તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:બીજા તબક્કામાં ખાનગી હોસ્પિટલ દરરોજ 200 લોકોને વેક્સિન અપાશે, વેક્સિન લેનાર વૃદ્ધે કહ્યું, યુવાનો દેશનું ભવિષ્ય છે; તેમને પણ વેક્સિન આપો

અમદાવાદ7 મહિનો પહેલા
બીજા તબક્કાની વેક્સિનેશનનો ગ્રાઉન્ડ રિપોર્ટ.
  • વેક્સિનના રજિસ્ટ્રેશન માટેના સોફ્ટવેરમાં ટેક્નિકલ ખામીને કારણે લોકોને થોડો સમય રાહ પણ જોવી પડી હતી

રાજ્યમાં હવે કોરોનાના કેસ પહેલાં કરતાં ઓછા નોંધાય રહ્યા છે, સાથે હવે લોકોએ પણ કોરોનાના નિયમોને પોતાની જીવનશૈલીમાં અપનાવી લીધા છે. રાજ્યમાં સૌપ્રથમ કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી હતી, જેમાં હેલ્થવર્કર્સ, પોલીસકર્મી, શિક્ષકો અને સકાઇકમીને વેક્સિન આપવામાં આવી હતી. હવે વેક્સિનેશનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, જેમાં કો-મોર્બિટ અને 60 વર્ષ વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્યની સરકારી અને ખાનગી એમ બંને હોસ્પિટલમાં વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યાં છે. જોકે રાજ્ય સરકારના સૂચન મુજબ, સરકારી હોસ્પિટલમાં વેક્સિન મફત આપવામાં આવશે અને ખાનગી હોસ્પિટલમાં એના 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
યોગ્ય પુરાવા રજૂ કરીને રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક
સરકારે ખાનગી હોસ્પિટલમાં રોજના 200 લોકોને વેક્સિન આપવા માટે જણાવ્યું છે, જેથી તમામ જગ્યાએ વ્યવસ્થા જળવાઈ રહે, સાથે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં દરેક વેક્સિન લેનાર માટે યોગ્ય પુરાવા રજૂ કરીને રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. ત્યારે ચાંદખેડા વિસ્તારમાં આવેલી SMS હોસ્પિટલમાં મોટા ભાગના વૃદ્ધો સવારથી જ વેક્સિન લેવા માટે આવી પહોંચ્યા હતા. જોકે વેક્સિનના રજિસ્ટ્રેશન માટેના સોફ્ટવેરમાં ટેક્નિકલ ખામીને કારણે તેમને થોડો સમય રાહ પણ જોવી પડી હતી, પરંતુ તેમણે જણાવ્યું હતું કે અહીં હોસ્પિટલ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઈ વેક્સિન લેનાર વ્યક્તિને તકલીફ ન પડે.

વેક્સિન લેનાર લોકોએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી.
વેક્સિન લેનાર લોકોએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી.

અમારી સાથે યુવાનોને પણ વેક્સિન આપવી જોઈએ
કોરોનાની વેક્સિન લેનાર 76 વર્ષીય રમેશભાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં અહીં વેક્સિન લીધી છે. અહીં રજિસ્ટ્રેશનથી માંડી ઓબ્ઝર્વેશન રૂમ સુધીની તમામ સુવિધા સારી છે. વેક્સિન લેવામાં કોઈએ સંકોચ ન રાખવો જોઈએ. વહેલી તકે વેક્સિન લઈ લેવી જોઈએ, જેથી તેઓ સ્વસ્થ રહે. મારું માનવું છે કે અમારી સાથે દેશના યુવાનોને પણ વેક્સિન આપવાની શરૂઆત કરી દેવી જોઈએ, કારણ કે અમે તો કામ વગર બહાર ન નીકળતા નથી, પરંતુ યુવાનોને કામ માટે, ભણવા માટે એવાં અનેક કામો માટે શહેરમાં ફરવું પડે છે, તેમને ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે છે.
સરકારી હોસ્પિટલમાં ભીડ જોઈને ડર લાગ્યો
વેક્સિન લેનાર મહિલા નિશા શ્રીવાસ્તવે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું વેક્સિન લેવા માટે સરકારી હોસ્પિટલમાં ગઈ હતી, ત્યાં આગળ લોકોની ભીડ જોઈને મને ડર લાગ્યો કે અહીં લોકો કોરોનાના નિયમોને અનુસરતા નથી. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાતું નથી, એટલે મેં નક્કી કર્યું કે 250 રૂપિયા ચૂકવીને ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લઈશ. અહીં મેં વેક્સિન લીધી, મને અહીંની વ્યવસ્થા જોઈને સારું લાગ્યું. લોકોએ પણ ડર્યા વગર વેક્સિન લેવી જોઈએ. હું પણ મારા પાડોશીને કહીશ કે વેક્સિન લઈ લે.

SMS હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પ્રભાકર (ફાઈલ ફોટો).
SMS હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પ્રભાકર (ફાઈલ ફોટો).

ખાનગી હોસ્પિટલમાં દરરોજના 200 લોકો વેક્સિન લઈ શકશે
ચાંદખેડાની SMS હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ પ્રભાકરે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ વેક્સિનેશન ચાલી રહ્યું છે. અમે એને ધ્યાનમાં રાખીને અલગ વ્યવસ્થા કરી છે, જેથી હોસ્પિટલમાં બીજા દર્દીઓને હાલાકી ન પડે. સરકારે દરરોજના 200 વેક્સિનના ડોઝ આપવા માટે અમને સૂચન કર્યું છે.અહીં લોકો દિવસ દરમિયાન 200 વધુ લોકો આવે તો એ માટે પણ અમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરવાનું શરૂ કર્યું છે, જેથી તેઓ બીજા દિવસ વેક્સિન લેવા આવે તો તેમનો સમય ન બગડે. લોકોને અપીલ છે કે હવે કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સિન અચૂકથી લઈએ.

અન્ય સમાચારો પણ છે...