અમદાવાદ શહેરમાં શિયાળાની સિઝન દરમિયાન પણ રોગચાળો વકર્યો છે. જાન્યુઆરી મહિનામાં પહેલાં અઠવાડિયામાં ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને કમળાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ગત વર્ષો કરતા ચાલુ વર્ષે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. જાન્યુઆરી મહિનામાં પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 51, ઝાડા ઉલટીના 69 અને કમળાના 43 કેસો તેમજ કોલેરાનો 0 કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગોમાં કોઈ વધારો થયો નથી. ડેન્ગ્યુના 06, ઝેરી મેલેરિયા અને ચિકનગુનિયાના 00 અને સાદા મેલેરિયાના 2 કેસો નોંધાયા છે.
વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી ડિસેમ્બર મહિનામાં 3143 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 71 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.