નવી આફત:કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આંતરડાનું ગેંગરિન જ્યારે ડેન્ગ્યૂ- ચિકનગુનિયાથી સાજા થયેલા દર્દીઓમાં ગુલિયન બાર સિન્ડ્રોમનું પ્રમાણ વધ્યું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદની સિવિલમાં 45 દિવસમાં જ 35 જેટલા ગુલિયન બારી સિન્ડ્રોમના દર્દી નોંધાયા
  • કોરોના બાદ યુવાનોમાં પણ આંતરડાના ગેંગરિનના કેસમાં વધારો થયો

અમદાવાદ શહેરમાં રોગચાળાના સાજા થયેલા દર્દીઓમાં હવે ગુલિયન બાર સિન્ડ્રોમ (જીબીએસ)ના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે, અગાઉ કોરોનાનો કેર હતો ત્યારે પણ આવા કેસમાં અચાનક ઉછાળો આવ્યો હતો, આ નવો નહિ પણ જૂનો જ રોગ છે. અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 45 દિવસમાં જ 35 જેટલા ગુલિયન બારી સિન્ડ્રોમના દર્દી નોંધાયા છે, એટલું જ નહિ પરંતુ તે પૈકી બે દર્દીનાં મોત થયાં છે, તેમ સિવિલ હોસ્પિટલના સૂત્રો કહે છે. બીજી તરફ કોરોનાથી સાજા થયેલા યુવાનોમાં આંતરડાના ગેંગરિનનું જોખમ વધ્યું છે.

45 દિવસના અરસામાં 35 જેટલા દર્દી નોંધાયા
સિવિલ હોસ્પિટલના તબીબી સૂત્રો કહે છે કે, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકન ગુનિયા જેવા રોગમાં સાજા થયેલા દર્દીઓ હવે ગુલિયન બાર સિન્ડ્રોમમાં સપડાઈ રહ્યા છે, જેના કારણે અસારવા સિવિલમાં જ 45 દિવસના અરસામાં 35 જેટલા દર્દી નોંધાયા છે અને બેનાં મોત થયા છે. ડોક્ટરોના મતે બેથી 6 સપ્તાહમાં આ રોગનું પ્રમાણ વધી જતું હોય છે. વાઈરલ ઈન્ફેક્શન થાય એના વીસેક દિવસ પછી આ રોગ થતો હોય છે.

કોરોના બાદ ગુલિયન બાર સિન્ડ્રોમની આફત
કોરોનાની બીજી લહેરમાં કોવિડમાં સપડાયા પછી જે દર્દીઓ સાજા થયા હતા તેમને પણ ગુલિયન બાર સિન્ડ્રોમનો સામનો કરવો પડયો હતો, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં બે મહિનામાં GBSના 50 જેટલા કેસ નોંધાયા હતા, જેમાંથી 10 દર્દીઓનાં મોત થયા હતા. કેટલાક એવા પણ દર્દી હતા જેમણે કોરોનાને મ્હાત આપી એ પછી મ્યુકર માઈકોસિસ થયો અને ત્યાર બાદ GBSનો રોગ થયો હતો. કોરોના પછી નવા કે જૂના રોગે ફરી દેખા દીધી છે. તેના કારણે દર્દીઓમાં ચિંતા ફરી વળી છે પરંતુ ડોક્ટરો પણ સ્તબ્ધ છે.

યુવાનોમાં પણ આંતરડાના ગેંગરિનના કેસમાં વધારો થયો
આંતરડામાં ગેંગરિન થવાના કેસ અગાઉ પણ આવતા હતા. પરંતુ કોરોના બાદ યુવાનોમાં પણ આંતરડાના ગેંગરિનના કેસમાં વધારો થયો છે. માર્ચ 2020માં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી અત્યારસુધી અમદાવાદના ગેસ્ટ્રોસર્જન પાસે પણ આંતરડાના ગેંગરિનના અંદાજે 20થી વધુ કેસ આવ્યા છે અને તેમાં યુવાનોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. અગાઉ કોરોના થયો હોય, મેદસ્વિતા, અનિશ્ચિત જીવનશૈલી, રક્તવાહિનીને લગતી બિમારી હોય કે વધુ પડતું સ્મોકિંગ-ડ્રિન્કિંગ કરતા હોવ તો આ સમસ્યાનો,સામનો કરવો પડતો હોય છે. તાજેતરમાં જે કેસ આવ્યા છે તેમાંના મોટાભાગના દર્દીઓને અગાઉ કોરોના થઇ ચૂક્યો હતો. પેટમાં અસહ્ય દુઃખાવો રહેતો હોય કે વોમિટિગ, ડાયેરિયાની સમસ્યા સતત નડી રહી હોય તો તકેદારીના ભાગરૂપે ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

ઈલાજ કરવામાં સહેજ પણ વિલંબ થાય તો સર્જરી કરાવવી પડે
જાણકારોના મતે પેટમાં મધ્યમથી તિવ્ર દુઃખાવો, વોમિટિંગ, ડાયેરિયા, મળમાંથી લોહી નીકળવું કે કાળા રંગનો મળ આવવો, તાવ આવવો જેવા તેના લક્ષણ છે. નિષ્ણાંત ડોક્ટરોનું કહેવું છે કે, 'કોરોનાથી જેમ ફેફસામાં ક્લોટ થાય છે તેવી જ રીતે ક્લોટ નાના આંતરડામાં થાય તો આંતરડામાં ગેંગરિન એટલે કે એબ્ડોમિનલ એટેક આવવાની સંભાવના વધી જાય છે. પેટની નળી તેનાથી બ્લોક થઇ જાય છે. કોરોનાની પ્રથમ લહેરમાં આંતરાડામાં ગેંગરિનના 3 જ્યારે બીજી લહેરમાં પાંચ કેસ આવ્યા હતા. જોકે, બીજી લહેરમાં યુવાનોમાં આ સમસ્યાનું પ્રમાણ વધારે રહ્યું હતું. આંતરડાના ગેંગરિનમાં ઈલાજ કરવામાં સહેજ પણ વિલંબ થાય તો સર્જરી કરાવવી પડે છે.