તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ ભૂવા ક્યારે ભરાશે?:ચોમાસુ શરૂ થતા જ અમદાવાદ 'ભૂવાનગરી' બન્યું, ખોખરામાં રોડ પર ભૂવો પડતા AMCએ માત્ર સાવધાનીના બોર્ડ મૂકી સંતોષ માન્યો

અમદાવાદ3 મહિનો પહેલા
ખોખરામાં પડેલા ભૂવાનો ફોટો
  • સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો છતાં ગટરના ગંદા પાણી ઊભરાવવાની સમસ્યાનો નિકાલ નથી આવતો
  • પોલીસ સ્ટેશનની બહાર જ ભૂવો અને ગટરના ગંદા પાણીની સમસ્યાથી પોલીસ પણ પરેશાન

અમદાવાદ સ્માર્ટસિટી તરીકે ઓળખાય છે. પરંતુ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા જ સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂવા સિટી બની જાય છે. શહેરના ખોખરા પોલીસ સ્ટેશનની પાસે જ મણિનગર-ખોખરાના મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો છે. જોકે દર વખતની જેમ AMCએ આ વખતે પણ માત્ર બેરીકેડ લગાવીને સંતોષ માન્યો છે. સ્થાનિકો દ્વારા રસ્તા પર ભૂવા પડવા સાથે ગટરના ગંદા પાણી લીક થઈને માર્ગ પર ફરી વળતા હોવાની અનેકવાર ફરિયાદ કરી હોવા છતાં તેનો કોઈ કાયમી ઉકેલ આવી રહ્યો નથી.

ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકો ત્રસ્ત
તંત્રની બેદરકારીને કારણે પોલીસ સ્ટેશનના કામે આવતા નાગરિકો સહિત પોલીસ જવાનોને માર્ગ પર ફરી વળેલા આ ગટરના ગંદા અને અસહ્ય દુર્ગંધ મારતા પાણીમાંથી જ પસાર થવું પડી રહ્યું છે. જ્યારે પોલીસ સ્ટેશનને અડીને જ આવેલી કચરાપેટીમાં આસપાસના રહીશો અને AMC કર્મચારીઓ કચરો ઠાલવીને વધુ ગંદકી ફેલાવતા હોવા છતાં તે કચરાપેટીને અન્યત્ર ખસેડવાની લાંબાગાળાની રજૂઆતોને પણ AMCનું તંત્ર ધોળીને પી જતુ હોય તેમ લાગી રહ્યું છે.

ખાડા પડતા amcએ માત્ર બોર્ડ લગાવી સંતોષ માન્યો
ખાડા પડતા amcએ માત્ર બોર્ડ લગાવી સંતોષ માન્યો

જોધપુરમાં પણ ભૂવો પડવાનો બનાવ
નોંધનીય છે કે, 8 દિવસ પહેલા જ શહેરના જોધપુર વિસ્તારમાં પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર આવેલી ભાવ પુષ્પ સોસાયટી બહાર વરસાદ બાદ મસમોટો ભૂવો પડ્યો હતો. જેના કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. આ પહેલા આ જ જગ્યાએ ભુવો પડ્યો હતો પરંતુ કોર્પોરેશન દ્વારા સરખી રીતે ન પુરાણ કરતા ફરી 20થી 30 ફૂટ ઊંડો ભુવો પડ્યો હતો. જેમાં એક ગાય પડી જતા સ્થાનિક લોકોએ તેને બહાર કાઢવાની ફરજ પડી હતી.

જોધપુરમાં ુપડેલા ભૂવાની તસવીર
જોધપુરમાં ુપડેલા ભૂવાની તસવીર

કોર્પોરેશનના કામગીરી બાબતે આંખ આડા કાન
કોર્પોરેશન તંત્રએ ફક્ત બેરીકેડ લગાવીને કામગીરીનો સંતોષ માન્યો છે. મોડી રાત્રે કોઈ વાહન ચાલક ભૂવામાં પડી પણ શકે છે. પરંતુ કોર્પોરેશન દ્વારા આ ભૂવા પુરાવવાની જગ્યાએ ફક્ત ભયજનક બોર્ડ જ લગાવીને લોકોને સાવચેત કર્યા છે. આ ભૂવો વરસાદમાં પાણી ભરાઈ જવાથી મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. કોર્પોરેશન દ્વારા કેટલાક વિસ્તારોમાં કામગીરી બાબતે આંખ આડા કાન કરવામાં આવે છે જેથી સ્થાનિક લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે.