રોગચાળો વકર્યો:અમદાવાદમાં વરસાદ બાદ ઝાડા-ઉલ્ટી અને મેલેરિયાના કેસમાં વધારો, પ્રદૂષિત પાણીથી રોગચાળો વધારો

અમદાવાદ2 મહિનો પહેલા

અમદાવાદમાં ભારે વરસાદ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. એક જ અઠવાડિયામાં પાણીજન્ય રોગો એવા ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જુલાઈ મહિનામાં 916 જેટલા ઝાડા ઉલ્ટીના કેસો નોંધાયા છે. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં વટવા, લાંભા, સરસપુર, રખિયાલ, ગોમતીપુર અને કોટ વિસ્તારમાં કેસો નોંધાયા છે. વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણીની પણ ફરિયાદો સામે આવી છે. વરસાદ બાદ શહેરમાં રોગચાળાની પરિસ્થિતિ ફરી વકરી છે. શહેરના વિવિધ વિસ્તારમાંથી 937 પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા. વરસાદ અને ડ્રેનેજમાં મિક્સ થયેલા દૂષિત પાણીને કારણે ઝાડા ઉલ્ટી અને પેટમાં દુઃખાવો સહિતના રોગોમાં વધારો થયો છે.

ઝાડા ઉલ્ટીના 916, કમળાના 245, ટાઇફોઇડના 258 કેસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ચાલુ જુલાઈ મહિનામાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલ્ટી અને ટાઇફોઇડના કેસો નોંધાયા છે. ઝાડા ઉલ્ટીના 916, કમળાના 245 અને ટાઇફોઇડના 258 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા 98, ડેન્ગ્યુ 43, ચિકનગુનિયાના 12 અને ઝેરી મેલેરિયા 02 નોંધાયા છે. પાણીમાં પ્રદૂષણ હોવાની ફરિયાદો પણ મળી છે. જ્યાં પાણીની ફરિયાદો આવી છે અને ક્લોરિન નીલ આવ્યું છે, ત્યાં પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.

AMC સંચાલિત હોસ્પિટલોમાં સ્વાઇન ફ્લૂના અલગ વોર્ડ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જુલાઈ મહિનામાં સ્વાઇન ફ્લૂના 30 જેટલા કેસો નોંધાયા છે. આખા વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 34 જેટલા કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લૂના દર્દીઓમાં મોટા ભાગના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. AMC સંચાલિત વીએસ, શારદાબેન, એલજી હોસ્પિટલમાં અને SVP હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે અલગથી વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

વિવિધ વિસ્તારમાંથી પાણીના સેમ્પલ લેવાયા
AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી મે મહિનામાં 704 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 63 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...