નવા રસ્તાની ભેટ:નવા વર્ષે અમદાવાદીઓને 108 નવા રોડ મળશે, 27 તૈયાર, 32ની કામગીરી ચાલુ અને 49 રોડનું આયોજન

અમદાવાદએક મહિનો પહેલા
શહેરના સાતેય ઝોનમાં 60 મીટરથી મોટા કુલ 108 રોડ બનશે
  • પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 25 રોડની કામગીરી કરવામાં આવશે
  • કોટ વિસ્તારમાં પણ નવા 6 રોડ રૂ. 15.71 કરોડના ખર્ચે બનાવાશે

અમદાવાદ શહેરમાં રોડ રસ્તાની હાલત ચોમાસામાં ખૂબ જ ખરાબ થઈ જાય છે. ઠેર ઠેર ખાડા અને રસ્તાઓ બેસી જાય છે. ચોમાસા બાદ અમદાવાદ શહેરમાં નવા રસ્તાઓ બનાવવાની તેમજ રિસરફેસની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે. શહેરમાં 60 મીટરથી મોટા કુલ 108 રોડ બનશે. જેના માટે રૂ.452.42 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચોમાસામાં શહેરમાં વરસાદ બંધ થયા બાદ રસ્તાઓના રિપેરિંગ અને રિસરફેસ તેમજ નવા રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં વર્ષ 2021-22માં રોડ પ્રોજેકટમાં શહેરના સાતેય ઝોનમાં 60 મીટરથી મોટા કુલ 108 રોડ બનશે. જેના માટે રૂ.452.42 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

18000 મીટરથી વધુ લંબાઈના 132 જેટલા રોડની રિસરફેસની કામગીરી પુરી કરાશે
18000 મીટરથી વધુ લંબાઈના 132 જેટલા રોડની રિસરફેસની કામગીરી પુરી કરાશે

ગોતા, ચાંદલોડિયા, બોપલ-આંબલી સહિતના વિસ્તારોમાં 21 રોડ
1 નવેમ્બર સુધીમાં 27 જેટલા રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 32 જેટલા રોડની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. 49 જેટલા રોડ બનાવવાનું આયોજન છે. આમ કુલ 1.33 લાખ મીટર રોડની કામગીરી હાથ પર લેવામાં આવી છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 25 રોડની કામગીરી કરવામાં આવશે. જેમાં 16 રોડ નવા બનાવવામાં આવશે. રૂ. 452.42 કરોડમાંથી માત્ર ગોતા, ચાંદલોડિયા, જગતપુર, બોપલ-આંબલી, સોલા સહિતના વિસ્તારોમાં રૂ. 106 કરોડના ખર્ચે 21 રોડ બનાવવામાં આવશે. શહેરના કોટ વિસ્તારમાં પણ નવા 6 રોડ રૂ. 15.71 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

27000થી વધુ ખાડાઓ પુરવામાં આવ્યા
ચોમાસા દરમિયાન શહેરમાં નાના ખાડાઓ અને રોડ તૂટ્યા હતા. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર વિભાગ દ્વારા 27000થી વધુ ખાડાઓ પુરવામાં આવ્યા છે. 60 ફૂટથી નાના 585 જેટલા રોડની કામગીરી કરવામાં આવનાર છે. જેમાં 18000 મીટરથી વધુ લંબાઈના 132 જેટલા રોડની રિસરફેસની કામગીરી પુરી કરવામાં આવી છે. 87 જેટલા રોડની કામગીરી ચાલી રહી છે અને 366 જેટલા રોડની કામગીરી બાકી છે જે આગામી દિવસોમાં પુરી કરવામાં આવશે. જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 129 જેટલા રોડ રિસરફેસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...