તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In The Month Of Chaitra Alone, More Than 50 Jain Acharyas Sadhus Sadhvijis Were Flooded With Corona, A Wave Of Deep Shock In The Jain Community.

જિનશાસન શોકાતુર:માત્ર ચૈત્ર મહિનામાં જ 50થી વધુ જૈન આચાર્યો-સાધુ-સાધ્વીજીઓને કોરોના ભરખી ગયો, જૈન સમાજમાં ઘેરા આઘાતનું મોજું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે છેલ્લા 30 દિવસમાં 35થી વધુ જૈન સાધ્વી ભગવંત કાળધર્મ પામ્યા, હજી પણ આંકડો વધવાની દહેશત
  • અત્યારે 600થી વધુ જૈનાચાર્યો-સાધુ ભગવંતો કોરોના પોઝિટિવ, અમદાવાદ તથા આસપાસના શહેરોમાં ચાલતો ઈલાજ

સંયમ અને અહિંસાના પ્રતિક ગણાતા જૈન ધર્મ માટે આ ચૈત્ર મહિનો કાળમુખો બનીને આવ્યો છે જે 50 કરતા વધુ જૈન સાધુ-સાધ્વી તથા આચાર્ય ભગવંતોને ભરખી ગયો છે. આ અંગે કાળધર્મ પામેલા સાધુ-સાધ્વીજીઓ તથા આચાર્ય ભગવંતોની એક યાદી વાઈરલ થઈ છે, જેને જૈન શ્રેષ્ઠીઓ અને સમાજના અગ્રણીઓ Divya Bhaskar સાથેની ચર્ચામાં સમર્થન આપ્યું છે. આ સમાચારને પગલે સમગ્ર જૈન સમાજમાં શોકની સાથે કારમા આઘાતનું મોજું ફરી વળ્યું છે.

એક પંન્યાસ, ત્રણ આચાર્ય પાંચ દિવસના ગાળામાં જ કાળધર્મ પામ્યા
જૈન સમાજના અત્યંત આદરપાત્ર અને પૂજ્ય એવા પંન્યાસ શ્રી નિપૂણચંદ્રવિ. મ. ઉપરાંત આચાર્ય શ્રી નિરંજનસાગરસૂરિજી મ. તથા આચાર્ય શ્રી પ્રસન્નકિર્તીસાગરસૂરિજી મ. ગત ચૈત્ર સુદ 12ના રોજ કાળધર્મ પામ્યા હતા. જ્યારે આચાર્ય શ્રી અમૃતસાગરસૂરિજી મ. ચૈત્ર વદ 7ના રોજ કાળધર્મ પામ્યા હોવાનું આ વાઈરલ યાદીમાં જણાવાયું છે. આટલા ટૂંકા ગાળામાં અલગ-અલગ સમુદાયના આટલા પ્રખર વિદ્વાન અને સમાજના માર્ગદર્શક એવા આચાર્યોની વસમી વિદાયથી જિનશાસનને કદી ન પૂરાય તેવી ખોટ પડી છે.

પૂ. સાગરાનંદસૂરિ સમુદાયના સૌથી વધુ 11 સાધુ-સાધ્વી ભગવંતોની વસમી વિદાય
આ યાદીમાં કરેલા ઉલ્લેખ અનુસાર જૈન ધર્મના વિવિધ સમુદાયોમાંથી સૌથી વધુ 10 સાધુ-સાધ્વી તથા આચાર્ય ભગવંતો પૂ. સાગરાનંદસૂરિ સમુદાયના હતા જેમને કોરોના મહામારી ભરખી ગઈ હતી. આમાં પૂ.આ. શ્રી પ્રસન્નકિર્તીસાગરસૂરિજી મ., પૂ.મુનિ શ્રી કુમુદચંદ્રસાગરજી મ. તથા પૂ. શ્રી સંયમચંદ્રસાગરજી મ. અગ્રણી જૈનાચાર્ય-સાધુ હતા. આ ઉપરાંત આ સમુદાયના આઠ સાધ્વીજીઓ પણ કોરોનાનો ભોગ બની હતી. આ અંગે સમુદાયના શ્રેષ્ઠીઓ તથા સભ્યો દ્વારા ઘેરના શોકની લાગણી વ્યક્ત કરવામાં આવી છે.

