વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નના પ્રત્યુત્તરનો વારો ચાલી રહ્યો છે. આ દરમિયાન ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે ગુજરાતમાં વધુમાં વધુ મૂડી રોકાણ થવાની સાથે દરેક તાલુકામાં ઉદ્યોગો સ્થપાય તેવું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે તેવું જણાવ્યું હતું. તો બીજી તરફ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, ગરીબી રેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યક્તિને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે વર્ષ-2009થી આ યોજના અમલમાં છે.
‘ઔદ્યોગિક પાર્ક યોજના’ હેઠળ 42 પાર્કની નોંધણી
ઔદ્યોગિક પાર્ક યોજના હેઠળ ઇનફાસ્ટ્રક્ચર અને બિલ્ડીંગ મૂડી રોકાણ અંતર્ગત પ્રશ્નના પ્રત્યુતરમાં ઉદ્યોગ મંત્રી એ જણાવ્યું હતું કે, રાજ્યમાં ‘ઔદ્યોગિક પાર્ક યોજના’ હેઠળ 42 ઔદ્યોગિક પાર્કની નોંધણી કરવામાં આવી છે. જેમાં 47.95 કરોડ મૂડી રોકાણ થઈ છે. ઔદ્યોગિક પાર્ક માટે જમીન વિસ્તાર અંતર્ગત મંત્રી જણાવ્યું હતું કે, ઔદ્યોગિક વિસ્તાર માટે 20 હેક્ટર અને વનબંધુ વિસ્તાર માટે પાંચ હેક્ટર જમીન હોવી જરૂરી છે. સુરત જિલ્લા અંતર્ગત મંત્રીએ જણાવ્યું હતું કે, સુરતમાં આઠ ઔદ્યોગિક પાર્કની નોંધણી થઈ છે. જેમાં 736 કરોડ સૂચિત મૂડી રોકાણ છે. ઔદ્યોગિક પાર્કની નોંધણીની સત્તા ઉદ્યોગ કમિશનર પાસે છે. આદિજાતિ વિસ્તારના ઔદ્યોગિક પાર્ક અંતર્ગત મંત્રીએ જણાવ્યું હતું કે આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાઓમાં 53 તાલુકાઓમાં યોજના અંતર્ગત સહાય કરવામાં આવી છે.
5 વનબંધુ તાલુકામાં 213 કરોડ સૂચિત મૂડી રોકાણ
ભારત સરકારની સહાય અંતર્ગત મંત્રીએ જણાવ્યું કે, ઔદ્યોગિક પાર્ક માટે ભારત સરકારની સહાય મેળવવામાં આવી હશે તો પ્રોજેક્ટ ખર્ચના 60 ટકાથી તેમજ વનબંધુ તાલુકામાં 80 ટકા સહાય માટે પાત્ર રહેશે. મંત્રીએ સુરત જિલ્લાના વનબંધુ તાલુકામાં ઔદ્યોગિક પાર્ક અંતર્ગત જણાવ્યું કે, પાંચ વનબંધુ તાલુકામાં રૂ.213 કરોડ સૂચિત મૂડી રોકાણ થયું છે.
નેશનલ ડિસેબલ પેન્શન યોજના હેઠળ 2 લાખથી વધુની સહાય
વિધાનસભામાં વડોદરા જિલ્લામાં ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન યોજનાના પ્રશ્નોના પ્રત્યુતરમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, ગરીબી રેખા હેઠળ જીવતી દિવ્યાંગ વ્યક્તિને આર્થિક રીતે સહાયરૂપ થવા માટે વર્ષ-2009થી આ યોજના અમલમાં છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે નાણાકીય સહાય આપી સામાજિક ઉત્થાન કરવાનો છે. વડોદરા જિલ્લાના 9 તાલુકાઓમાં આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં 37 અરજીઓ મળી હતી તે તમામ અરજીઓ મંજૂર કરીને રૂ.2,05,400ની નાણાકીય સહાય ચૂકવાઇ છે.
આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ 2.50 લાખની સહાય
વિધાનસભા ગૃહમાં ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના સંદર્ભે મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અસ્પૃશ્યતા દુર કરવા તથા સામાજિક સમરસતા લાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિની વ્યક્તિ અને અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન થાય તો રાજ્ય સરકાર દ્વારા વિશેષ સહાય આપવામાં આવે છે. જેમાં રૂ.1 લાખની સહાય પતિ-પત્નીના સંયુક્ત નામે નાની બચતમાં પ્રમાણપત્રો ભેટ સ્વરૂપે તથા રૂ.1.50 લાખની રકમ ઘર વપરાશના સાધનો ખરીદવા માટે એમ કુલ રૂ. 2.50 લાખની સહાય આપવામાં આવે છે. આ સાથે તેમણે યોજનાના માપદંડની માહિતી પણ આપી હતી. તેમજ અમદાવાદ જિલ્લામાં આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂ.11.19 કરોડ સહાય ચૂકવવામાં આવ્યા હોવાનું મંત્રીએ ઉમેર્યું હતું.
ડિજિટલ ઇન્ડિયા અભિયાન થકી સરકારને 110 કરોડની બચત
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ વિધાનસભા ખાતે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે, એક મહિલા સન્માન ભેર જીવન જીવી શકે તે માટે આર્થિક મદદ રૂપે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં પહેલા પોસ્ટ ઓફિસ મારફતે સહાયની રકમ પૂરી પાડવામાં આવતી હતી તે માટે પોસ્ટ ઓફિસને પાંચ ટકા કમિશન આપવું પડતું હતું. વર્ષ 2020માં રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર (DBT)ની શરૂઆત કરવાથી રાજય સરકારને 110 કરોડની વાર્ષિક બચત થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.