મોદીની સત્તાના 20 વર્ષ:નરેન્દ્રભાઈએ પહેલી જ મીટિંગમાં ધડાકો કર્યો- 'હવે બધું બદલાઈ રહ્યું છે, કામ નહિ કરો તો ડ્રોપ થશો'

અમદાવાદ12 દિવસ પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • ટેબલ પર ફાઈલ નહીં, પણ લોકોની લાઇફ પડી છે એ રીતે એને ટ્રીટ કરવાનો અભિગમ મોદીએ શીખવ્યો
  • જે યોજનાનું ખાતમુહૂર્ત કરીશું એનું ઉદઘાટન પણ આપણે જ કરીશું... એ મોદીનો મૂળ મંત્ર રહ્યો છે

3 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાત સરકારના સિનિયર મંત્રી નીતિન પટેલ એરપોર્ટ પર ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી નરેન્દ્ર મોદીને રિસીવ કરવા રાહ જોતા ઊભા હતા. પ્લેનમાંથી ઊતરીને મોદીને નીતિનભાઇ ગાંધીનગર લઇ ગયા અને પછી 7 ઓક્ટોબરે નરેન્દ્ર દામોદરદાસ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. એ વાતને આજે બરાબર 20 વર્ષ થયાં. સંગઠનમાં માહેર ગણાતા મોદી એ વખતે પાવર પોલિટિક્સમાં "નવા નિશાળિયા" હતા. ગાંધીનગરની ફાઇલોની દુનિયા તેમના માટે સાવ નવી નહોતી એ સાચું, પણ એમાં અનુભવની 'ઓછપ' જરૂર હતી.

સીએમથી પીએમ સુધીની મોદીની સફરને આજે બે દાયકા થયા. મોદીના પહેલા મંત્રીમંડળમાં અનુભવી મંત્રીઓની હારમાળા હતી, એકમાત્ર "બિનઅનુભવી" હતા નરેન્દ્ર મોદી. મોદીની આ લાંબી અને ઐતિહાસિક સફરની શરૂઆતના 9 સાથીદાર (કેબિનેટ મંત્રીઓ) હતા. એક અત્યારે રાજ્યપાલ(આનંદીબેન) છે, એક કેન્દ્રીય મંત્રી(પુરુષોત્તમ રૂપાલા) છે અને એક(ફકીરભાઈ વાઘેલા)નું નિધન થઈ ચૂક્યું છે, તો કાનજી પટેલ રાજકારણમાં સક્રિય નથી. જ્યારે નીતિન પટેલ અને કૌશિક પટેલ હાલ ધારાસભ્ય છે. શું હતું મોદીનું વિઝન? કેવી હતી તેમની કામ કરવાની પદ્ધતિ. એ વખતના 4 મંત્રી સાથે દિવ્ય ભાસ્કરએ વાત કરી. એ મંત્રીઓએ મોદીસ્ટાઇલને નજીકથી જોઈ અને જોતજોતાંમાં મોદી તેમની આંખો સામે ઇતિહાસ લખવા માંડ્યા ત્યારે તેમને અહેસાસ થયો. વાંચો બે દાયકા પહેલાંના મોદીની ફાઇલોની દુનિયાની એ વાતો... મંત્રીઓના મુખે...

કટ ટુ મોદીઝ ફર્સ્ટ કેબિનેટ. એ વખતના પાણીપુરવઠા મંત્રી નરોત્તમ પટેલ કહે છે...
'અત્યારસુધી તમે બધા નસીબદાર છો, કામ કરવાનું ન ફાવે તો રાજીનામું આપી દેજો'
મોદી ચૂપચાપ મંત્રીઓની વાત સાંભળતા હતા. બધાની વાત સાંભળી લીધા પછી નરેન્દ્રભાઇએ કહ્યું, અત્યારસુધી તમે બધા ખૂબ નસીબદાર છો. કામ કરવાની બહુ મજા આવી હશે, પરંતુ હવે એ કાર્યપદ્ધતિને બદલવામાં આવશે. જો તમને કામ કરવાનું ફાવે તો કરજો, નહિ તો રાજીનામું આપી દેજો, કારણ કે હવે સરકારની કામ કરવાની પદ્ધતિમાં મોટો ફેરફાર થવાનો છે. તમે પોતે જ પદ છોડી દેજો અથવા તો હું તમને ડ્રોપ કરી દઈશ. આ પ્રકારે કોઈ મુખ્યમંત્રીને પહેલીવાર મંત્રીઓની સામે બોલતા જોયા હતા. મંત્રીઓની માત્ર લાઇટવાળી ગાડીઓમાં ફરીને સિક્યોરિટી ગાર્ડ સાથે ચાલીને લોકોમાં એક ઇમેજ ઊભી કરવાની માનસિકતા હતી, પરંતુ નરેન્દ્રભાઈ એનાથી દૂર રહેતા હતા.

