• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Industries Have Made The River Dead For Personal Gain, Contempt Of Court Will Be Made If Chamber Interferes In Cutting Illegal Sewer Connections: High Court

ચેમ્બરને ચાબખા:ઉદ્યોગોએ અંગત સ્વાર્થ ખાતર નદીને મૃતપ્રાય બનાવી દીધી છે, ગેરકાયદે ગટર જોડાણો કાપવામાં ચેમ્બર દખલગીરી કરશે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરાશે : હાઈકોર્ટ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
શાસ્ત્રીબ્રિજ પાસે સાબરમતી નદીમાં ફેકટરીઓ રોજ કેમિકલનું પાણી છોડે છે. - Divya Bhaskar
શાસ્ત્રીબ્રિજ પાસે સાબરમતી નદીમાં ફેકટરીઓ રોજ કેમિકલનું પાણી છોડે છે.
  • નદીમાં પ્રદૂષણ મામલે ઉદ્યોગો તરફથી રજૂઆત કરવા આવેલી ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સને હાઈકોર્ટે ઝાટકી કાઢી
  • કોર્પોરેશનને ગેરકાયદે કચરો ઠાલવતા તમામ ઉદ્યોગોનાં જોડાણો કાપવા રાતદિવસ ઝુંબેશ ચલાવવા કોર્ટનો આદેશ

સાબરમતી નદીમાં ઔદ્યોગિક એકમો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણી મામલે કરાયેલી સુઓમોટો જાહેરહિતની અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનો ઉધડો લેતાં કહ્યું કે, ઉદ્યોગોએ અંગત સ્વાર્થ ખાતર નદીને મૃતપ્રાય બનાવી દીધી છે, ગેરકાયદે ગટર જોડાણો કાપવામાં ચેમ્બર દખલગીરી કરશે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરાશે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે ઉદ્યોગોનાં ગટર અને પાણીનાં જોડાણો ન કાપવા માટે અરજી કરી હતી, જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે, ‘તમે મહેરબાની કરીને આમાં દખલગીરી કરશો નહિ. ઉદ્યોગોના આવા બેજવાબદારભર્યા કચરા ઠાલવવાના વલણને લીધે કરોડોના ખર્ચે બનાવેલા એસટીપી પ્લાન્ટ બંધ થઈ ગયા છે. તેમણે સીઈપીટીને નુકસાન કર્યંુ છે. જો તમે દખલગીરી કરશો તો કન્ટેમ્પટ પિટિશનનો સામનો કરવો પડશે.’

હાઈકોર્ટે ચેમ્બરને સવાલો કર્યા હતા કે, ‘તમને નદીમાં કચરો નાખવાની મંજૂરી કોણે આપી? કોને પૂછીને તમે કચરો ઠાલવો છો? કાયદેસર કે ગેરકાયદે કોઈ ઉદ્યોગોને નદીમાં કચરો નાખવાની મંજૂરી નથી. તમારા ઉદ્યોગોએ કરોડો રૂપિયા કમાવવા નદીને નર્ક બનાવી દીધી છે. તમારા ઉદ્યોગોને લીધે અડધી નદી મૃતપ્રાય બની ગઇ છે. આ સુનાવણીમાં જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે મ્યુનિ.ને કચરો ઠાલવતા તમામ ઉદ્યોગોનાં વીજ-પાણીનાં જોડાણ કાપી નાખવાની ઝુંબેશ ચાલુ રાખવા આદેશ કર્યો છે.

કચરાને લીધે કરોડોના પ્લાન્ટ બંધ થઈ ગયાં

  • ઉદ્યોગોએ અંગત સ્વાર્થ ખાતર 100 કિમી સુધી નદીને મૃતપ્રાય બનાવી દીધી છે.
  • ઉદ્યોગપતિઓ દ્વારા ધમકી આપવામાં આવતી હોય તો પોલીસની મદદ લો પણ જોડાણો તો કાપવાનું ચાલુ જ રાખો.
  • નદીમાં ગેરકાયદે કચરો ઠાલવતા પહેલા કોર્પોરેશનને નોટિસ આપી હતી?
  • સરકારના કરોડો રૂપિયાના પ્લાન્ટ તમારા ઉદ્યોગોના કચરાને લીધે બંધ થઈ ગયા છે.

જોડાણ ન કાપવા ધમકી અપાય છે: મ્યુનિ.
મ્યુનિ.એ કોર્ટમાં કહ્યું હતું કે, અમને રોજ ઉદ્યોગો દ્વારા ધમકી મળે છે. તો જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠે કહ્યું હતું કે, તમને ધમકી મળે તો પોલીસની મદદ લો અને તેમનાં નામ હાઈકોર્ટ સમક્ષ રજૂ કરો.

તમે લોકોના આરોગ્ય સાથે રમત રમો છો: કોર્ટ
કોર્ટે કહ્યું હતું કે, તમારા ઉદ્યોગો કાંઈ પણ વિચાર્યા વગર લાખો લોકોના આરોગ્ય સાથે રમત કરે છે. જ્યારે ચેમ્બરે દલીલ કરી હતી કે, મ્યુનિ.એ એકપણ નોટિસ આપ્યા વગર જોડાણો કાપી નાખ્યાં છે. હાઈકોર્ટે આ દલીલ સાંભળી નારાજગી દર્શાવતાં સવાલ કર્યો હતો કે, તમે ગેરકાયદે જોડાણો જોડતાં પહેલાં મ્યુનિ.ને કોઈ નોટિસ આપી હતી?
આવનારી પેઢી માટે આ કામ કરવાનું છે: કોર્ટ
કોર્ટે કહ્યું કે, આપણે આવનારી પેઢી માટે આ કામ કરવાનું છે, તેના સારા પરિણામો આપણી પેઢી જ ભોગવશે. કોઈકે તો આ સારાં કામો કરવા પડશે. તો આપણે જ કેમ ન કરીએ? ઉદ્યોગોએ માત્ર પોતાના અંગત સ્વાર્થ ખાતર નદીને મૃતપ્રાય બનાવી દીધી છે. મ્યુનિ. અમારા આદેશને પગલે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે પગલાં લેવાનું ચાલુ જ રાખવાનું છે.

અન્ય સમાચારો પણ છે...