ડોક્ટરને સવાલ:મ્યુકોરમાઇકોસિસનું ઇન્ફેક્શન જો મોઢા અને નાકમાં હોય તો ઇન્જેકશનની જરૂર નથી, એની ટ્રીટમેન્ટ એન્ટી-ફંગલ દવાથી થઈ શકે છે: ડૉ સુભાષ અગ્રવાત

અમદાવાદ2 વર્ષ પહેલાલેખક: અદિત પટેલ
  • મ્યુકોરમાઇકોસિસનું મુખ્ય કારણ ઓરલ હાઇજીન છે, જો ઓરલ હાઇજીન ના જળવાય તો આ રોગ થવાની શક્યતા વધી જાય છે
  • મ્યુકોરમાઇકોસિસથી લોકોએ ડરવાની જરૂર નથી, જો પ્રાઇમરી સ્ટેજ એ આનો ઈલાજ થાય તો દર્દી ઝડપથી રિક્વર થઈ જાય છે

રાજ્યમાં કોરોનાના બાદ મ્યુકરમાઈકોસિસનો કહેર વધી રહ્યો છે. દેશભરમાં સૌથી વધુ કેસ પણ ગુજરાતમાં છે, એમાં પણ ચાર મહાનગરમાં કેસ વધારે જોવા મળી રહ્યા છે. ત્યારે ઈન્જેક્શનની અછત છે અને આ બ્લેક ફંગલથી જાણીતા રોગની બાબતમાં લોકોમાં ખોટું પેનિક છે એને લઈને દિવ્ય ભાસ્કરે સિનિયર ડોક્ટર એવા ડૉ. સુભાષ અગ્રવાત સાથે વાતચીત કરી હતી. તેમણે રોગને લઈને જણાવ્યું હતું કે ઇન્ફેક્શન જો મોઢા અને નાકમાં હોય તો ઈન્જેક્શનની જરૂર નથી, એની ટ્રીટમેન્ટ એન્ટી-ફંગલ દવાથી થઈ શકે છે

મ્યુકરમાઈકોસિસની બીમારીથી બચવા કાળજી રાખવી એ જ બચાવ છે
રાજ્યમાં કોરોના મહામારી બાદ હવે રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર જોવા મળી રહ્યો છે. આ રોગને લોકો બ્લેક ફંગલ તરીકે પણ ઓળખે છે. દેશમાં સૌથી વધારે મ્યુકોરમાઇકોસિસના કેસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ રોગની સારવાર માટે વપરાતાં ઈન્જેક્શનની રાજ્યમાં અછત સર્જાય છે. સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેક્શન મળતાં નથી. સાથે મેડિકલ સ્ટોર્સમાં પણ હવે આ ઈન્જેક્શન નથી મળતાં. ત્યારે દર્દીનાં સગાં હવે આ ઈન્જેક્શનની શોધમાં રઝળી પડ્યાં છે. રાજ્ય સરકારે આ મ્યુકોરમાઇકોસિસને મહામારી પણ જાહેર કરી છે, જેથી હવે સૌકોઈને આ રોગનો ડર સતાવી રહ્યો છે. ત્યારે આ રોગ કઈ રીતે થાય છે અને આ રોગ ન થાય એ માટે કઈ કાળજી લેવી જોઈએ એ માટે દિવ્ય ભાસ્કરે ડો. સુભાષ અગ્રવાત સાથે ખાસ વાતચીત કરી છે એના અંશો...

સવાલ: મ્યુકોરમાઇકોસિસ રોગ શું છે? આ રોગ શાને કારણે થાય છે?
જવાબ:
મ્યુકોરમાઇકોસિસ એ એક ફંગલ ઇન્ફેક્શન છે. આ રોગમાં ફંગસ પેદા થાય છે અને એ શરીરના અમુક ભાગોને સડાવી દે છે. આ રોગ ઓરલ હાઇજીન ન જળવાય તો થવાની શક્યતા ઓ વધારે છે, કારણ કે ઓરલ કેવિટી હોવાથી આ રોગ એક્ટિવ થાય છે. જો આ કેવિટીને સાફ ન કરવામાં આવે તો આ રોગ મોઢામાં ફેલાય છે, ત્યાર બાદ નાકમાં બ્લોકેજ કરી દે છે અને સીધો મગજ પર અસર કરે છે, એટલે મોઢાની જો નિયમિત સાફસફાઈ થાય તો આ રોગ થવાની શક્યતા નહિવત છે.

