વિપક્ષનો આક્ષેપ:AMCના ભાજપના સત્તાધીશોએ પ્રિમોન્સૂન એક્ટિવિટીના નામે બે મહિનામાં રૂ. 6.61 કરોડ ખર્ચ્યા છતાં શહેર પાણીમાં ગરકાવ થયું

અમદાવાદ3 મહિનો પહેલા
અમદાવાદમાં વરસાદ બાદ ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા
  • વિપક્ષ કોંગ્રેસ દ્વારા ગુરુવારે AMC ઓફિસનો ઘેરાવ કરી અને વિરોધ પ્રદર્શન કરાશે

અમદાવાદ શહેરમાં રવિવાર સાંજથી પડેલા ભારે વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક જગ્યાએ 12 કલાક સુધી પાણી ઓસર્યા ન હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોની પ્રીમોન્સૂનની કામગીરીની વાતો વચ્ચે જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થતા વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા ભાજપના સત્તાધીશો અને કોર્પોરેશન તંત્ર પર આક્ષેપ લગાવતાં કહ્યું હતું કે, પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત મોટી મોટી જાહેરાતો અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શહેરમાં આજે અનેક વિસ્તારોમાં પાણી હજુ ભરાયેલા છે.

બે મહિનામાં પ્રીમોન્સૂન એક્ટિવિટી પાછળ 6.61 કરોડનો ખર્ચ
પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત કેચપીટ સફાઈ અને સ્ટ્રોમ વોટરલાઇન સફાઈ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા છેલ્લા બે મહિનામાં રૂ. 6.61 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. છતાં શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજ લાઈન બેક મારતાં પાણી ફરી વળ્યાં છે.

'વરસાદ બંધ થયાના 6 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી'
​​​​​​​વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભાજપના સત્તાધીશોએ ચોમાસા પહેલા પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત બેઠકો કરી હતી અને શહેરમાં સફાઇ કરવામાં આવી હોવાની મોટી મોટી વાતો કરી હતી. પરંતુ વરસાદ બંધ થયાના છ કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. 2 મહિના પહેલા તમામ ઝોનમાં કેચપીટની સફાઈ અને સ્ટ્રોમ વોટરલાઇનની સાફ-સફાઈ પાછળ રૂ. 6.61 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ કરોડો રૂપિયાના ડ્રેનેજ સફાઈનાં ટેન્ડરો કરવામાં આવ્યા છે.

કોર્પોરેશનનો ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કરશે કોંગ્રેસ
​​​​​​​
ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને ભાજપના સત્તાધીશો માત્ર વાતો કરે છે. પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત મોટી મોટી જાહેરાતો કરી અને યોગ્ય કામગીરી ન કરતાં જે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે કોંગ્રેસ પક્ષ ગુરુવારે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરી અને વિરોધ પ્રદર્શન કરશે.

અન્ય સમાચારો પણ છે...