તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા એક્સક્લૂઝિવ:1992નાં રમખાણો વચ્ચે પણ મેં જગન્નાથનાં નજીકથી દર્શન કર્યાં, પણ આ વર્ષે રથ પાસે પણ ન પહોંચી શકી એનું દુ:ખ છે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અદિત પટેલ
વર્ષાબેન છેલ્લાં 50 વર્ષથી અમદાવાદની રથયાત્રાનાં સાક્ષી છે.
  • ભલે હું દિવ્યાંગ છું, પણ ભગવાનનાં દર્શન કરીને જ રહીશઃ સ્થાનિક

આ વખતે રથયાત્રા કર્ફ્યૂમાં નીકળી છે. ત્યારે ખમાસાનાં સ્થાનિક વર્ષાબેન કહે છે, 1992માં રમખાણોમાં પણ અમે રથ પાસે જઈને દર્શન કર્યાં હતાં. છેલ્લાં 50 વર્ષથી રથયાત્રાની સાક્ષી છું. મારી દીકરી અને જમાઈ રથાયાત્રાના દિવસે આખો દિવસ અમારા ઘરે મહેમાન બનીને રહે છે. બાળકોમાં પણ ઉત્સાહ હોય છે. આ દિવસે આખો દિવસ હું જમણવાર રાખું છું. રથયાત્રામાં જોડાયેલા લોકોની સેવા પણ કરું છું. આ વખતે જગતના નાથ મારા દ્વાર પાસેથી પસાર થયા છતાં હું તેમનાં દર્શન નજીકથી નથી કરી શકી, આજે મને એનું સૌથી વધુ દુઃખ થયું છે. વર્ષોની આસ્થા અને ઉત્સાહ આ વર્ષે ધોવાઈ ગયો. શહેર કોરોનામુક્ત થાય એના માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું છું.

ભલે હું દિવ્યાંગ છું, પણ ભગવાનનાં દર્શન તો કરીશ જ.
ભલે હું દિવ્યાંગ છું, પણ ભગવાનનાં દર્શન તો કરીશ જ.

આ વર્ષે 14 કલાકની યાત્રા 5 કલાકમાં સંપન્ન થઈ
દર વર્ષે રથયાત્રા 14 કલાક જેટલો સમય શહેરના માર્ગો પર ફરતી હોય છે, પરંતુ આ વખતે ભગવાન જગદીશ નગરચર્યા કરી રહ્યા છે અને ભક્તો ઘરમાં બંધ છે. શહેરમાં નાગોરીવાડની એક દિવ્યાંગ વ્યક્તિએ કહ્યું હતું કે ભલે હું દિવ્યાંગ છું, પણ ભગવાનનાં દર્શન તો કરીશ જ. ભગવાનનાં દર્શન કરવા માટે મને પોલીસ રોકે છે, પણ હું તો ભગવાનને મળીને જ રહીશ.

જમાલપુરમાં બાળકોએ ધાબે ચઢીને ભગવાનની જય બોલાવતા નારા લગાવ્યા.
જમાલપુરમાં બાળકોએ ધાબે ચઢીને ભગવાનની જય બોલાવતા નારા લગાવ્યા.

લોકોએ ઘરમાં રહીને ભગવાન જગદીશનાં દર્શન કર્યાં
બીજી તરફ, લોકોએ ઘરમાં રહીને ભગવાન જગદીશનાં દર્શન કર્યાં હતાં. દર વખતે શહેરના માર્ગો પર જય રણછોડ માખણચોર, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકીનો નાદ ગુંજતો હોય છે. લોકો ઘરમાંથી રોડ પર આવીને ભગવાનનો જયકારો બોલાવીને તેમનાં દર્શન કરતા હોય છે, પરંતુ કર્ફ્યૂ હોવાથી લોકોએ ઘરમાંથી જ તેમની રથયાત્રાનાં દર્શન કર્યાં હતાં. જમાલપુર વિસ્તારમાં ભગવાનના રથ પહોંચતાં જ બાળકોએ ધાબા પર ચઢીને તેમની જય બોલાવતા નારા લગાવ્યા હતા.

ભજનમંડળીની બહેનો ભાવુક થઈ.
ભજનમંડળીની બહેનો ભાવુક થઈ.

ભજનમંડળીની બહેનો ભાવુક થઈ
મંદિરની બહાર રથ નીકળતાં જ ભજનમંડળીની મહિલાઓએ માગ કરી હતી કે અમારે પણ ભગવાનની સાથે નગરચર્યાએ જવું છે. અમે પણ ભગવાનની સાથે ભજન કરવા માગીએ છીએ. અમને અત્યારે પોલીસે અટકાવી દીધા છે. રથયાત્રામાં જોડાવા માટે સંપૂર્ણ તૈયારી કરીને આવેલી બહેનો ભગવાનના રથ મંદિરના દરવાજાની બહાર નીકળતાં જ ભાવુક થઈ ગઈ હતી. રથયાત્રાના રૂટ પર આવતાં મકાનોમાંથી ભક્તો દૂરથી દર્શન કરતા નજરે પડ્યા હતા. સમગ્ર રૂટ પર ચારેબાજુ પોલીસ ખડકી દેવામાં આવી હતી. રથની આગળ-પાછળ પોલીસ પણ દોડતી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...