તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ભારતે ઇંગ્લેન્ડને ચોથી ટેસ્ટમાં 157 રને હરાવ્યું, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના, ગુજરાત સરકારે કર્મીઓનું DA 28 ટકા કર્યું

11 દિવસ પહેલા

નમસ્કાર,
આજે મંગળવાર, તારીખ 7 સપ્ટેમ્બર, ભાદરવા સુદ પડવો.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) તાપી, સુરત, વલસાડ, ગીર, દીવ, ડાંગ, નવસારી, ભાવનગર, જામનગર જિલ્લામાં હળવાથી ભારે વરસાદની સંભાવના
2) રાજકોટ એરપોર્ટના રનવેના ઘાસથી લઈ એરક્રાફ્ટની સુરક્ષા અને ટર્મિનલ બિલ્ડિંગની વ્યવસ્થાનું ડીજીસીએ આજે સર્વેલન્સ ચેકિંગ કરશે
3) આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સ્વામિનારાયણ ગુરુકુળ ઝુંડાલ ખાતે શિક્ષક દિવસના ભાગરૂપે એક કાર્યક્રમમાં હાજરી આપશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) લીડ્સમાં ખરાબ રીતે હારેલી ટીમ ઈન્ડિયાએ 50 વર્ષ પછી ઓવલમાં ઇંગ્લેન્ડને 157 રને હરાવ્યું, 5 ટેસ્ટની સિરીઝમાં 2-1ની અજેય લીડ

લીડ્સમાં 1 ઈનિંગ અને 76 રનથી હારનો સામનો કરનારી ટીમ ઈન્ડિયાએ ઓવલના મેદાનમાં બાઝીગરની જેમ વળતો પ્રહાર કરી ઇંગ્લેન્ડને ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચમાં 157 રને હરાવ્યું છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં જો રૂટની ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ઈન્ડિયન ટીમે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે હવે અહીંથી ઈન્ડિયા સિરીઝ હારી શકશે નહીં
વાંચો સમાચાર વિગતવાર

2) રાજ્યના સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કર્યો, હવે 28 ટકા મળશે
તાજેતરમાં ભારત સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો, જેને અનુસરીને ગુજરાત સરકારે પણ રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. રાજ્યના સરકારી કર્મચારીઓને હવેથી 28 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે, જે અગાઉ 17 ટકા આપવામાં આવતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તેની જાહેરાત કરી હતી.
વાંચો સમાચાર વિગતવાર

3) ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે નવસારી અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પાણી પાણી, ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો
રાજ્યમાં આગામી 8 સપ્ટેમ્બર પછી સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણ ગુજરાતના નવસારી અને સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી હતી. નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પાણી પાણી થયા હતા. તો રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો હતો.
વાંચો સમાચાર વિગતવાર

4) ગુજરાતમાં ધો.6થી 12ની ઓફલાઇન સ્કૂલોનો ધબડકો છતાં ધો.1થી 5ની સ્કૂલો શરૂ કરવા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ઉતાવળા
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સોમવારે સવારે કેવડિયા ખાતે આવેલા શૂલપાણેશ્વર મહાદેવની પૂજા કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૂજા કર્યા બાદ જણાવ્યું હતું કે ધો-6થી 8 બાદ હવે ધો-1થી 5ની શાળાઓ શરૂ કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ લઇને કોર કમિટીમાં અમે એનો નિર્ણય લઇશું. ઉલ્લેખનીય છે કે ધોરણ 6થી 12ની સ્કૂલો 50 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવી છે. જોકે માત્ર 15 ટકા જ વિદ્યાર્થીઓ સ્કૂલે આવી રહ્યા છે. આમ છતાં શિક્ષણમંત્રી ધો.1થી 5ની સ્કૂલો શરૂ કરવા ઉતાવળા થયા છે.
વાંચો સમાચાર વિગતવાર

5) દારૂબંધી મુદ્દે કહ્યું-રાજ્યમાં બેરોકટોક દારૂના અડ્ડાઓ ચાલે છે, ભાજપના કાર્યકર્તાઓ જ તેમાં મળતિયા તરીકે કમિશન ખાય છે: ભરતસિંહનો આક્ષેપ
બનાસકાંઠામાં કૉંગ્રેસની કોવિડ ન્યાય યાત્રા સમયે પૂર્વ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજ્યમાં દારૂબંધીને લઈ ભાજપ પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં બરોકટોક દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ભાજપ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ બે મોઢાની વાત કરવા માટે ટેવાયેલા છે. જે દારૂના અડ્ડાઓ ચાલે છે તેમાં ભાજપના કાર્યકર્તાઓ જ મળતિયા તરીકે કમિશન ખાતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

6) બરફની આંધી ને તાપમાન માઇનસ 15 ડીગ્રી, ઓક્સિજન લેવલ ઘટીને 60 થયું છતાં સુરતીએ લેહનું 6250 મીટર ઊંચું શિખર સર કર્યું
'અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી'. આ વાતને ચરિતાર્થ કરતાં સુરતના હરકિશન જિયાણીએ લેહમાં આવેલું 6250 મીટર ઊંચું કેંગ યાત્સે-2 શિખર સર કર્યું છે. બરફની આંધી વચ્ચે માઇનસ 10થી 15 ડીગ્રીથી તાપમાનમાં તેમણે 12 કલાકમાં શિખર સર કર્યું હતું. પર્વતારોહણ દરમિયાન બરફની આંધી આવી હતી. શરીરનું ઓક્સિજન લેવલ ઘટીને 60 થવાની સાથે માઈનસ 15 ડીગ્રીમાં 6250 મીટર ઊંચું શિખર સર કરીને પર્વતારોહણ કર્યું હતું.
વાંચો સમાચાર વિગતવાર

