ખબરદાર જમાદાર:આ પોલીસ કમિશનરની કચેરીમાં ચા કરતાં તો કીટલી ગરમ, ક્યાંક વ્યાજખોરોને રિમાન્ડથી બચાવવા વહીવટદારો સક્રિય

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર રાજ્યના પોલીસબેડામાં ચાલતી ગપસપને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવાનો પ્રયાસ એટલે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો એક પ્રયાસ કરાયો છે.

સામાન્ય રીતે એવું કહેવાય છે કે મોટા માણસો કરતા તેના ચાપલુસોનો પાવર વધારે હોય છે. આવું જ કંઈક અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં પણ છે કારણ કે અહીં ચા કરતાં કીટલી ગરમ હોય તેવી વાત જોવા મળે છે. સ્વાભાવિક છે કે કમિશનર સાહેબની ઓફિસમાં રોજબરોજ કેટલાય પોલીસ અધિકારીઓ મળવા જાય. હવે આ મુલાકાતીઓને એક પોલીસ અધિકારીનો પીએ બારોબાર જ... સાહેબ આવું જ કહેશે અને સાહેબ આમ જ કરશે તેમ કરીને કાઢી મૂકે છે. જ્યારે પોતે અધિકારીનો પીએ હોવાથી ઘણા કામ બારોબાર કરતો હોવાનું પણ ચર્ચામાં રહ્યું છે.

એક અધિકારીનો પીએ પોતાને જ સાહેબ સમકક્ષ સમજે છે
ઘણા સમયથી એક જ જગ્યાએ કામ કરતા આ પીએને સાચવવાની હવે તો અધિકારીને પણ ફરજ પડી રહી છે અથવા જેમ તેમ કરીને ધક્કો મારી રહ્યા છે. કારણ કે થોડા સમય પહેલા એક બિલ્ડરનો માણસ સાહેબને મળવા આવ્યો હતો. હવે આ પીએએ બારોબાર જ તમારું કામ નહીં થાય કહીને તેમને રવાના કરી દીધા હતા. આ મામલો જ્યારે અધિકારી પાસે ગયો તો તેમણે પણ મૌન સેવી લીધું હતું. નિવૃત્તિની ઉંમર વટાવનારા હવે IPSના પરિચિતને ઓળખતા પણ નથી પણ આ આધિકારીની મજબૂરી છે કે મુસીબત તે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

પોલીસ સ્ટેશન બને તે પહેલાં PI નક્કી થઈ ગયા
અમદાવાદ શહેરમાં એક નવું પોલીસ સ્ટેશન બનવાનું છે, જે માટે ઘણા લોકો ત્યાં બિરાજમાન થાય તેના પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ પોલીસ સ્ટેશન હજી કમુરતા પછી શરૂ થશે, પરંતુ તેના પોલીસ ઈન્સ્પેક્ટર તો પહેલા જ નક્કી થઈ ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. એક અધિકારીએ PIને આ પોલીસ સ્ટેશનમાં તારું નક્કી છે કહીને લાકડાનો લાડુ ખવડાવી દીધો છે અને હજી તો પોલીસ સ્ટેશન બન્યું નથી ત્યાં તો PIનો તાજ આ પોલીસ અધિકારીના શિરે આવશે તેવી વાતો કરતા થઈ ગયા છે. હવે આ PIને કમુરતા પછી સારું મુહૂર્ત મળે છે કે પછી શેખચલ્લી જેવી વાત થશે તે ચર્ચામાં છે.

વ્યાજખોરોને જામીન અપાવવા વહીવટદારો સક્રિય
રાજ્ય સરકારના આદેશથી પોલીસે વડોદરામાં વ્યાજખોરો સામે ફરિયાદો સાંભળવા લોક દરબારનું આયોજન કર્યું. જેથી વ્યાજખોરીથી પીડિત લોકો સામે આવી ફરિયાદ નોંધાવી રહ્યા છે અને પોલીસ વ્યાજખોરો પર સકંજો કસી રહી છે. ત્યારે બીજીતરફ આવા વ્યાજખોરો માલદાર હોવાથી તેમને રિમાન્ડથી બચાવવા અને જામીન અપાવવા માટે વહીવટદારો સક્રિય થયા છે. ત્યાં સુધી કે કેટલાક વહીવટદારોનો એવા વ્યાજખોરો સામેથી સંપર્ક કરી રહ્યા છે જેમની સામે ફરિયાદ થવાની આશંકા છે. જેથી તેઓ પણ પોતાનું અગાઉથી લોબિંઇગ કરવા લાગ્યા છે. જેથી જો તેમને પોલીસ ફરિયાદનો સામનો કરવાનો વારો આવે ત્યારે જામીન પર છૂટવામાં સરળતા રહે.

