અમદાવાદમાં કોરોનાનો કહેર:બે દિવસમાં કોરોના સંક્રમિત થયેલા 30માંથી 70 ટકા લોકો રાજ્ય બહાર ફરીને આવ્યા હતા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુરુવારે પણ ઇસનપુરની દેવ કેસલના 20 મકાનને કન્ટેઇનમેન્ટમાં મૂકવામાં આવ્યા હતા. - Divya Bhaskar
ગુરુવારે પણ ઇસનપુરની દેવ કેસલના 20 મકાનને કન્ટેઇનમેન્ટમાં મૂકવામાં આવ્યા હતા.
  • 2 જ નવા કેસ નોંધાતા ત્રીજા દિવસે રાહત
  • કોરોના વાઇરસ ગયો નથી, હજુ પણ લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ જેવી સાવધાની રાખવી જરૂરી
  • મોટેરામાં આવેલી સંપાદ રેસિડેન્સીના 20 મકાન માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુકાયાં

બુધવાર અને ગુરુવારના બે દિવસમાં કોરોનાના 30 કેસ નોંધાતા મ્યુનિ.એ સંક્રમિતોની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા જાણવા મળ્યું હતું કે, જે લોકોને ચેપ લાગ્યો છે તેમાંથી 70થી 80 ટકા ગોવા, સિક્કિમ, જયપુર સહિતના શહેરોમાં ફરીને આવ્યા હતા. બીજી તરફ શુક્રવારે કોરોનાના માત્ર બે નવા કેસ નોંધાતા રાહત થઈ છે. જોકે ગુરુવારે ઇસનપુરના એક રહેણાંક વિસ્તાર પછી શુક્રવારે મોટેરામાં આવેલા સંપાદ રેસિડેન્સીના સી-બ્લોકને કન્ટેઇનમેન્ટમાં મુકવાનો મ્યુનિ. આરોગ્ય વિભાગે નિર્ણય લેવાે પડ્યો છે.

શહેરમાં દિવાળી બાદ અચાનક 10 અને 11 નવેમ્બરે કોરોનાના અનુક્રમે 16 અને 14 કેસ નોંધાયા હતા. લાંબા સમય પછી કેસ ડબલ ડિજિટમાં આવતા મ્યુનિ. આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું હતું અને સંક્રમિતોની હિસ્ટ્રી તપાસવામાં આવી હતી. આ 30 સંક્રમિત લોકોની તપાસ પરથી જાણવા મળ્યું હતું કે, આમાંથી 70 ટકા લોકો એવા હતાં જેઓ રાજ્ય બહાર ફરવા ગયા હતા અને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ગુરુવારે કોરોના પોઝિટિવ આવેલા 14 દર્દીમાંથી એક જ પરિવારના 6 લોકો રાજસ્થાનના જયપુરથી ફરીને પરત આવ્યા હતા. આ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. મ્યુનિ. આરોગ્ય વિભાગે તકેદારીના પગલા રૂપે સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને શોધવાનું શરૂ કરી દીધું છે.

વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોવાથી BRTS, AMTS, મ્યુનિ. ઓફિસો સહિતનાં સ્થળોએથી 5 હજારને પાછા મોકલાયા
મ્યુનિ.ની તમામ કચેરીઓ, બીઆરટીએસ - એએમટીએસ, કાંકરિયા લેકફ્રન્ટ, તમામ ગાર્ડન, સ્વિમિંગ પુલ, સ્પોર્ટસ કોમ્પલેક્સ, સિટી સિવિક સેન્ટર પર પણ જે નાગરિકોએ વેક્સિનનો બે ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આ‌વ્યો હતો. જેથી સવારથી જ ચેકિંગ કરી વેક્સિનનો બીજો ડોઝ નહીં લેનાર 5 હજાર લોકોને પાછા કઢાયા હતા.

અહીંથી આટલાને પરત મોકલાયા

કાંકરિયા લેકફ્રન્ટ545
મ્યુનિ. ગાર્ડન2000
બીઆરટીએસ2000
એએમટીએસ361

રોજિંદા ટેસ્ટ વધારીને 8 હજાર કરવામાં આવ્યા

મોટેરા ભાટ ખાતે આવેલા સંપાદ રેસીડન્સીના બ્લોક - સીના 20 મકાનોને મ્યુનિ.એ માઇક્રો કન્ટેઇનમેન્ટમાં મુક્યા છે. અહીં 76 લોકો રહે છે. દરમિયાન દિવાળી પહેલા રોજના 2500 ટેસ્ટ કરવામાં આ‌વતાં હતા. જોકે દિવાળી બાદ બે દિવસ કેસ વધતાં મ્યુનિ.એ ટેસ્ટિંગની સંખ્યા વધારીને 8 હજાર કરી છે.

રસી લેનારાએ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું નહીં
ગુરુવારે પોઝિટિવ આવેલા 14 દર્દીમાંથી 10એ રસીના બંને ડોઝ લીધા હતા જ્યારે અન્ય ચારે માત્ર એક ડોઝ લીધો હતો. રસીને કારણે આ દર્દીઓમાં ઇમ્યુનિટી વધી હોવાથી કારણે તેઓ હોમ આઇસોલેશનમાં જ સારવાર મેળવી રહ્યા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી. વેક્સિનના બંને ડોઝ મેળવ્યા હોવા છતાં પણ લોકોએ હજુ પણ પૂરતી સાવધાની લેવાની જરૂર છે.

હવે દરેક વોર્ડમાં ફરીથી સંજીવની વાન દોડાવાશે
કન્ટેઈનમેન્ટ ઝોન તથા હોમ આઇસોલેશનમાં રહેલા કોરોના દર્દીઓની તપાસ માટે તેમજ શહેરમાં વિવિધ સ્થળે કોરોના ટેસ્ટિંગ તથા દવાઓ માટે ફરીથી સંજીવની વાનને તમામ વોર્ડમાં દોડાવવાની યોજના છે. સંજીવની વાનના તબીબો તેમજ નર્સિંગ સહિતના મેડિકલ સ્ટાફના કર્મચારીઓ હોમ આઇસોલેશનમાં રહેલા કોરોનાના દર્દીઓની રોજ મેડિકલ તપાસ કરી જરૂરી દવાઓ પણ પહોંચાડશે.

એસવીપીમાં કોરોનાના બે દર્દી દાખલ
એસવીપી હોસ્પિટલમાં લાંબા સમયથી કોરોનાના તમામ દર્દીઓને રજા આપ્યા બાદ ફરીથી તેને નોનકોવિડ હોસ્પિટલ તરીકે ધમધમતી કરવામાં આવી હતી. જોકે ફરી એક વખત કેલાક દિવસ પહેલા 71 વર્ષના વૃદ્ધ અને 53 વર્ષના આધેડને કોરોનાની સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ બે કેસ આવતા એસવીપીમાં ફરી એક વાર કોરોના વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...