ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્યોમાં ભાજપના જ સભ્યોને જ સ્થાન આપવામાં આવ્યું, કોંગ્રેસના એક પણ વ્યક્તિને સિન્ડિકેટ બેઠકમાં સ્થાન મળ્યું નથી. જેથી હવે યુનિવર્સિટીમાંથી કોંગ્રેસનો દબદબો ઘટી ગયો છે, જેથી કોંગ્રેસના જ એક યુવાનેતાની ચાલી રહેલી કોલેજો પૈકીની એક કોલેજમાં ગુજરાત યુનિવર્સિટીએ ખાનગી સીટ ના આપતા હવે યુવાનેતાના ઈશારે NSUIએ યુનિવર્સિટી વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું છે.
3 કોલેજોની ગ્રાન્ટેડ સીટ વધારાઈ હતી
ગુજરાત યુનિવર્સિટીમાં MSCમાં સીટ વધારવા માટે કેટલીક કોલેજોએ મંજૂરી માંગી હતી, જેમાં 3 કોલેજની ગ્રાન્ટેડ સીટ વધારી આપવામાં આવી હતી. 3 કોલેજ પૈકી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને યુવાનેતા ઇન્દ્રવિજયસિંહ ગોહિલની પ્રેસિડન્ટ સાયન્સ કોલેજને પણ ગ્રાન્ટેડ સીટ આપવામાં આવી હતી, પરંતુ ખાનગી સીટ ના મળતા ગ્રાન્ટેડ સીટ પરત કરી હતી અને ખાનગી સીટ વધારી આપવામાં આવે તેને લઈને NSUI દ્વારા યુનિવર્સિટીમાં 2 દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કોંગી નેતાની કોલેજમાં ખાનગી સીટ ન અપાઈ
કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજયસિંહનો અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં દબદબો હતો, પરંતુ હવે સિન્ડિકેટ બેઠકમાં એક પણ કોંગ્રેસના વ્યક્તિને સ્થાન નથી મળ્યું. જેના કારણે કોંગ્રેસનું વર્ચસ્વ યુનિવર્સિટીમાં પૂરું થઈ ગયું છે અને તે જ કારણથી હવે કોંગ્રેસના નેતાની કોલેજમાં ખાનગી સીટ પણ આપવામાં આવી નથી. ગઈકાલે NSUIના કાર્યકરોએ યુનિવર્સિટીના રજિસ્ટ્રારને પણ ઉગ્ર રજૂઆત કરી હતી.
ખાનગી કોલેજોને જબરજસ્તી ગ્રાન્ટેડ સીટ અપાતી હોવાનો આક્ષેપ
આ અંગે સેનેટ મેમ્બર દક્ષ પટેલે જણાવ્યું હતું કે, કેટલાક સંગઠનને રજૂઆતને કારણે યુનિવર્સિટી ખાનગી કોલેજોને પણ જબરજસ્તી ગ્રાન્ટેડ સીટ આપી રહી છે અને સરકારી યુનિવર્સિટીમાં ખાનગી સીટ આપી રહ્યા છે. જેથી અમારી માંગણી છે કે યુનિવર્સિટી બમણું વલણ ના રાખે અને ભાજપના સિન્ડિકેટ મેમ્બર તેમના નજીકના લોકોને ફાયદો ના કરાવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.