સરકારી સેવાઓનો લાભ:રાજ્યમાં સેવા સેતુના સાતમાં તબક્કામાં 16 લાખ નાગરિકોને ઘર આંગણે યોજનાઓનો લાભ મળ્યો, 56 જેટલી સેવાઓ આવરી લેવાઈ

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - Divya Bhaskar
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • રાજ્યમાં પાંચમી જાન્યુઆરી સુધી દર શુક્ર-શનિવારે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
  • 99.99 ટકા રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો

ગત 22 ઓક્ટોબરે રાજ્યમાં સેવા સેતુના સાતમાં તબક્કાનો પ્રારંભ થયો હતો. જેમાં આગામી 5મી જાન્યુઆરી 2022 સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં 2153 અને શહેરી ક્ષેત્રોમાં 354 મળીને કુલ 2507 સેવા સેતુ યોજવાનું રાજ્ય સરકારનું આયોજન છે. સેવા સેતુના આ સાતમા તબક્કામાં 14 નવેમ્બર 2021 સુધીમાં ગ્રામીણ વિસ્તારોના 750 અને શહેરી ક્ષેત્રોમાં 88 મળી 838 સેવા સેતુના માધ્યમથી 16 લાખ લોકોને ઘર આંગણે યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવ્યો છે.

વિવિધ વિભાગોની 56 જેટલી સેવાઓ આવરી લેવાઇ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર સેવા સેતુના સાતમા તબક્કાના જનહિત અભિગમમાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવા સેતુના આયોજન માટે તંત્રને સૂચના આપેલી છે. આ સેવા સેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા 13 વિભાગોની 56 જેટલી સેવાઓ પણ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવે છે.22 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધીના સેવા સેતુમાં 6075 ગામો તથા નગરપાલિકા વિસ્તારના અને મહાનગરપાલિકાના 600 વોર્ડ આવરી લેવાયા છે.

99.99 ટકા રજૂઆતોનો સકારાત્મક ઉકેલ લવાયો
રાજ્યના નાગરિકો-પ્રજાજનોની ગ્રામ્ય કક્ષાએ 14 લાખ 54 હજાર 962 રજૂઆતો તથા શહેરી વિસ્તારોની 1 લાખ 45 હજાર 890 મળી કુલ 16 લાખ 852 રજૂઆતોમાંથી સેવા સેતુ કાર્યક્રમમાં જ 16 લાખ 685 રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવી દેવાયો છે. ગ્રામ્ય વિસ્તારોની 99.99 ટકા તથા શહેરી વિસ્તારોની 99.97 અને મહાનગરોની 100 ટકા રજૂઆતોના ઉકેલ સાથે સેવા સેતુના સાતમા ચરણમાં અત્યાર સુધી 99.98 ટકા હકારાત્મક ઉકેલ લાવવામાં આવ્યો છે.