• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Presence Of Mahantaswami Maharaj In Sarangpur, 85 Thousand Haribhaktas Were Dyed In The Colors Of Adhyatma And Kesuda In Phuldol Rangotsav.

ઐતિહાસિક ફૂલદોલ ઉત્સવ ઉજવાયો:સારંગપુરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફૂલદોલ રંગોત્સવમાં 85 હજાર હરિભક્તો અધ્યાત્મ અને કેસુડાના રંગે રંગાયા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે વડતાલ, ગઢપુર, સારંગપુર, અમદાવાદ એવા વિવિધ સ્થળોએ ફૂલદોલના સમૈયાઓ કરીને ભક્તોને સ્મૃતિઓ આપેલી છે. સવંત 1868ની સાલમાં સારંગપુરમાં આ સમૈયામાં શ્રીજી મહારાજે કબીરની હોળીનું પદ ગાઈને મોક્ષના દ્વાર એવા ગુણાતીતાનંદ સ્વામીને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ તરીકે ઓળખાવીને તે સમૈયાની ગરિમા વધારી હતી. આ જ સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના ત્રીજા આધ્યાત્મિક વારસદાર શાસ્ત્રીજી મહારાજે શિખરબદ્ધ મંદિર રચીને તેમાં આ અક્ષરબ્રહ્મને પુરુષોત્તમ નારાયણ સાથે પધરાવી. તેની કાયમી સ્મૃતિ માટે આ સમૈયો સારંગપુર ખાતે ફાળવ્યો છે.

દેશ-પરદેશથી 85000 હરિભક્તો પધાર્યા
પ્રમુખસ્વામી મહારાજ દર વર્ષે ફૂલદોલનો ઉત્સવ સારંગપુર ધામધૂમપૂર્વક ઉજવાતા જેની સ્મૃતિઓના સૌકોઈ સાક્ષી છે. તેઓ આશીર્વાદ આપતા કહેતા કે, દુનિયાના રંગે તો બધા રંગાય છે પણ આપણે ભગવાનના રંગે રંગાવવાનું છે. એજ પરંપરામાં મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ વર્ષે આ ફૂલદોલ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાયો હતો. જેમાં દેશ-પરદેશથી 85000 હરિભક્તો આ પ્રસંગે લાભ લેવા પધાર્યા હતા.

8000 સ્વયંસેવક-સેવિકાઓ ખડેપગે
વહેલી સવારથી જ સમગ્ર સારંગપુર ગામ હિલોળે ચડ્યું હતું. હરિભક્તોના વિશાળ પ્રવાહથી સારંગપુર મંદિર પરિસર ઊભરાતું હતું. પરદેશથી અને ભારતના વિવિધ પ્રાંતોમાંથી પણ હરિભક્તો રંગોત્સવ નિમિત્તે સારંગપુરમાં ઉમટ્યા હતા. આટલી મોટી સંખ્યામાં આવનાર હરિભક્તોની વ્યવસ્થા પણ સુંદર રીતે કરવામાં આવી હતી. 30 જેટલા સેવાવિભાગોમાં 8000 સ્વયંસેવક-સેવિકાઓ ખડેપગે ઊભા રહીને સેવા કરી રહ્યા હતા. હરિભક્તોની સુવિધા માટે થોડા થોડા અંતરે પૂછપરછ કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પ્રમુખસ્વામી મહારાજે ઉજવેલા ફૂલદોલ પર્વની સ્મૃતિ
વિવિધ સેવા વિભાગોમાં સંતો-ભક્તોએ ઉપવાસ-વ્રત કરતાં કરતાં તનતોડ સેવા કરી હતી. હરિભક્તો મંદિર પરિસરમાં દર્શન કરી બી.એ.પી.એસ. વિદ્યામંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરી રહ્યા હતા. ત્યાં 10 લાખ ચોરસફૂટ ભૂમિને સ્વચ્છ અને સમથળ કરીને સભામંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણથી લઈ પ્રમુખસ્વામી મહારાજે ઉજવેલા ફૂલદોલ પર્વની સ્મૃતિ કરાવતો વિશાળ મંચ અત્યંત દર્શનીય હતો.