'નરેન્દ્રભાઈ અદભુત વ્યક્તિ, તેમને સમજવા બહુ અઘરા'
નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે હું તેમની કેબિનેટમાં 12 વર્ષ સુધી મંત્રી રહ્યો છું. નરેન્દ્રભાઈ સાથે કામ કરવા દરમિયાન તેમની સાથેના અનુભવો એ જીવનભરની મૂડી સમાન બની રહ્યા. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈની જાહેરાત થઇ ત્યારે અમે સૌ વિચારમાં પડ્યા હતા કે સંગઠનનો આ માણસ એકાએક વહીવટમાં આટલા મોટા પદ પર આવી રહ્યો છે તો કેવી રીતે કામગીરી થશે, પરંતુ નરેન્દ્ર મોદીનુંઅદભુત વ્યક્તિત્વ છે અને તેમને સમજવા ખૂબ જ અઘરા છે. તેઓ તેમની કામગીરીને લઇને ખૂબ જ સ્પષ્ટ રહે છે. તેમના જીવનનો એક જ મંત્ર છે "હાર્ડવર્ક અને લોકસેવા."

નીતિનભાઈ નેક્સ્ટ.. જેઓ મોદી વિશે જણાવે છે
'લોકો નરેન્દ્રભાઈને કહેતા કે હું કેશુભાઈ સાથે છું, એટલે સહયોગ નહીં આપું'
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી તરીકે નક્કી થયા બાદ પહેલીવાર ગુજરાત આવ્યા ત્યારે તેમને રિસીવ કરવા હું એરપોર્ટ ગયો હતો અને તેમની સાથે જ અમે કેશુભાઈના બંગલે ગયા હતા, જ્યાં કેશુભાઈએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમણે પણ સરળતાથી સ્વીકારી આશીર્વાદ પણ આપ્યા હતા. નરેન્દ્રભાઈ મોદીની પ્રથમ સરકારની શપથવિધિની બધી જવાબદારી મને સોંપવામાં આવી હતી. મારા વિશે કેટલાક લોકોએ તેમને કહ્યું હતું કે નીતિનભાઈ કેશુભાઈ સાથે રહેલા છે, તેથી આપણને સહયોગ નહીં આપે, તેમ છતાં હું નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળમાં હતો.

નરેન્દ્રભાઈ ગુજરાતના સત્તાના રાજકારણમાં 1995થી સક્રિયઃ નીતિન પટેલ
નીતિન પટેલે ઉમેર્યું કે નરેન્દ્રભાઈ મોદી માટે ગુજરાત નવું નહોતું. એટલું જ નહીં, સરકાર શબ્દ પણ તેમના માટે નવો નહોતો. 1995માં ગુજરાતમાં સૌપ્રથમ વખત કેશુભાઈ પટેલની સરકાર બની એ સમયે પણ તેમની સક્રિય ભાગીદારી હતી. કેશુભાઈ પટેલની સરકારમાં પણ મંત્રીમંડળથી માંડીને બીજા વિષયોમાં સાથે જ હતા, તેથી નરેન્દ્રભાઈ સરકારની કામગીરીથી વાકેફ તો હતા જ. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા એ પહેલાંથી જ અમને બધાને જાણતા હતા, તેઓ સંગઠનમાં હોવા છતાં સરકાર સાથે હતા. એ સમયે પણ તેમનું માર્ગદર્શન મળતું હતું.

નાઉ ઓવર ટુ સુરેશ મહેતા... જેમણે જણાવી સામાન્ય સંબંધોની વાત
અટલજીએ મને કહેલું કે તેમને વહીવટી અનુભવ નથી, મદદ કરજો.' નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રી તરીકેની પ્રથમ સરકારમાં નંબર-2નું સ્થાન મેળવનાર સુરેશભાઈ મહેતાએ દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે તેઓ પ્રથમ વખત સીધા જ મુખ્યમંત્રી બન્યા હતા, તેથી પાર્ટીમાંથી અટલજીએ મને કહ્યું હતું કે નરેન્દ્રભાઈને વહીવટીનો અનુભવ નથી તો તેમને મદદ કરજો. નરેન્દ્ર મોદી સાથે મારા એકદમ સામાન્ય સંબંધો જ હતા, એનાથી વિશેષ કઈ નહીં.

આઈ.કે.એ કહી...અંદરની વાત
મોદી જેવા 'લિસનર' નહીં, કહેતા- આ ફાઈલો નહીં, લાઈફ છે. મોદીની પ્રથમ સરકારમાં આરોગ્ય અને પુરવઠામંત્રી આઈ કે જાડેજાએ જણાવ્યું હતું કે બધાને ધીરજ અને શાંતિથી સાંભળવાની આગવી કળા નરેન્દ્રભાઈ જેવી કોઈનામાં નથી. મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ સતત ચાર-પાંચ દિવસ સુધી તમામ મંત્રીઓ, અધિકારીઓ સાથે સચિવાલયમાં પાંચ-છ કલાક સુધી મીટિંગ કરતા. જોકે તેમનું વિઝન હતું કે વિકાસ એટલે માત્ર માળખાકીય જ નહીં, સામાજિક વિકાસ પણ જરૂરી છે, એટલે જ તેઓ અધિકારીઓ અને મંત્રીઓને કહેતા કે તેમના ટેબલ પર પડેલી છે એ ફાઈલો નથી, પરંતુ હકીકતમાં લોકોની લાઈફ છે. જે યોજનાનું ખાતમૂહુર્ત આપણે કરીએ એનું ઉદઘાટન પણ આપણે જ કરીશું.

અન્ય સમાચારો પણ છે...