અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સિદ્ધિ ફ્લેટમાં બીજા માળે આવેલા ઘરમાં આગ લાગવાની ઘટના બની છે. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બીજા માળે ઘરમાં આગ લાગતા બીજા માળ તેમજ ત્રીજા માળે રહેતા લોકો ધાબા પર દોડી ગયા હતા. જોકે એક મકાનમાં અશક્ત વૃદ્ધ બહાર ન નીકળી શકતા અંદર જ જીવતા ભુંજાઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની તેમજ ધાબા પર ફસાયેલા લોકોને રેસ્કયુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. હાલમાં આગ કાબૂમાં આવી ગઈ છે.
પરિવાર કામથી બહાર ગયો અને ઘરમાં આગ લાગી
મળતી માહિતી મુજબ સાંજે 5.30 આસપાસ વેજલપુર વિસ્તારમાં સિદ્ધિ ફ્લેટમાં બીજા માળે આવેલા એક મકાનમાં આગ લાગી હોવાનો કોલ ફાયરબ્રિગેડને મળતાં પ્રહલાદનગર ફાયરબ્રિગેડ સ્ટેશનની ગાડીઓ રવાના કરવામાં આવી હતી. આગના આ બનાવમાં એક 58 વર્ષના અશક્ત વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આગ સમયે પરિવાર કામથી બહાર ગયો હોવાથી તેમને કોઈ બચાવી શક્યું નહોતું. જોકે ફાયરબ્રિગેડની ટીમની ભારે જહેમત બાદ આખરે આગ કાબૂમાં આવી ગઈ હતી.
અશક્ત વૃદ્ધ પલંગમાં જ ભડથું થઈ ગયા
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ વેજલપુર વિસ્તારમાં સિધ્ધી ફ્લેટમાં લાગેલી આગમાં 58 વર્ષીય જીવણ ભાઈ સોલંકી નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. જીવણભાઈ પોતાના પરિવાર સાથે રહેતા હતા. જીવણભાઈ પોતે શારિરીક રીતે અશક્ત હોવાથી ઘરમાં જ રહેતા હતા. આજે પરિવાર કોઈ કામ અર્થે બહાર ગયો હતો અને જીવણભાઈ પોતે ઘરે એકલા હતા ત્યારે ઘરમાં આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે ઘરમાં આગ તરત જ ફેલાઇ ગઇ હતી. કોઈ વ્યક્તિ અંદર જઈ શકે તેવી હાલતમાં ન હોવાથી તેઓને બચાવી શકવા કોઈ જઇ શક્યુ ન હતું. જેમાં જીવણભાઈનું દાઝી જવાથી મૃત્યુ થયું હતું.
મૃતક વૃદ્ધની ડેડબોડી પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ
હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા મૃતક વૃદ્ધની ડેડબોડીને એમ્બ્યુલન્સમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવી છે. પોલીસ પણ આ મામલે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ કયા કારણોસર લાગી હતી તે જાણવા માટે પણ એફએસએલને બોલાવવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.