તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલીભગત:અમદાવાદના ન્યૂ મણિનગરના ભાજપના કોર્પોરેટરોની હાજરીમાં બનેલો રોડ માત્ર પાંચ દિવસમાં જ તૂટી ગયો

અમદાવાદએક મહિનો પહેલા
રોડ બનાવ્યાના પાંચ જ દિવસમાં રોડ બેસી ગયો
  • કોર્પોરેટરોએ ગૃહમંત્રીની વટવા વિધાનસભામાં મોટો વિકાસ કરાતો હોવાના ગીત મારફતે બણગાં ફૂંક્યા હતા.
  • ગણતરીના સમયમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા.

અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ આ ગાબડાં પુરવાનું કામ મોટાભાગે પુરૂ કરી નાંખ્યું હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ શહેરમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં તૂટી ગયેલા રોડ પર ફરી વાર નવો રોડ બનાવવાની માંગ ઘણા સમયથી હતી. ત્યારે અહીં ભાજપના કોર્પોરેટરોએ ખુદ ઉભા રહીને રોડ તૈયાર કરાવડાવ્યો હતો. જે તૈયાર થયાનાં માત્ર પાંચ જ દિવસમાં બેસી ગયો હતો. ગણતરીના સમયમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા
શહેરના રામોલ હાથીજણ વોર્ડમાં આવતા ન્યુ મણિનગર વિસ્તારમાં આ પેચવર્કની કામગીરીનો પોલ ખોલ વીડિયો સામે આવ્યો છે. રામોલ હાથીજણ વોર્ડના ભાજપના કોર્પોરેટરોએ ગૃહમંત્રીની વિધાનસભા બેઠક વટવાએ વિકાસ અને વિકાસએ વટવાના નામે ગીત સાથે રોડ બનાવ્યાનો વીડિયો બનાવ્યો હતો અને પાંચ દિવસમાં જ રોડ બેસી ગયો હતો અને ફરી પાછો ત્યાં ખાડો પડી ગયો હતો. ડ્રેનેજ લાઈનની નાખી હતી અને તેની ઉપર પેચવર્ક કરવામાં આવ્યું હોવાનો અધિકારીઓએ જણાવ્યું હતું. ગણતરીના સમયમાં રોડ બેસી જતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

ભાજપ કોર્પોરેટર ચંદ્રિકાબેન પંચાલ સહિતના કોર્પોરેટરોએ મધરાતે રાઉન્ડ લેવાતો હોવાનો પ્રચાર કરતા ફોટો પડાવ્યા હતા
ભાજપ કોર્પોરેટર ચંદ્રિકાબેન પંચાલ સહિતના કોર્પોરેટરોએ મધરાતે રાઉન્ડ લેવાતો હોવાનો પ્રચાર કરતા ફોટો પડાવ્યા હતા

રોડની કામગીરીનો વીડિયો પણ બનાવ્યો હતો
ન્યુ મણિનગર વિસ્તારમાં 5 દિવસ પૂર્વે જ બનાવાયેલો રોડ બેસી ગયો હતો. વોર્ડના ભાજપ કોર્પોરેટર ચંદ્રિકાબેન પંચાલ સહિતના કોર્પોરેટરોએ મધરાતે રાઉન્ડ લેવાતો હોવાનો પ્રચાર કરતા ફોટો પડાવ્યા હતા. ગૃહમંત્રીની વટવા વિધાનસભામાં મોટો વિકાસ કરાતો હોવાના ગીત મારફતે બણગાં ફૂંક્યા હતા. રોડની કામગીરીનો વીડિયો પણ બનાવ્યો હતો. જો કે માત્ર ગણતરીના દિવસમાં જ રોડ બેસી જતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. કોન્ટ્રાકટરો અને અધિકારીઓ દ્વારા કામગીરી સરખી અને ગુણવત્તાયુક્ત કરવામાં આવે છે કે કેમ તે તપાસવા કોર્પોરેટરો જાય છે કે પછી રાતે કામ કરવા બહાર નીકળે છે તેવા ફોટો પડાવવા માટે જાય છે તેના પર સવાલ ઉભા થયા છે.

ન્યુ મણિનગર વિસ્તારમાં 5 દિવસ પૂર્વે જ બનાવાયેલો રોડ બેસી ગયો હતો
ન્યુ મણિનગર વિસ્તારમાં 5 દિવસ પૂર્વે જ બનાવાયેલો રોડ બેસી ગયો હતો

AMCનો 10 હજાર જેટલા ખાડા પૂર્યા હોવાનો દાવો
અમદાવાદમાં ચોમાસાની શરૂઆતમાં જ ખાડા અને રોડ તૂટી જવાની ફરિયાદ ઉઠવા પામી હતી. શહેરમાં વરસાદ બંધ હોવાથી જુદા જુદા રસ્તા ઉપર પેચવર્કના કામો મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર ખાતાનાં અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. એક બાદ એક પેચવર્કનાં કામો ઝડપથી કરી 10 હજાર જેટલા ખાડા પૂર્યા હોવાનો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. કોર્પોરેટરોએ પણ પોતાના વોર્ડમાં રોડના ખાડા પુરવાની કામગીરી શરૂ કરાવવા રજૂઆત કરતા ઈજનેર ખાતા દ્વારા શહેરમાં રોડના પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ પેચવર્કની કામગીરીમાં કોન્ટ્રાક્ટરોએ બેદરકારી દાખવી અને ગમે તેમ કામગીરી પૂર્ણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...