તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Xerox Shop Allotted To Divyang In Ahmedabad RTO, Agents Rule, Work With Officials In Setting Up Licenses, Insurance And RC Books.

DB સ્ટિંગ:અમદાવાદ RTOમાં દિવ્યાંગને ફાળવેલી ઝેરોક્સની દુકાનમાં એજન્ટોનું રાજ, અધિકારીઓ સાથે સેટિંગ કરીને લાઇસન્સ, વીમો અને RC બુકનાં કામ કરે છે

અમદાવાદ25 દિવસ પહેલા
દિવ્યાંગની ઝેરોક્સની દુકાનમાં એજન્ટોનો દબદબો.
  • એક દિવ્યાંગ વ્યક્તિને ફાળવેલી દુકાનમાં માત્ર એજન્ટો જ દેખાયા, પણ દિવ્યાંગ એકેય નહોતો
  • RTOના 100 મીટરના વિસ્તારમાં એજન્ટો પર પ્રતિબંધ, પણ આ તો RTOની અંદર જ એજન્ટોનું રાજ

અમદાવાદમાં સુભાષબ્રિજ પાસેની મુખ્ય RTO કચેરીમાં લોકો પોતાના લાઇસન્સ, RC બુક, નંબર પ્લેટ, ફિટનેસ સર્ટિ. અને વીમા જેવાં અનેક કામો લઈને આવતા હોય છે. લોકોને આ કામોમાં સરળતા રહે એ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, પરંતુ એમાં અવારનવાર સર્વર ડાઉન થઈ જતાં લોકોને આખરે રૂબરૂ કચેરીએ આવવું પડે છે. લોકોનો કેટલીક વાર આખો દિવસ આ કામમાં નીકળી જાય છે. તેમ છતાં લોકો લાઈનોમાં ઊભા રહીને તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરીને તેમના જરૂરી લાઇસન્સ કે અન્ય વસ્તુ મેળવતા હોય છે.

લોકો પાસેથી ઊંચા દર વસૂલીને કામ કરી આપે છે
લોકો પહેલા એજન્ટોને કામ સોંપતા હતા, પરંતુ એજન્ટોને RTO કચેરીમાં બિલકુલ પ્રવેશ અપાતો નથી. જેથી હવે લોકોએ જાતે જ જવું પડે છે. બીજી તરફ RTO કચેરીની અંદર દિવ્યાંગ માટે ઝેરોક્સ માટેના સ્ટોર ફાળવવામાં આવ્યા છે, જેમાં તેમને ઝેરોક્સ અને પ્રિન્ટ આઉટ જેવાં કામો કરવા માટેની જ મંજૂરી આપવામાં આવેલી છે, પરંતુ ત્યાં RTOની નજર સમક્ષ એજન્ટોના ગોરખધંધા ચાલી રહ્યા છે. RTOની 100 મીટરની હદમાં એજન્ટો ન હોવા જોઈએ ત્યારે આ તો RTOમાં અંદર બેસીને એજન્ટો સેટિંગથી તમામ કામો કરી રહ્યા છે અને સામાન્ય લોકો પાસેથી એના ઊંચા દર વસૂલે છે.

અધિકારીઓ સાથે સેટિંગ કરીને એજન્ટો પડદા પાછળ લોકોનું કામ કરી આપે છે.
અધિકારીઓ સાથે સેટિંગ કરીને એજન્ટો પડદા પાછળ લોકોનું કામ કરી આપે છે.