‘જૈન સમુદાયને કદી ન પૂરાનારી ખોટ, સાચા માર્ગદર્શકો ગુમાવ્યા’
આ અંગે જૈન સમુદાયના અગ્રણી ભદ્રેશભાઈ શાહે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ યાદી સાચી છે અને ચૈત્ર મહિનો ખરેખર જૈન સમુદાય માટે કાળમુખો બનીને આવ્યો છે. 50થી વધુ જૈન સાધુ-સાધ્વી તથા આચાર્ય ભગવંતો કોરોનાનો ભોગ બન્યા છે અને કાળધર્મ પામ્યા છે. જૈન ધર્મમાં સંયમી જીવનનું ખૂબ મહત્ત્વ છે અને આ પ્રમાણેનો ખોરાક સંયમી માત્રામાં લેવાથી આમેય સાધુ-સાધ્વીજીઓ તથા આચાર્યોમાં ઈમ્યુનિટીનું સ્તર નીચું હોય છે. આ તો તેમના આત્મબળના હિસાબે અત્યારસુધી તેઓ ટકી શક્યા છે. તદુપરાંત એલોપથીના સાધનો પ્રત્યેના ખચકાટ અને સંયમી જીવનની અંગત આસ્થાને લીધે ઘણીવાર જૈનાચાર્યોના ટ્રીટમેન્ટ લેવામાં મોડું થઈ જતું હોય છે. પરંતુ આ ખોટ જૈન સમુદાય માટે કદી ન પૂરાનારી છે અને સમાજે સાચા માર્ગદર્શકો ગુમાવ્યા છે.

‘સાધુ ભગવંતોની વિદાયથી જિનશાસન ચલાવવાનો અમૂલ્ય વારસો ગુમાવ્યો છે’
આ અંગે જૈન સમાજના અન્ય અગ્રણી અને જાણિતા કાર્ડિયાક સર્જન ડૉ. ભૂપેશ ડી શાહે Divya Bhaskarને જણાવ્યું હતું કે, “અમારા જૈન સમુદાયના 50થી વધુ સાધુ ભગવંતો આ કોરોનાના કપરા કાળમાં કાળધર્મ પામ્યા છે અને જૈન સમુદાય કદી આ ખોટની ભરપાઈ કરી શકશે નહીં. જૈન સાધુ-સાધ્વી એ અમારા માટે જિનશાસન ચલાવવા માટેનો એક વારસો છે. આ વારસાને કોરોના મહામારી જે ભરખી ગઈ તેનાથી અમારા સમાજને ઘેરો આઘાત લાગ્યો છે. અમારા દરેકના હૃદયમાં એવું છે કે આ ખોટ કદી ભરપાઈ નહીં થાય. હજી પણ ઘણા સાધુ-ભગવંતોને આ મહામારીમાંથી બહાર કાઢવા અમે છેલ્લા 10 દિવસથી પ્રયત્નો કરી રહ્યા છીએ. આજની તારીખે 600થી વધુ સાધુ-સાધ્વીઓ કોરોના પોઝિટિવ છે અને તેમનો વિવિધ કોવિડ સેન્ટરો તથા આઈસોલેશન સેન્ટરોમાં ઈલાજ ચાલી રહ્યો છે. હિન્દુ હોય જૈન હોય કે મુસ્લિમો, દરેક ધર્મ માટે સાધુ-સંતો એક વારસો હોય છે અને ઘણા વર્ષની મહેનત પછી આવા સમાજના માર્ગદર્શક સાધુઓ બનતા હોય છે. તો આ દરેક ધર્મના સંગઠનોએ પોતાના સાધુ-સંતોને બચાવવા એ ફરજ બને છે જે માટે બધાએ એકત્રિત થવું જોઈએ.”

અન્ય સમાચારો પણ છે...