7) ગુજરાત ભાજપની ટિકિટ માટે 60 વર્ષની વયમર્યાદા નહીં, પણ ત્રણ ટર્મ ચૂંટાયેલાને ટિકિટ નહીંની ફોર્મ્યુલા અપનાવી ભાજપ નવો ખેલ પાડી શકે છે
ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવા માટે ભાજપ ઝડપથી આગળ વધી રહ્યો છે, જેમાં આગામી ચૂંટણીમાં ભાજપની ટિકિટ માટે 60 વર્ષથી ઉપરની ઉંમરનો બાધ નથી રાખ્યો, પણ ત્રણ ટર્મથી ચૂંટાયેલાને ટિકિટ નહીં આપવાના માપદંડ અમલી બનાવી આડકતરી રીતે 60થી વધુ વયનાની ટિકિટ કપાઈ શકે છે. આમ પણ ભાજપ-પ્રમુખ પાટીલે પોતાની સંગઠનની ટીમમાં સૌથી વધુ યુવાઓને સ્થાન આપ્યું છે, એ જોતાં ભાજપ વિધાનસભામાં પણ યુવાઓને જ વધુ ટિકિટ આપી શકે છે.
વાંચો સમાચાર વિગતવાર

8) ધ્વસ્ત થયો પંજશીરનો કિલ્લો, હવે સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબંજો; રેઝિસ્ટન્સ ફોર્સે કહ્યું- લડાઈ ચાલુ જ રહેશે
છેવટે પંજશીર પણ તાલિબાન સામે હારી ગયું છે. રેઝિસ્ટન્સ ફોર્સના લડવૈયાઓએ તાલિબાનને મજબૂત લડત આપી, પરંતુ રવિવારની લડાઈ બાદ તાલિબાનની જીત થઈ છે. તાલિબાને પંજશીરમાં ગવર્નર હાઉસ પર પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો. હવે આખું અફઘાનિસ્તાન તાલિબાનના કબજામાં છે. તાલિબાને ધ્વજ ફરકાવતો એક વીડિયો પણ જાહેર કર્યો હતો. તાલિબાનના આ દાવા બાદ રેઝિસ્ટન્સ ફોર્સે કહ્યું હતું કે, પંજશીર ઘાટીમાં લડાઈ ચાલુ જ રહેશે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિરોધનો છેલ્લો કિલ્લો પણ જીતી લેવામાં આવ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

9) હવે અફઘાનિસ્તાનમાં પડદામાં ભણતર, છોકરીઓ બુરખો પહેરીને શાળામાં જશે, વર્ગમાં પણ લગાવાશે પડદો, જેથી છોકરા-છોકરીઓ એકબીજાને જોઈ ન શકે
અફઘાનિસ્તાનમાં લગભગ એક મહિનાથી ચાલી રહેલી અશાંતિ વચ્ચે કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ શરૂ થયો છે. તાલિબાનોએ છોકરીઓને ભણવાની છૂટ આપી છે, પણ તેમને કડક પ્રતિબંધોમાંથી પસાર થવું પડી રહ્યું છે. સોમવારે મઝાર-એ-શરીફ સ્થિત ઈબ્ન-એ-સિના યુનિવર્સિટીનો ફોટો સામે આવ્યો છે. આમાં પડદા દ્વારા વર્ગને 2 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. છોકરાઓ એક તરફ બેઠેલા છે અને છોકરીઓ બીજી તરફ બેઠેલી છે.
વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) સોમનાથ મંદિરમાં ભક્તો હવે ટેક્નોલોજીની મદદથી શિવલિંગ પર જળાભિષેક કરતા હોવાની અનુભૂતિ કરી શકશે, મંદિરમાં 4-D પ્રોજેક્ટ કાર્યરત કરાયો
2) ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ, ઓટોમોબાઇલ અને ફાર્માસ્યુટિકલ હબ બન્યું, દેશના ફાર્મા સેક્ટરમાં ગુજરાતનો 33 ટકા હિસ્સો: CM રૂપાણી
3) અક્ષય કુમારની મમ્મી સિરિયસ, 3 દિવસથી ICUમાં, અક્ષય લંડનથી શૂટિંગ પડતું મૂકી ભારત આવ્યો, બીમારી અંગે સસ્પેન્સ
4) ઝારખંડ વિધાનસભામાં નમાજ માટે અલગ રૂમ મુદ્દે BJP ધારાસભ્યોનો હોબાળો, ગૃહમાં લગાવ્યા જય શ્રીરામ અને હર-હર મહાદેવના નારા
5) જામનગરના દગડુશેઠ ગણેશ મહોત્સવમાં આ વખતે રસોઈની સામગ્રીમાંથી બનાવાયા ગણપતિ, 6 હાથી અને એક ઉંદર આકર્ષણનું કેન્દ્ર
6) રાજકોટના વીંછિયામાં સૌથી ઓછું વેક્સિનેશન, અધિકારીઓ સમજાવા ગયા તો લોકોએ કહ્યું- અમારી રક્ષા વેક્સિન નહીં, ભગવાન કરશે, શું કામ રસી લઇએ!

આજનો ઈતિહાસ
વર્ષ 1923માં આજના દિવસે વિયેનામાં ઈન્ટરપોલની સ્થાપના કરવામાં આવી હતી

અને આજનો સુવિચાર
ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમ કે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે, સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે હોય છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...