ઓપરેશન આઇલેન્ડ વોચ:ભારતીય કોસ્ટગાર્ડનું હોવરક્રાફ્ટ પહોંચ્યું નિર્જન ટાપુઓ પર, આ હોવરક્રાફ્ટ જળ, જમીન, બરફ અને કાદવમાં પણ દોડી શકે

અમદાવાદએક મહિનો પહેલા
  • કોસ્ટગાર્ડના જવાનો નેવિગેશનના આધારે ટાપુઓ પર પહોંચ્યા

ગુજરાતના દરિયા કિનારેથી વારંવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવે છે અને ગુજરાતનો સમુદ્ર ચાંચિયા માટે રેઢું પડ બની ગયો છે ત્યારે આજે એકાએક ભારતીય કોસ્ટગાર્ડના જવાનોએ 'ઓપરેશન આઈલેન્ડ' હાથ ધર્યું હતું. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાથી મધદરિયા તરફ જાવ એટલે સૌરાષ્ટ્રના સમુદ્રમાં નિર્જન ટાપુઓ છે. આ ટાપુઓ પર શંક્સ્પદ પ્રવૃતિઓ તો નથી થતી ને, તે તપાસવા માટે આજે ભારતીય કોસ્ટગાર્ડે ઓપરેશન આઇલેન્ડ વોચ હાથ ધર્યું હતું. આ ઓપરેશન ખાસ પ્રકારના આધુનિક હોવરક્રાફ્ટમાં હાથ ધરાયું હતું.

ભારતીય કોસ્ટગાર્ડનું હોવરક્રાફ્ટ
ભારતીય કોસ્ટગાર્ડનું હોવરક્રાફ્ટ

ઓપરેશન હાથ ધર્યું
ભારતીય કોસ્ટગાર્ડે મંગળવારે ગુજરાતમાં દ્વારકાના દરિયાકાંઠે ઓપરેશન 'આઇલેન્ડ વોચ' હાથ ધર્યું હતું જ્યાં હોવરક્રાફ્ટે આસપાસના નિર્જન ટાપુઓની શોધ હાથ ધરી હતી. ન્યૂઝ એજન્સી ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં, હોવરક્રાફ્ટ સમુદ્રના મોજા પર સવાર થઈને કિનારે પહોંચતું જોઈ શકાય છે. જેમ જેમ વાહન કિનારે પહોંચે છે, એર કુશન હવા છોડે છે અને ડિફ્લેટ કરે છે. પાછળથી, ત્રણ સશસ્ત્ર કોસ્ટગાર્ડ હોવરક્રાફ્ટમાંથી બહાર આવતા અને વિસ્તારનું સર્વેક્ષણ કરતા જોઈ શકાય છે. વિડિયોમાં હોવરક્રાફ્ટના અંદરના દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે જ્યાં બે રક્ષકો GPS અને અન્ય ઘણી નેવિગેશન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરતાં જોઈ શકાય છે.

હોવરક્રાફ્ટ શું છે?
હોવરક્રાફ્ટ એ એવું વ્હીકલ છે જે જમીન, પાણી, કાદવ, બરફ અને અન્ય સપાટીઓ પર દોડી શકે છે. તેઓ તેમની ચપળતા અને ઝડપને કારણે પાણીમાં કોઈપણ શંકાસ્પદ બોટ અથવા વ્યક્તિઓનો પીછો કરવા માટે અત્યંત ઉપયોગી હોવાનું કહેવાય છે. હોવરક્રાફ્ટ 30-40 નોટ્સ (લગભગ 50-60 કિલોમીટર) પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.

કોસ્ટગાર્ડ શું છે ?
ભારતીય કોસ્ટગાર્ડ દરિયામાં ભારતીય જળ સરહદની દેખરેખ કરે છે. જળ સીમાની અંદર કોઈ શંકાસ્પદ પ્રવૃતિઓ થાય તો કોસ્ટગાર્ડ દિવસ-રાત સતર્ક રહે છે. પાણી ઉપરાંત જમીન અને આકાશમાં પણ કામગીરી માટે સક્ષમ છે. નવી દિલ્હી સ્થિત કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર (CGHQ) ના ડિરેક્ટર જનરલ ઈન્ડિયન કોસ્ટગાર્ડ (DGICG) દ્વારા ICGનું નેતૃત્વ કરવામાં આવે છે. ભારતના મેરીટાઇમ ઝોનને પાંચ કોસ્ટ ગાર્ડ પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ, પૂર્વ, ઉત્તર-પૂર્વ અને આંદામાન અને નિકોબાર છે, જેનાં પ્રાદેશિક મુખ્યાલયો ગાંધીનગર, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા અને પોર્ટબ્લેર ખાતે છે.

અન્ય સમાચારો પણ છે...