• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Two Years Since Its Unveiling, The Statue Of Unity Has Attracted More Than 15,000 Visitors A Day, 50 Percent More Than New York Statue Of Liberty

દેશનું સૌથી લોકપ્રિય ટૂરિસ્ટ સ્પોટ:લોકાર્પણનાં બે વર્ષમાં જ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ખાતે રોજના 15 હજારથી વધુ પ્રવાસી આવે છે, ન્યૂયોર્કના ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’થી 50% વધુ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આર્કિયોલોજિકલ સર્વેના આંકડા મુજબ આવકની દૃષ્ટિએ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ તાજમહાલ સહિત ભારતનાં તમામ સ્મારકો કરતાં ઘણું આગળ
  • કોરોનાકાળમાં 7 મહિના સુધી બંધ રહ્યા બાદ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ખાતે 17 ઓક્ટો.થી 27 ઓક્ટો. સુધીમાં જ 10 હજાર પ્રવાસી આવ્યા

આજે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’પરથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પી છે, સાથે જ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતના સરદાર સરોવર ડેમ પાસે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ની લોકપ્રિયતા વિશ્વનાં અન્ય પ્રવાસન સ્થળો કરતાં અનેક ગણી વધી રહી છે. અમેરિકાના ન્યૂયોર્કસ્થિત વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી’ કરતાં પણ વધારે પ્રવાસીઓ હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. ભારત સરકારના આંકડાઓ અનુસાર, ગત માર્ચ-2020માં (કોરોનાકાળ પહેલાં) સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15,036 થઈ ગઈ હતી, જેની સામે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને જોવા દરરોજ સરેરાશ 10,000 પ્રવાસી જતા હતા.

લોકાર્પણનાં 2 વર્ષમાં જ સ્ટેચ્યૂની આવક 120 કરોડને પાર
31 ઓક્ટોબર 2018ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મૂકેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે 1 નવેમ્બર 2018થી લઈને 17 માર્ચ 2020 સુધીમાં દેશ-વિદેશના 43 લાખ પ્રવાસી આવ્યા હતા, જેમની પાસેથી પ્રાપ્ત કુલ આવકનો આંક રૂ. 120 કરોડની આસપાસ હતો. જોકે કોરોના મહામારીને પગલે 17 માર્ચથી 16 ઓક્ટોબર, 2020 એટલે કે 7 મહિના સુધી બંધ રહ્યા બાદ 17 ઓક્ટોબરથી ફરી શરૂ થતાં 27 ઓક્ટોબર સુધીમાં 10 હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાતે આવ્યા હતા.

પ્રવાસીઓની સંખ્યા સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતાં પણ વધારે
નર્મદા જિલ્લાની કેવડિયા કોલોનીમાં આવેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓની વધતી સંખ્યાને પગલે વધુને વધુ ચર્ચામાં રહેવા લાગ્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસમાં અન્ય વિવિધ પ્રકલ્પોને ખુલ્લા મૂકવાની જાહેરાત બાદ પ્રવાસીઓનો ધસારો સતત વધી રહ્યો છે. પ્રતિમાને 31 ઓક્ટોબર, 2018ના રોજ ખુલ્લી મૂક્યાના એક વર્ષમાં જ 24 લાખથી વધુ લોકોએ આ સ્થળની મુલાકાત લીધી છે. એ સમયે સ્ટેચ્યૂની વાર્ષિક આવક 63.69 કરોડ થઈ હતી. આ રેવન્યુ દેશના ટોપ-5 સ્મારક કરતાં ઘણી વધુ છે. આમ, 2019માં સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશમાં સૌથી વધુ આવક મેળવનારું સ્મારક બની ગયું હતું.

ભારતનાં 5 મુખ્ય સ્મારક કરતાં પણ સ્ટેચ્યૂ અગ્રેસર
આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) 2017-18ના આંકડા મુજબ, ભારતનાં 5 મુખ્ય સ્મારકમાં સૌથી વધુ રૂ. 56.83 કરોડની વાર્ષિક આવક તાજમહાલની હતી. આ દરમિયાન 64.58 લાખ લોકોએ તાજમહાલની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ બીજા ક્રમે આગરા ફોર્ટ હતો, જેની વાર્ષિક આવક રૂ. 30.55 કરોડ, ત્રીજા ક્રમે કુતુબ મિનાર, જેની વાર્ષિક આવક રૂ. 23.46 કરોડ, ચોથા ક્રમે ફતેહપુર સિક્રી, જેની વાર્ષિક આવક રૂ. 19.04 કરોડ અને પાંચમાં ક્રમાંકે લાલ કિલ્લો હતો, જેની વાર્ષિક આવક રૂ. 16.17 કરોડ હતી. જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષ પૂર્ણ થતા એટલે કે 31 ઓક્ટોબર 2018થી 31 ઓક્ટોબર 2019 દરમિયાન 24.45 લાખ લોકોએ મુલાકાત લીધી હતી અને એની વાર્ષિક આવક રૂ. 63.69 કરોડની હતી.

દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓની સંખ્યા ડબલ હતી

  • સરદાર પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબર 2018ના રોજ લોકાર્પણ કરાયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો વધ્યો.
  • ગત દિવાળીએ 2,91,640 પ્રવાસીએ મુલાકાત લીધી હતી, જે આંક અગાઉના વર્ષ કરતાં ડબલ હતો
  • 2018ની દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 14,918 પ્રવાસીની સામે 2019માં દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 22,434 પ્રવાસી નોંધાયા.
  • 1 નવેમ્બર 2018થી 31 ઓક્ટોબર 2019 સુધીમાં કુલ 27,17,468 પ્રવાસીએ મુલાકાત લીધી હતી.
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો ઉમેરાતાં પ્રવાસીઓની સંખ્યામાં વાર્ષિક 50.4% વધારો.
  • દેશમાં પ્રથમ વાર કેવડિયા ખાતે નાઈટ ટૂરિઝમ- રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠે છે.

કેવી રીતે જશો સ્ટેચ્યૂ ઓફ યુનિટી?
સ્ટેચ્યૂ ઓફ યુનિટી પહોંચવા માટે નર્મદાથી સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા એરપોર્ટ છે, જે 90 કિલોમીટરના અંતરે છે. વડોદરા એરપોર્ટ પરથી અન્ય રાજ્ય સાથે કનેક્ટેડ અનેક ડોમેસ્ટિક ફ્લાઈટ્સ છે. જો તમે ટ્રેનથી જવા માગતા હોવ તો નર્મદા જિલ્લા પાસે બ્રોડગેજ રેલવે કનેક્ટિવિટી છે, જેનું નજીકનું રેલવે સ્ટેશન અંકલેશ્વર છે. લોંગ રૂટ તથા મોટા સ્ટેશન સાથે કનેક્ટેડ ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશને ઊભી રહે છે. એ જિલ્લાનું કેન્દ્ર રાજપીપળાથી 65 કિ.મી.ના અંતરે છે.

આજથી શરૂ થઈ રહી છે સી-પ્લેન સેવા
31 ઓક્ટોબર(આજથી)ના રોજ અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેવડિયાથી સી-પ્લેન મારફત અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, સી-પ્લેનની ટિકિટ રૂ. 1500ની છે. સ્પાઈસજેટની વેબસાઈટ પરથી 30મીથી બુકિંગ શરૂ થશે. સી-પ્લેન શરૂ થતાં મુસાફરો અમદાવાદથી કેવડિયાની હવાઈ મુસાફરીનો આનંદ ઉઠાવી શકશે.