પ્રવાસનને વેગ:ગુજરાતના ટુરિઝમ ઉદ્યોગમાં છેલ્લા 5 વર્ષોમાં 13 ટકાનો વધારો, 2019-20માં 6.09 કરોડ પ્રવાસીઓએ રાજ્યની મુલાકાત લીધી

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફાઈલ તસવીર - Divya Bhaskar
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફાઈલ તસવીર
  • સાબરમતી આશ્રમ રૂ.55 કરોડ તથા ઝવેરચંદ મેઘાણી સર્કિટને 1 કરોડના ખર્ચે વિકસાવાશે
  • પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે આ વર્ષના બજેટમાં 487.50 કરોડ જોગવાઈ કરવામાં આવી
  • શિવરાજપુર બીચની રૂપિયા 138.98 કરોડની કામગીરી ઓક્ટોબર-2022 સુધી પૂર્ણ કરાશે

રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષો દરમિયાન પ્રવાસનના ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો વધી છે. છેલ્લા 20 વર્ષની આ ક્ષેત્રમાં 12 ગણો વધારો નોંધાયો છે. દેશ સહિત દુનિયાભરમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે, જેની અસર પ્રવાસન પર પડી છે, પરંતુ ગુજરાતે સાવચેતી સાથે આ પ્રવાસન ઉદ્યોગ ચાલી રહ્યો છે. 2001-2002માં રાજ્યમાં 52 લાખ પ્રવાસીઓ આવ્યા હતા, જે 2019-20માં વધીને 6.09 કરોડ થઈ ગયા છે. વિધાનસભામાં ગઈકાલે શ્રમ અને રોજગાર વિભાગની અંદાજપત્રની માંગણીઓ સર્વ સંમતિથી પસાર કરવામાં આવી. જેમાં સાબરમતી આશ્રમ રૂ.55 કરોડ તથા ઝવેરચંદ મેઘાણી સર્કિટને 1 કરોડના ખર્ચે વિકસાવવાનો ઉલ્લેખ કરાયો છે.

પ્રવાસન ઉદ્યોગના બજેટમાં 487 કરોડની જોગવાઈ
ગુજરાત વિધાનસભામાં શુક્રવારે વર્ષ 2021-22ના પ્રવાસન અંદાજપત્રની ચર્ચાના અંતે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે, 'છેલ્લા 15 વર્ષથી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓની બાબતમાં છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ વાર્ષિક 13%નો વૃદ્ધિદર નોંધાયો છે. સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે આ વર્ષના બજેટમાં 487.50 કરોડ જોગવાઈ કરવામાં આવી છે જે છેલ્લા વીસ વર્ષમાં બજેટ જોગવાઈમાં કરાયેલો આ સૌથી મોટો વધારો છે. પ્રવાસન ક્ષેત્ર રોજગારીની વિપુલ તકો પુરી પાડે છે.'

શિવરાજપુર બીચની ફાઈલ તસવીર
શિવરાજપુર બીચની ફાઈલ તસવીર

​​​​​તાજમહેલ કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વધુ પ્રવાસીઓ પહોંચ્યા
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા ટૂરિસ્ટોની વાત કરીએ તો માત્ર 553 દિવસમાં 50 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચૂક્યા છે. જે આગ્રાના તાજમહેલના મુલાકાતીઓની સંખ્યા કરતાં પણ વધુ છે. અમદાવાદ-રાજકોટ-પોરબંદર-બારડોલી-દાંડી ગાંધી હેરિટેજ સર્કિટના વિકાસ માટે રૂપિયા 59.17 કરોડ મંજૂર કરાયા છે. શિવરાજપુર બીચની રૂપિયા 138.98 કરોડની કામગીરી ઓક્ટોબર-2022 સુધી પૂર્ણ કરાશે.'

કચ્છ ખાતેના ટેન્ટ સિટીની તસવીર
કચ્છ ખાતેના ટેન્ટ સિટીની તસવીર

2019-20માં 3.50 લાખ લોકોએ સફેદરણની મુલાકાત લીધી
આ ઉપરાંત વેલનેસ- કેરેવાન- મેડિકલ-સ્પિરિચ્યુઅલ-રૂરલ-વાઇલ્ડલાઇફ-કોસ્ટલ-થીમ પાર્ક એમ વિવિધ ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ટૂરિઝમને વેગ આપવામાં આવશે, તેમ વિધાનસભા ગૃહમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, વર્ષ 2019-20માં 3.50 લાખ મુલાકાતીઓએ સફેદ રણની મુલાકાત લીધી હતી. રણ ઉત્સવથી 2018-19માં રાજ્ય સરકારને રૂ. 7.41 કરોડ જ્યારે સ્ટેક હોલ્ડરને રૂ. 80.90 કરોડની આવક થઇ છે. જેની સામે કુલ રૂ. 3.89 કરોડનો ખર્ચ થયો હતો.

નવરાત્રિ મહોત્સવની ફાઈલ તસવીર
નવરાત્રિ મહોત્સવની ફાઈલ તસવીર

નવરાત્રિ મહોત્સવમાં વાર્ષિક 8 કરોડનો ખર્ચ
નવરાત્રિ મહોત્સવ પાછળ સરેરાશ વર્ષે રૂપિયા 8 કરોડનો ખર્ચ કરવામાં આવે છે. 2019-20માં નવરાત્રિ મહોત્સવની મુલાકાત લેનારાઓની સંખ્યા 6 લાખ હતી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લીધે પતંગ ઉદ્યોગનું ટર્ન ઓવર વાર્ષિક રૂપિયા 615 કરોડથી વધુ પહોંચ્યું છે. દેશના પતંગ ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો 40 ટકા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે ગુજરાતના પ્રવાસનમાં વધુ એક છોગું ઉમેરાયું છે.