સવાલ: મ્યુકોરમાઇકોસિસ જો કોઈને થયો હોય તો તેને ક્યાં પ્રકારની સારવાર લેવી જોઈએ?
જવાબ:
જો કોઈપણ વ્યક્તિને આ રોગ થયો હોય અને એ પ્રાઇમરી સ્ટેજ પર હોય તો તેને કોઈપણ રીતે ગભરાવાની જરૂર નથી. તેને માત્ર એન્ટી-ફંગલ દવાઓ લેવાની જરૂર છે. બીજી કોઈ મોંઘા ઈન્જેક્શન કે ટેબ્લેટ લેવાની બિલકુલ જરૂર નથી. આ ઇન્ફેક્શન પ્રાઇમરી સ્ટેજમાં એટલે કે મોઢામાં કે નાકમાં હોય તો તેને રિક્વરી લઇ શકાય છે, પરંતુ જો છેલ્લા સ્ટેજ એટલે કે આ ઈન્જેક્શન મગજ સુધી પહોંચી જાય તો તેને એ ઇન્ફેક્શનવાળો ભાગ સર્જરી કરીને કઢાવવો પડે છે અને એ સમય દરમિયાન તેની હાલત ગંભીર કહી શકાય એટલે એ સમય એ એમ્ફોટેરેસિન-બી જેવાં ઈન્જેક્શન લેવાં પડતાં હોય છે.

સવાલ: શું કોરોના થયેલા અને ડાયાબિટીસના દર્દીઓને આ રોગ થવાની શકયતાઓ વધારે હોય છે ?
જવાબ:
અત્યારે જે કેસ આવી રહ્યા છે એમાં મોટા ભાગના કેસમાં આ બંને ફેક્ટર જોવા મળ્યા છે, કારણે કે જો કોઈને કોરોના થયો હોય અને આ રોગ ડિટેક્ટ થાય તો એનાં અનેક કારણો હોય શકે છે, જેમ કે તેને 10 દિવસ કે વધુ દિવસ હોસ્પિટલમાં ઓક્સિજન પર રાખ્યો હોય અને તેને ઓરલ ટ્રીટમેન્ટ ના આપી હોય. જેથી 10 દિવસ દરમિયાન એ જે કંઈપણ ખાય એ મોઢામાં ભરાઈ રહે અને ત્યાંથી સડો થાય એટલે ફંગસ ઉત્પન્ન થાય છે અને આ રોગ થાય છે. જો ડૉક્ટર આ સમય દરમિયાન તેને ઓરલ ટ્રીટમેન્ટમાં એન્ટી ફંગલ દવા આપે તો એનું ઓરલ હાઇજીન જળવાય અને આ બીમારી ન થાય. ડાયાબિટીસના દર્દીમાં ઇમ્યુનિટી ઓછી હોય છે, જેથી આ ફંગસ જો શરીરમાં હોય તો એ ઝડપથી એક્ટિવ થાય છે.

સવાલ: લોકો ડરના મારે MRI અને CT SCAN કરાવે છે તો એ યોગ્ય છે?
જવાબ:
હાલની પરિસ્થિતિમાં લોકો ડરી ગયા છે, જેથી તેઓ જાતે જ બધા રિપોર્ટ્સ કરાવી રહ્યા છે. બાકીના લોકોને ડેન્ટિસ્ટ પણ તેમની સાવચેતી માટે જરૂર વગર CB CT SCAN કરવાનું કહે છે. તેઓ દર્દીને સામાન્ય દાંત દુખાય તોપણ આ રિપોર્ટ લખીને પછી મ્યુકોરમાઇકોસિસની ટ્રીટમેન્ટ ચાલુ કરે છે એ મારી દૃષ્ટિએ આ ખોટું છે. લોકોમાં ભય દૂર કરવાને બદલે ડેન્ટિસ્ટ જ ડરી રહ્યા છે. આ બધા રિપોર્ટ્સની પ્રાઇમરી સ્ટેજમાં જરૂર નથી.

સવાલ : કોરોનાના દર્દીએ અને સામાન્ય દર્દીએ કઈ તકેદારી રાખવી જોઈએ તો આ રોગ ના થાય?
જવાબ:
જો હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલતી હોય અને તે ઓક્સિજન કે બાયોપેપ પર હોય તો તેને એન્ટી-કેવિટીની દવા આપીને તેનું ઓરલ હાઇજીન જાળવી રાખવામાં આવે તો આ રોગ ના થાય.જો દર્દી વેન્ટિલેટર પર હોય તો તેને ઓરલ કેવિટી દૂર કરવી હિતાવહ નથી. સામાન્ય વ્યક્તિ એ દિવસમાં 2 વાર બ્રશ કરે અને માઉથવોશથી કોગળા કરે તો તેને આ રોગ થવાની શક્યતાઓ નહીંવત છે .