પોલીસની બેદરકારીથી PI તો ગયા, હવે બીજાનો વારો!
રાજકોટના એક પોલીસ વિસ્તારમાં તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નકલી વિદેશી દારૂ બનાવવાનું ગોડાઉન પકડી પડ્યું હતું. જેમાં 3099 દારૂની બોટલો મળી હતી. ઉપરાંત રમ અને વોડકા ફલેવર ઉમેરી સ્પીરીટ સાથે ભેળસેળિયો કે નકલી વિદેશી દારૂ બનાવાતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જેમાં પોલીસની બેદરકારી ખુલી હતી. જેને લઈ ડી.જી. કક્ષાએથી PI પર કોઈ પગલાં લેવાય એ પૂર્વે કમિશનર સાહેબે PIને સસ્પેન્ડ કરી દીધા. હવે PI બાદ હવે ડી સ્ટાફના અધિકારી કર્મચારી સામે પણ કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

લો બોલો, ટોળું પોલીસ સ્ટેશન માથે લે ને કોઈ ફરિયાદ નહીં
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અગાઉ એક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુટલેગર કવિને ત્યાં એજન્સીના બે-બે દરોડા પડ્યા. આ પછી મસમોટુ રેકેટ પકડ્યું હતું. છતાં ત્યાં સ્થાનિક લેવલે સબ સલામત જેવું રહ્યું. પોલીસ મથકમાં જ પોલીસ પર આક્ષેપોના વીડિયો વાઇરલ થયા હતા. આમ છતાં પોલીસ સ્ટેશન માથે લેનારા ટોળા સામે ફરજ રૂકાવટ કે અપશબ્દો કહ્યાની પોલીસને બદનામ કર્યાની ફરિયાદ નોંધાઈ ન હતી કે ના તો પોલીસ પર કોઈ એક્શન લેવામાં આવ્યા. ત્યારે 3 મહિનાથી જ ચાર્જ સંભાળેલ PIને દારૂની ફેક્ટરી જ નડી ગઈ કે પછી છાનેખૂણે શરૂ થયેલ બાયોડીઝલમાં આનાકાની થતાં સસ્પેન્ડ કરવામાં આવ્યાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે.

વ્યાજખોરી જ ધંધો છે તેવા કોઈને પકડ્યા નથી
રાજ્યમાં પોલીસે વ્યાજખોરો સામે સકંજો કસ્યો હોવાનો દાવો કરી રહી છે. પરંતુ આ કામમાં પોલીસ માત્ર નાની માછલીઓને જ પકડી રહી છે. ખરેખર જે લોકો ઊંચા વ્યાજ સાથે મારઝૂડ અને ધમકીઓ આપે છે તેવાના કોલરો સુધી પોલીસનો હાથ પહોંચતો નથી. આટલા મોટા પાયે ચાલી રહેલી વ્યાજખોર સામેની મુહિમમાં અનેક એવા કુખ્યાત ગેંગ ધરાવનાર ના સાગરીતો અને તેના આકાઓ કે જેનું વ્યાજખોરી જ ધંધો છે તેવા કોઈ જ વ્યક્તિ પોલીસે પકડ્યા નથી. આવું કેમ તે પણ ચર્ચામાં છે.

વ્યાજખોરોનો દાવો, સાહેબોના રૂપિયા બજારમાં ફરે છે
વ્યાજખોરીનાં ધીકતા ધંધાને લઇ એવું ચર્ચાઈ રહ્યું છે કે અનેક મોટા માથાઓ સાથે અધિકારીઓની છુપી ભાગીદારી જોવા મળી છે. આમા ઘણા અધિકારી અને કર્મચારીઓના રૂપિયા વ્યાજ પર ફેરવવામાં આવ્યા છે. શહેરમાં કુખ્યાત છાપ ધરાવનાર અને જુદી જુદી પ્રકારની ગેંગો ચલાવનાર આકાઓ સાથે અધિકારીઓના લાખો રૂપિયા પણ વ્યાજ પર આપવામાં આવ્યા છે. જેને લઇ આવા આકાઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી. આ મોટા માથાઓમાં શહેરના ઉદ્યોગપતિઓ પણ સામેલ છે અને અનેક મોટા રાજકારણીઓના રૂપિયા હોવાનું કહેવાય છે. હાલ માત્ર નાની નાની માછલીઓને પકડી મોટી વાહવાઈ મેળવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...