અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બાકી ટેક્સ ધારકો પાસેથી ટેક્સ રિકવરી માટે મેગા રિકવરી અને સિલિંગ ઝૂંબેશ છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે, પરંતુ આ મેગા ઝૂંબેશ અંતર્ગત નાગરિકોએ એડવાન્સ ટેક્સ ભરેલો છે અથવા ચાલુ વર્ષનો ટેક્સ ભરેલો છે. છતાં પણ તેમની મિલકતને સીલ મારી દેવામાં આવે છે. ટેક્સ ભરેલો હોવા છતાં પણ મિલકત સીલ થતાં નાગરિકોની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે, ત્યારે AMCના આ બેદરકાર કર્મચારીઓ અને અધિકારીઓના કારણે નાગરિકોને હાલાંકી પડે છે, તેવો એક કિસ્સો શહેરના વટવા વિસ્તારમાં સૈયદ વાડીમાં બન્યો છે. જેમાં એક મહિલા ડોક્ટરે એડવાન્સ ટેક્સ ભર્યો હોવા છતાં પણ તેમના દવાખાનાને સીલ મારી દીધું હતું. જ્યારે મહિલાએ આ મામલે રજૂઆત કરી તો તેમને સોરી કહી અને હવે સીલ તોડી ફરી દવાખાનું ખોલી દો એમ કહી દીધું હતું.
દવાખાનું સીલ કરીને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડાયું- મહિલા ડોક્ટર
વટવા વિસ્તારમાં આવેલા સૈયદવાડીમાં મનન કોમ્પ્લેક્સમાં એકતા ક્લિનિક નામે ડો. શમા શેખ ક્લિનિક નામે પોતાનું દવાખાનું ચલાવે છે. ટેક્સ વિભાગ દ્વારા ચાલતી સિલિંગ ઝૂંબેશ અંતર્ગત ટેક વિભાગના અધિકારીઓ વહેલી સવારે આવી અને તેમના દવાખાનાને સીલ મારી દીધું હતું. આ ઉપરાંત કોમ્પ્લેક્સમાં અન્ય બેથી ત્રણ જેટલા દુકાનોને પણ સીલ મારી દીધું હતું. ડો. શમા શેખે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ અમે પૂરેપૂરો ભરીએ છીએ અને રેગ્યુલર ભરીએ છીએ. છતાં પણ આવી રીતે અમારી મિલકતને સીલ મારી દે છે. ટેક્સ ભરેલો હોવા છતાં પણ મિલકતને સીલ મારવામાં આવે છે, ત્યારે અમારી પ્રતિષ્ઠાને નુકસાન થાય છે. અધિકારીઓ અને કર્મચારીઓને જ્યારે સિલિંગ માટે મોકલવામાં આવે તો તેઓને પૂરેપૂરી માહિતી સાથે મોકલવામાં આવે જેથી અન્ય કોઈ નાગરિકોને આવી તકલીફ ન પડે.
ટેક્સ વિભાગની બેદરકારીના કિસ્સા સામે આવતા રહે છે
થોડા દિવસ પહેલાં શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક દુકાનદારનો માત્ર 1900 રૂપિયાનો ટેક્સ બાકી હતો. છતાં પણ ટેક્સ રિકવરીના નામે દુકાનને સીલ કરી દેવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. ગોમતીપુર વોર્ડના કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા આમ અમને કમિશનરને પત્ર લખી અને આવી રીતે ટેક્સ જેનો પે થયેલો છે અને ચાલુ વર્ષનો બાકી હોય છતાં પણ સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમાં ધ્યાન આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. જ્યારે નવરંગપુરા વિસ્તારમાં પણ આ જ રીતે પશ્ચિમ ઝોનના ટેક્સ વિભાગ દ્વારા જે બ્લોકમાં ટેક્સ બાકી હતો, તે મિલકતને સીલ કરવાની જગ્યાએ બીજા જગ્યાએ આવેલા બ્લોકમાં બેંકને સીલ મારી દીધી હતી. આ રીતે ઘણા એવા કિસ્સા રોજના બને છે. જેમાં જેનો ટેક્સ બાકી ન હોય, એડવાન્સ ટેક્સ ભરાયેલો હોય છતાં પણ તેની મિલકતને સીલ કરી દેવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.