ્ટમને મળવા પાત્ર થશે. તેમજ સોલાર સિસ્ટમ બાબતે કોઇ ટેક્નિકલ પ્રશ્ન હશે, તો તે અંગે લાઇટ ખાતાનો અભિપ્રાય મેળવવાનો રહેશે.

જૈનિક વકીલ, ચેરમેન, રેવન્યુ કમિટી
જૈનિક વકીલ, ચેરમેન, રેવન્યુ કમિટી

12 લાખ જેટલી મિલકતોને પ્રોપર્ટી ટેક્સમાં 25 ટકા રાહત અપાઈ
ચાલુ વર્ષ 2022-23માં 70 ચો.મી.થી ઓછા ક્ષેત્રફળ ધરાવતી અંદાજીત 12 લાખ જેટલી મિલકતોને પ્રોપર્ટી ટેક્સમાં 25 ટકા રાહત આપવામા આવશે. બોપલ-ઘુમા જેવા નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારોને પણ કોર્પોરેશનના વાર્ષિક ટેક્સ તથા નગરપાલિકાના વાર્ષિક ટેક્સના તફાવતના 50 ટકા રાહત આપવામાં આવશે. વધુમાં ચાલુ નાણાકીય વર્ષમાં એડવાન્સમાં ટેક્સ ભરનાર તમામ કરદાતાઓને તબક્કાવાર રાહત આપવાની યોજના અમલમાં છે. આ રાહતો ઉપરાંત વધારાનો સોલાર ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ કરદાતાઓ મેળવી શકશે. તમામ નાગરિકોને વધુમાં વધુ સોલાર રૂફટોપ સ્કીમ અંતર્ગત લાભ લઇ પ્રોપર્ટી ટેક્સમાં રાહત મેળવવા તેમજ શહેરના પર્યાવરણને પ્રદૂષણમુક્ત કરવા અપીલ કરવામાં આવે છે.

કઈ રીતે કોને લાભ મળશે

 • સોલાર સિસ્ટમ અંગે ઇન્સેન્ટિવ, પ્રોપર્ટી ટેક્ષના જનરલ ટેક્ષ, વોટર ટેક્ષ, કોન્ઝરવન્સી ટેક્ષ તથા શિક્ષણ ઉપકર ઉપર લાગૂ પડશે. તેમજ રહેણાંક અને બિન રહેણાંકના કોઇ પ્રોપર્ટી ટેક્ષના એક જ ટેક્ષના ટેનામેન્ટ નંબરની સામે વર્ષ દરમિયાન આ લાભ મેળવી શકાશે.
 • સોલાર ઇન્સેન્ટિવ સ્કીમનો લાભ ટેક્ષ વિભાગને ડેલીગેટ કરેલ પાવર્સ મુજબ આપવામાં આવશે.
 • સોલાર ઇન્સેન્ટિવ સ્કીમને GDCRની જોગવાઇઓ ઉપરાંતની ગણવાની રહેશે.

સોલાર ઇન્સેન્ટિવનો લાભ આ પુરાવાઓના આધારે અપાશે

 • ઇન્વોઇઝ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલેશન પહેલાં તથા ઇન્સ્ટોલેશન પછીના લાઇટ બીલની નકલ.
 • અમદાવાદ શહેરમાં વીજ સપ્લાય પૂરી પાડતી વીજ કંપનીઓ (ટોરેન્ટ પાવર લી., ઉત્તર ગુજરાત વીજ કં.લી વગેરે) તરફથી સોલાર મીટર લગાવ્યા બાદ આપવામાં આવતા સોલાર મીટર ઇન્સ્ટોલેશન રિપોર્ટ.
 • સોલાર સિસ્ટમ ખરીદી અંગેનું ટેકસ ઇનવોઇઝ
 • રહેઠાણની મિલકતો માટે Discom,Empanelled Agency તથા Consumerના Joint Inspection Report
 • શૈક્ષણિક સંસ્થાઓ માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનું (GEDA) સર્ટિફિકેટ ઓફ કમિશન.
 • શૈક્ષણિક સંસ્થાઓ માટે સ્થળના ફોટોગ્રાફ તથા સ્થળતપાસ રિપોર્ટ
અન્ય સમાચારો પણ છે...