અમદાવાદમાં વૃદ્ધ પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યાનો પ્રયાસ કરી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ-તપાસમાં પતિએ પત્ની સારવાર માટે વિદેશ પરત જવાની જીદ કરતાં અવારનવાર ઝઘડા થતાં કંટાળી હત્યા કરી નાખી હતી. વહેલી સવારના સમયે પતિ-પત્ની ઘરે હતાં. ઝઘડો થતાં વૃદ્ધ ખૂબ જ ઉશ્કેરાઈ ગયા અને એટલા આવેશમાં આવી ગયા કે આખી જિંદગી જેની સાથે કાઢી એવી જીવનસંગિનીને 20 મિનિટ સુધી ઉપરાછાપરી 12 જેટલા છરીના ઘા માર્યા હતા. પત્નીનો જીવ ગયા પછી પોતે પણ છરીના ઘા મારી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ અને ફાયરબ્રિગેડ સમયસર પહોંચી જતાં વૃદ્ધ બચી ગયા હતા. સરખેજ પોલીસે હત્યાનો ગુનો નોંધી તેમના ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે
ભત્રીજાને વૃદ્ધે સુસાઈડનો મેસેજ કર્યો હતો
વૃદ્ધ પતિએ છરી વડે પત્નીને 12 ઘા મારી હત્યા કરી દીધી અને પોતે પણ પોતાની જાતને છરીના ઘા મારી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો, જોકે આ પહેલાં જ વૃદ્ધે સુસાઇડનો મેસેજ ભત્રીજાને કર્યો હતો. વૃદ્ધનો જીવ બચી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
3 મહિના પહેલાં જ અમેરિકાથી પરત આવ્યાં હતાં
મકરબા પાસે 3 મહિનાથી ઓર્કિડ એક્ઝોટિકામાં 73 વર્ષીય કિરણ ભાઉ અને તેમનાં પત્ની ઉષાબેન રહેવા આવ્યાં હતાં.1 વર્ષ અગાઉ જ દંપતી અમેરિકાથી પરત આવ્યું હતું. અમેરિકાથી પરત આવ્યા બાદ તેઓ પ્રહલાદનગર ખાતે રહ્યાં હતાં, બાદમાં મકરબા પાસે રહેવા આવ્યાં હતાં. દંપતીને કોઈ સંતાન નહોતું. અમેરિકામાં હતાં ત્યારે ઉષાબેનને કેન્સર થયું હતું, જેની તેમને ત્યાં સારવાર પણ કરાવી હતી. ઇન્ડિયા પરત આવ્યા બાદ બંને વચ્ચે ઘર્ષણ થવા લાગ્યું હતું.
કેન્સર પીડિત વૃદ્ધા અમેરિકા પરત જવા જીદ કરતાં...
ઉષાબેનને અમદાવાદમાં ઠીક ના લાગતાં તેઓ અવારનવાર પતિ કિરણભાઈને અમેરિકા પરત જવા કહેતા હતા. ઉષાબેનને ગર્ભાશયનું કેન્સર હોવાથી તેઓ પીડાતા હતા અને સારવાર માટે જ અમેરિકા જવાની જીદ કરતાં હતાં..આ મુદ્દાને લઈને દંપતી વચ્ચે ઝઘડા પણ થતા હતા, જોકે થોડા સમય બાદ સ્થિત સામાન્ય થઈ જતી. અવારનવાર આ મુદ્દે ઝગડા થતાં કિરણભાઈ કંટાળી ગયા હતા. ઉષાબેનને આ અંગે તેમના ભાઈ મધુસૂદન સોનીને પણ વાત કરી હતી.
વૃદ્ધે પોતે ગળે છરી મારી દીધી હતી
ગુરુવારે સવારે આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ લીધું હતું. સવારે 6-40એ કિરણભાઈએ તેમના ભત્રીજાને સુસાઇડનો મેસેજ કર્યો હતો. મેસેજ કર્યા બાદ 6:40થી 7 વાગ્યા સુધીમાં કિરણભાઈએ ઘરમાં છરી વડે પત્ની ઉષાબેનને પેટ પર છરી મારી, ત્યાર બાદ છાતી પર અને મોઢા પર 12થી વધુ છરીના ઘા માર્યા હતા. પત્નીને છરીના ઘા મારીને કિરણભાઈએ પોતાને પણ ગળે છરી મારી હતી તથા પોતે પણ બચે નહીં એ માટે હાથના ભાગે છરી મારી હતી. દંપતી બંધ ઘરમાં સાતમા માળે લોહીલુહાણ હાલતમાં પડ્યું હતું.
ફાયર અને પોલીસની ટીમને જાણ કરી હતી
ભત્રીજાને સુસાઇડનો મેસેજ મળતાં ભત્રીજાએ ફાયર અને પોલીસને જાણ કરી હતી. મેસેજ મળતાં થોડીવારમાં ફાયરની ટીમ ફ્લેટ પર પહોંચી હતી. દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો ના ખૂલતાં એને તોડી નાખ્યો હતો. લોહીથી લથપથ હાલતમાં પતિ-પત્ની હતાં. તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરીને દંપતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાના આવ્યાં હતાં, જ્યાં પત્ની ઉષાબેનનું મોત થઈ ગયું હતું, જ્યારે કિરણભાઈની હાલત ગંભીર હતી. આ મામલે પોલીસે પણ ઉષાબેનના ભાઈ મધુસૂદન સોનીની ફરિયાદના આધારે હત્યાની દિશામાં તપાસ હાથ ધરી છે.
દંપતી નિઃસંતાન હતું એટલે હતાશ હતું
જોકે હજુ સુધી કિરણભાઈ ભાનમાં આવ્યા નથી. હાલ તો ગર્ભાશયના કેન્સરની સારવારના કારણે પતિએ હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન છે. દંપતી નિઃસંતાન હોવાને કારણે પણ હતાશ હતું. અવારનવાર થતા ઝગડાને કારણે ભણેલાગણેલા NRI દંપતીમાંથી પત્નીનું મોત થયું છે, ત્યારે પતિ જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. કિરણભાઈ ભાનમાં આવે ત્યારે વધુ ખુલાસો થઈ શકે છે. હાલ પોલીસ પણ કિરણભાઈના ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.