આ વર્ષના રંગોત્સવની મુખ્ય થીમ
સાંજે 4.30 વાગે જ્યારે ફૂલદોલ ઉત્સવની મુખ્ય સભાની શરૂઆત થઈ ત્યારે સભાસ્થળ હરિભક્તો-ભાવિકોથી ઉભરાતું હતું. સભામાં પ્રવેશ પ્રાપ્ત કરતા જ તમામ હરિભક્તોને ફૂડપેકેટ પ્રાપ્ત થતા હતા. તાજેતરમાં જ ઉજવાયેલ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની સ્મૃતિ એ જ આ વર્ષના રંગોત્સવની મુખ્ય થીમ હતી. ‘શતાબ્દીના શાશ્વત રંગો’ થીમ અંતર્ગત સંગીતજ્ઞ સંતોએ ‘પ્રમુખસ્વામીનું ભવ્ય દિવ્ય એ નગર કદી વિસરાય નહીં’ કીર્તન દ્વારા ઉપસ્થિત તમામ સંતો-ભક્તોને શતાબ્દી મહોત્સવની સ્મૃતિમાં ગરકાવ કરી દીધા હતા.

રંગોત્સવના ઉત્સવને સમૈયાનું ભક્તિમય સ્વરૂપ આપ્યું
આ સંદેશને અનુરૂપ સંસ્થાના સદગુરુવર્ય સંતો આનંદસ્વરૂપ સ્વામી, વિવેકસાગર સ્વામી, ડૉક્ટર સ્વામીએ સેવા-સમર્પણ અને મહિમાના રંગ વિષયક હૃદયસ્પર્શી અને મનનીય પ્રસંગો કહ્યા હતા. મહંતસ્વામી મહારાજે રંગોત્સવ પર્વે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ‘ભગવાન સ્વામિનારાયણે રંગોત્સવના ઉત્સવને સમૈયાનું ભક્તિમય સ્વરૂપ આપ્યું. આપણું જીવન ભક્તિમય બને એટલે અંતર વધુ શુદ્ધ થતું જાય. સંતો-ભક્તોમાં નિર્દોષભાવ તથા સંપ, સુહદ્ભાવ અને એકતા દ્વારા આપણે રંગે રંગાઈએ.’

સંતો અને હરિભક્તોએ આરતી અર્ધ્ય અર્પણ કર્યું
ત્યારબાદ ઉત્સવની ચરમસીમા આવી, જેમાં મહંતસ્વામી મહારાજે અક્ષર પુરુષોત્તમ મહારાજનું પૂજન કરી, પિચકારીથી રંગે રંગ્યા હતાં. ત્યારબાદ ઉપસ્થિત તમામ સંતો અને હરિભક્તોએ આરતી અર્ધ્ય અર્પણ કર્યું હતું. મહંતસ્વામી મહારાજે પ્રસાદીના રંગથી સૌ પ્રથમ વડીલ સદગુરુ સંતોને રંગ્યા હતા અને સંતોએ કલાત્મક હારતોરાથી તેઓને વધાવ્યા હતા. ત્યારબાદ શરૂઆત થઈ અવિસ્મરણીય રંગોત્સવની જેમાં હરિભક્તો પંક્તિબદ્ધ થઈ આનંદમાં ઝૂમતાં ઝૂમતાં સ્વામીની સન્મુખ આવતા હતા.

કેસુડાના રંગે અને અધ્યાત્મના રંગે રસ તરબોળ કર્યા
સ્વામી તેમને મંચની સમીપ પધારી વિવિધ 6 આધુનિક પિચકારી દ્વારા રંગમાં તરબોળ કરતા હતા. આ રીતે ઉપસ્થિત તમામ હરિભક્તોને મહંતસ્વામી મહારાજે પિચકારીથી કેસુડાના રંગે અને અધ્યાત્મના રંગે રસ તરબોળ કર્યા હતા. સૌના મુખ પર રંગે રંગાયાની પ્રસન્નતા દેખાતી હતી. સમગ્ર પરિસરમાં આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવનાં તરંગો ઝિલાઈ રહ્યાં હતાં. આ વિશાળ ઉત્સવ બી.એ.પી.એસ. સંસ્થાના સંતો અને હરિભક્તોના કુશળ આયોજનથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...