સરકાર દ્વારા દિવ્યાંગોને મદદ માટે 2 સ્ટોર અપાયા
અમદાવાદની મુખ્ય RTO કચેરીના જૂના બિલ્ડિંગના પ્લોટમાં સરકાર દ્વારા દિવ્યાંગોને મદદ માટે 2 સ્ટોર અપાયા છે, જેમાં તેઓ ઝેરોક્સ મશીન રાખીને તે પૂરતા જ કામ કરી શકે એ શરતે જ આ સ્ટોર આપવામાં આવ્યા છે. આ સ્ટોર એટલે એક કેબિન, જેમાં માંડ 1 વ્યક્તિ ઊભી રહી શકે. ત્યારે હકીકત તો કંઈક અલગ જ સામે આવી છે. આ ઝેરોક્સ સ્ટોર નિયમ અનુસાર દિવ્યાંગ સંચાલિત હોવો જોઈએ. ત્યારે દિવ્યભાસ્કરે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં વાસ્તવિકતા કંઇક અલગ જ સામે આવી છે, જેમાં આ સ્ટોર પર 5 વ્યક્તિનો જમાવડો જોવા મળ્યો હતો.

RTOમાં જઈને મારું નામ આપજો, કામ ઝડપથી થશે
તેઓ અંદર બેઠા બેઠા તમામ RTOનાં કામ એજન્ટ બનીને કરી રહ્યા હતા. આશ્ચર્યજનક વાત એ છે કે આ 5માંથી કોઈ દિવ્યાંગ વ્યક્તિની હાજરી નહોતી. તમામ સામાન્ય વ્યક્તિ RTOના એજન્ટ બનીને લાઇસન્સ, વીમો, નંબર પ્લેટ અને અન્ય કામો કમિશનના આધારે કરી રહ્યા હતા. તેઓ ગેરંટી પણ આપતા હતા કે 10 મિનિટમાં ટૂ-વ્હીલરનો વીમો કરાવી આપીશ અને RTO કચેરીમાં જઈને મારું નામ આપશો તો લાઇસન્સ પણ ઝડપથી થઈ જશે. તેમણે કહ્યું હતું કે એક ફોર્મ આપું એટલે અંદર એ ભાઈ સમજી જશે.

સામાન્ય લોકો RTOમાં કામ માટે ધક્કા ખાય, પણ એજન્ટો ઊંચા દર વસૂલી કામ કરી આપે છે.
સામાન્ય લોકો RTOમાં કામ માટે ધક્કા ખાય, પણ એજન્ટો ઊંચા દર વસૂલી કામ કરી આપે છે.

લાઈનમાં ઊભા રાખ્યા વગર તમામ કામ કરી આપીશું
RTOમાં પોલીસ અવારનવાર એજન્ટોને પકડીને લઈ જતી હોય છે. ત્યારે આવા એજન્ટો કોની રહેમનજર હેઠળ જાહેરમાં કામ કરી રહ્યા છે એ સવાલ ઊભો થાય છે. દિવ્યાંગના નામે ચાલતી આ ઝેરોક્સની દુકાન હવે આ એજન્ટોનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. આ રીતે જો આ કાર્ય ચાલતું હોય તો સમજી શકાય છે કે આમાં કેટલાક અધિકારીઓ અને ક્લાર્કની પણ મિલીભગત હોય શકે છે. આ લોકો દાવો કરી રહ્યા છે કે અમે તમને લાઈનમાં ઊભા રાખ્યા વગર તમામ કામ કરી આપીશું.

અધિકારીઓ સાથે સેટિંગ થઈ જાય છે
બીજી તરફ, સામાન્ય ગરીબ વર્ગના લોકો પોતાની નોકરી મૂકીને લાઈનોમાં ઊભા રહીને અવારનવાર ધક્કા ખાય ત્યારે તેમનાં કામ થાય છે અને અહીં પૈસાની લાલચમાં આવીને અધિકારીઓ અને ક્લાર્ક પણ આવા એજન્ટોની સેવામાં લાગી જાય છે. RTO દ્વારા અનેકવાર દાવા કરવામાં આવે છે કે અમારી કચેરીમાં એજન્ટોને સ્થાન નથી, તેઓ દ્વારા કોઈ કામ અમે નથી કરતા. ત્યારે હવે આ બાબતે RTO કોઈ પગલાં લેશે કે કેમ એ પણ એક સવાલ છે.