મુસાફરોનો ફ્લાઈટમાં હોબાળો:અમદાવાદથી જયપુરની ઈન્ડિગો ફલાઇટમાં મુસાફરોને 2 કલાક બેસાડી રખાયા, તમામે ઉતરી જવા માગ કરી

અમદાવાદએક મહિનો પહેલા

અમદવાદથી જયપુર માટેની ઈન્ડિગો ફલાઇટ સવારે 9 વાગે પ્રસ્થાન કરવાની હતી. પરંતુ ફ્લાઈટમાં 2 કલાક જેટલો સમય મુસાફરોને બેસાડી રાખવામાં આવ્યા હતા. જેના કારણે મુસાફરો હેરાન થયા હતા અને ફ્લાઈટમાં જ હોબાળો કર્યો હતો. જે બાદ 2 કલાક મોડી ફલાઇટ ઉપડી હતી. આ અંગે ઇન્ડિગોએ મુસાફરોને વિઝીબિલિટીની સમસ્યા હોવાનું જણાવ્યું હતું.

મુસાફરોએ ફ્લાઇટમાં જ હોબાળો કર્યો
આજે સવારે 9 વાગે અમદાવાદથી જયપુર ઈન્ડિગોની ફ્લાઇટ જવાની હતી. જેમાં 150 જેટલા મુસાફરો પણ હતા અને તે ફ્લાઈટ 9 વાગે ઉપાડવાની જગ્યાએ 11 વાગે ઉપડી હતી. જેના કારણે ફ્લાઈટમાં બેસનાર મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા. ફ્લાઈટનો સમય 9 વાગ્યાનો હોવાથી મુસાફરો સવારના 7 વાગે એરપોર્ટ પહોંચીને બોર્ડિંગ સહિતની પ્રક્રિયા પૂરી કરીને ફ્લાઈટમાં બેઠા હતા. મુસાફરોમાં કેટલાક બાળક અને પરિવાર સાથે હતા. જે દરમિયાન 2 કલાક ફ્લાઈટમાં જ બેસાડી રાખતા મુસાફરોએ ફ્લાઇટમાં જ હોબાળો કર્યો હતો અને ફલાઇટમાંથી ઉતરી જવા માગ કરી હતી.

2 કલાક ફ્લાઈટમાં બેસાડતા મુસાફરો પરેશાન
ઈન્ડિગો ફ્લાઇટ દ્વારા મુસાફરોને ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે અમદાવાદ એરપોર્ટ પર વિસીબીલીટી હતી, પરંતુ જયપુર એરપોર્ટ પર વિઝીબિલિટી ન હોવાને કારણે ફલાઇટ તેના નિયત કરેલા સમયે ટેકઓફ ન કરી શકી. અગાઉ પણ મુસાફરો ઈન્ડિગો ફ્લાઈટમાં હેરાન થયા હતા. ઈન્ડિગો એરલાઇન્સને અગાઉથી જ વિઝીબિલિટી ન હોવાનું જાણ હતી, તો મુસાફરોને અગાઉથી જાણ કરી એરપોર્ટ પર રહેવા સુચના આપી શકાય તેમ હતું. પરંતુ 2 કલાક ફ્લાઈટમાં બેસાડતા જ મુસાફરો હેરાન પરેશાન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...