તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્થિતિ કફોડી:કોરોનાની બીજી લહેરમાં આર્ટિસ્ટ ફ્રૂટના કેરેટ ઉતારે છે તો કેટલાક છૂટક કલર તરફ વળ્યાં

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેચલર અને માસ્ટર ડિગ્રી મેળવેલા આર્ટિસ્ટના કરિયર પર શરૂ થતાની સાથે જ પ્રશ્નાર્થ લાગી ગયો છે

કોરોનાની પહેલી લહેર પછી આર્ટ માર્કેટ માંડ પાટા પર ચડી રહ્યું હતું ત્યાં બીજી લહેર આવતા તેણે ફરી પછડાટ ખાધી છે. એવામાં જુદી-જુદી આર્ટ કોલેજમાંથી બેચલર અને માસ્ટર ડિગ્રી મેળવેલા આર્ટિસ્ટના કરિયર પર શરૂ થતાની સાથે જ પ્રશ્નાર્થ લાગી ગયો છે. આર્ટિસ્ટ ગોપાલ પરમારે ચિત્રો ન વેચાતા ફ્રૂટના કેરેટ ઉતારવાનું કામ કર્યું તો હિરલ ચૌધરી ખેતીકામ કરે છે. આવા જ કેટલાય આર્ટિસ્ટ છે જેઓ પેઈન્ટિંગ કરવાને બદલે બીજા કામ તરફ વળ્યાં છે.

આર્ટના વેચાતા ફ્રૂટના કેરેટ ઉતારુ છુ
લોકો આર્ટવર્કને છેલ્લી પ્રાથમિકતા આપે છે આમ મહામારીની બીજી લહેરમાં આર્ટ ન વેચાતાં મેં ફ્રૂટના કેરેટ ઉતારવાનું કામ પણ કર્યું છે. હું માનું છું કોઈ કામ નાનું કે મોટું નથી. એક દિવસ એવો પણ આવશે જ્યારે આર્ટની કદર થશે અને લોકો આર્ટવર્ક ખરીદશે. હાલ પૂરતું તો યંગ આર્ટ કોમ્યુનિટી સર્વાઇવ થાય તે જ મહત્વનું છે. -ગોપાલ પરમાર, આર્ટિસ્ટ

ચિત્રોને બદલે ખેતીકામ પર ફોકસ કરી રહ્યો છુ
કોરોનામાં આર્ટિસ્ટની આવક 60 ટકા ઘટી ગઈ છે. આવી સ્થિતિમાં બીજી લહેર અમારા માટે પડતાં પર પાટું સમાન રહી છે. આ સમયમાં મેં ખેતી કામ પર ફોકસ કરી સર્વાઈવ કર્યું. બધા કામ પૂરા થઈ ગયા પછી રાત્રે ચિત્રો કરતો હતો. હવે અનલોક થઈ રહ્યું છે ત્યારે એક્ઝિબિશન પણ શરૂ થશે અને તે રીતે લોકો આર્ટ પણ ખરીદશે. -હિરલ ચૌધરી, આર્ટિસ્ટ

આર્ટ્સમાં માસ્ટર્સ કર્યુ, અત્યારે કલરકામ કરુ છુ
મેં સીએન ફાઈન આર્ટમાંથી પેઈન્ટિંગમાં બેચલર અને એમ. એસ.માંથી માસ્ટર્સ કર્યું છે પણ હાલ પેઈન્ટિંગ માર્કેટ બેસી ગયું છે એટલે હું અમદાવાદ છોડીને મારા વતન આવી ગયો છું. અહીં છૂટક કલરકામ તેમજ કોઈના ઘરે ભગવાનના ચિત્રો કરવાના હોય તો જાઉં છું. બાકી આ સમયમાં કંઈ ખાસ કામ રહ્યું જ નથી. -જયેશ શ્રીમાળી, આર્ટિસ્ટ

સ્થિતિ સુધરતા હજી 6 મહિના લાગશે
કોરોનાની પહેલી લહેર પછી સ્થિતિ થોડીક પાટા પર ચડી હતી અને છૂટક આર્ટવર્ક વેચાતા હતાં પણ બીજી લહેરમાં ફરી બધુ બંધ થઈ ગયું છે. હું આંબાવાડીમાં રહું છું પણ ચિત્રો ન વેચાતા હવે પરિવારને ખેતીમાં મદદ કરી રહ્યો છુ. સ્થિતિમાં સુધારો આવતા સહેજેય 6 મહિના જેટલો સમય લાગશે તેવું જણાઇ રહ્યું છે. -વિકાસ શિયાળ, આર્ટિસ્ટ

અન્ય સમાચારો પણ છે...