તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂની બદી:વિરમગામમાં ભાજપના મહિલા કાઉન્સિલરના બુટલેગર પતિએ મકાનમાં ભોંયરું બનાવી છુપાવેલો રૂ.1.28 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા બનતા મકાનના રૂમમાં ભોંયરું બનાવી દારૂનું વેચાણ કરાતું
  • ભાજપના મહિલા કાઉન્સિલરના બુટલેગર પતિ ફરાર થઈ ગયા

અમદાવાદ જિલ્લાના વિરમગામ નગરપાલિકાના ભાજપના મહિલા કાઉન્સિલરના પતિ જ બુટલેગર હોવાનું સામે આવ્યું છે. વિરમગામ ટાઉન પોલીસે મહિલા કાઉન્સિલરના પતિના નવા બની રહેલા ઘરના ભોંયરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને તેના સાગરીતની ધરપકડ કરી છે. જ્યારે કાઉન્સિલરના બુટલેગર પતિ ફરાર થઈ ગયા છે. વિરમગામ ટાઉન પોલીસે હાથી તલાવડી પાસે મકાનમાંથી રૂ. 1.28 લાખની કુલ નાની 804 વિદેશી દારૂની બોટલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

દારૂ સાથે પકડાયેલા મહિલા કાઉન્સિલરના પતિનો પાર્ટનર
દારૂ સાથે પકડાયેલા મહિલા કાઉન્સિલરના પતિનો પાર્ટનર

બાતમીના આધારે પોલીસે ઘરમાં દરોડા પાડ્યા
વિરમગામના પીઆઇ એમ.એ.વાઘેલાએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આરોપી મિહિર સીતાપરાના નવા બનતાં ઘરમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. ભોંયરામાં આવેલા એક રૂમમાં તાળું તોડી જોતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આરોપી મિહિર અને તેના ભાઈ સામે અગાઉ પણ દારૂના કેસો થયેલા છે.

મહિલા કાઉન્સિલરના બુટલેગર પતિના નવા ઘરમાં મળેલું ભોંયરું
મહિલા કાઉન્સિલરના બુટલેગર પતિના નવા ઘરમાં મળેલું ભોંયરું

નવા બનતા ઘરમાં ભોંયરું બનાવ્યું હતું
વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એ વાઘેલા અને સ્ટાફને બાતમી મળી હતી કે, વિરમગામ હાથી તલાવડી ખાતે રહેતો મિહીર સીતાપરાએ પોતાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખ્યો છે અને ખાનગી રીતે છુટકમાં શૈલેષ ઠાકોર (રહે.વિરમગામ હાથી તલાવડી) પાસે વેચાણ કરાવે છે. જે બાતમીના આધારે રેડ કરતા મિહીર સીતાપરાના નવા બનતાં કબ્જા ભોગવટાવાળાના રહેણાંક મકાનમાં આવેલા ભોંયરામાં એક રૂમને તાળું હતું.

રૂમમાં ભોંયરું બનાવી દારૂ સંતાડ્યો હતો
રૂમમાં ભોંયરું બનાવી દારૂ સંતાડ્યો હતો

804 બોટલ દારૂનો જથ્થો મળ્યો
રૂમનું તાળું તોડી અંદર જોતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની શીલબંધ કાચની નાની-મોટી 804 બોટલો મળી આવી હતી. જેની અંદાજિત કિમત રૂ 1.28 લાખ જેટલી થાય છે. મકાનમાં દરોડા દરમિયાન શૈલેષ ઠાકોર (રહે. વિરમગામ, હાથી તલાવડી) મળી આવ્યો હતો. જેની પૂછપરછ કરતા પોતે મિહિર સીતાપરા સાથે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. વિરમગામ ટાઉન પોલીસે શૈલેષની ધરપકડ કરી તથા આરોપી મિહીર સીતાપરાની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. હાલમાં આ મહિલા કાઉન્સિલરનો પતિ મિહીર ફરાર હોવાનું કહેવાઈ રહ્યું છે.